લેસ્ટરમાં સંરક્ષિત સ્થળ ખાતે 30,000 ટન કચરો મળી આવતાં દૂર રહેવાની ચેતવણી

ગેરકાયદેસર નિકાલ કરાયેલા કચરાનું વજન 5,000 હાથી સમાન હોવાનો અંદાજ

Tuesday 05th May 2026 11:27 EDT
 
 

લેસ્ટરઃ લેસ્ટરશાયરના એક સુરક્ષિત સુંદરતા ધરાવતા સ્થળ પર હજારો ટન ઘરગથ્થુ કચરો ગુપ્ત રીતે દાટવામાં આવ્યો હોવાનું બહાર આવતા સ્થાનિક રહિશોને તે વિસ્તારથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. માર્કેટ હાર્બરોમાં આવેલા શોવેલ ગામ નજીક કેવ્સ ઇન પિટ્સ નામની વિશેષ વૈજ્ઞાનિક મહત્વ ધરાવતી સાઇટ પરથી અંદાજે ૩૦,૦૦૦ ટન જેટલો કચરો મળી આવ્યો છે. સ્થાનિક લોકોએ દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કર્યા બાદ આ ભયાનક સત્ય સામે આવ્યું હતું.

પર્યાવરણ એજન્સી આ મામલે તપાસ કરી રહી છે અને ત્યાં સુધી લોકોને આ સ્થળથી દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે. એજન્સીએ આ ઘટનાને કચરાના નિકાલનું અત્યંત ગંભીર ઉદાહરણ ગણાવ્યું છે.

વેસ્ટ મિડલેન્ડ્સ માટેના એન્વાયર્નમેન્ટ એજન્સીના એરિયા ડાયરેક્ટર ઇયાન જોન્સે આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ મોટા પાયે ગેરકાયદે કચરો ફેંકવાનો ઘૃણાસ્પદ કિસ્સો છે. અમે આ માટે જવાબદાર ગુનેગારોને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે જેથી તેમને તેમના કૃત્યની સજા મળે.

નેચરલ ઈંગ્લેન્ડના પ્રિન્સિપલ મેનેજર ફિલ હુકીને આ ઘટનાને હૃદયદ્રાવક ગણાવતા કહ્યું હતું કે, આ સ્થળ લેસ્ટરશાયરના શ્રેષ્ઠ વેટલેન્ડ્સ પૈકીનું એક હતું. ઇંગ્લેન્ડની કિંમતી વૈજ્ઞાનિક સાઇટને આ રીતે નુકસાન થતું જોવું એ પીડાદાયક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter