લંડનઃ લેસ્ટરના સિટી સેન્ટરની દ મોન્ટફોર્ટ સ્ટ્રીટ ખાતે 31 મે 2025ના શનિવારના રોજ લોકો પર કાર ચડાવી દઇ સંખ્યાબંધને ઇજા પહોંચાડનાર ગ્વેનડોલેન રોડના રહેવાસી 28 વર્ષીય ગુરવિન્દરસિંહને લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા 7 નવેમ્બરના રોજ 7 વર્ષ અને 6 મહિના કેદની સજા ફટકારવામાં આવી હતી. અદાલતે ગુરવિન્દર પર 12 વર્ષનો ડ્રાઇવિંગ પ્રતિબંધ પણ મૂક્યો હતો.
લેસ્ટરમાં કોઇ પ્રાઇવેટ ઇવેન્ટમાં થયેલી તકરારને પગલે ગુરવિન્દરે તેની કાર દ્વારા સંખ્યાબંધ લોકોને કચડવાનો પ્રયાસ કર્યો હતો. કૃત્ય આચર્યા બાદ તે ત્યાંથી ફરાર થયો હતો. માર્ગારેટ સ્ટ્રીટ ખાતે તેણે કારની નંબર પ્લેટ હટાવી લેવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે પોલીસ તપાસમાં તે ઝડપાઇ ગયો હતો અને અદાલતી સુનાવણીમાં તેણે પોતાના પર મૂકાયેલા આરોપો કબૂલી લીધા હતા.


