લંડનઃ બ્રિટનના ઓનલાઇન મુસ્લિમ પ્રચારકો પૈકીના એક મોહમ્મદ હેગાબ બદનક્ષીના કેસમાં હારી ગયા છે. અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, હેગાબને સડકો પર રમખાણો ફેલાવનારા ગણાવનારો આર્ટિકલ સાચો છે. યુ-ટ્યુબ પર 1.3 મિલિયન સબસ્ક્રાઇબર્સ ધરાવતા મોહમ્મદ હેગાબે સ્પેક્ટેટર મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા ડગ્લાસ મરેના લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે થયેલા સંઘર્ષ પર લખેલા આર્ટિકલ સામે ફરિયાદ કરી હતી. આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું કે, હેગાબે લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની અથડામણોના વીડિયો જારી કર્યા હતા. જેમાં તેણે હિન્દુઓની નિંદા કરી ફરીવાર સડકો પર નહીં ઉતરવા ધમકી આપી હતી.
મિસ્ટર જસ્ટિસ જ્હોન્સને ચુકાદામાં જણાવ્યું હતું કે આર્ટિકલમાં દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો કે હેગાબ ઉશ્કેરણી કરનાર વ્યક્તિ છે. તેણે લંડનની સડકો પર પણ ટોળાઓની ઉશ્કેરણી કરી હતી. ઇઝરાયેલ વિરોધી દેખાવોમાં ઉશ્કેરણીજનક ભાષણો આપ્યાં હતાં. લેસ્ટરમાં પણ તેણે પોતાના મુસ્લિમ અનુયાયીઓની ઉશ્કેરણી કરી હતી. હેગાબે અદાલત સમક્ષ પણ ખોટા પુરાવા રજૂ કર્યા હતા.