લંડનઃ લેસ્ટરમાં એક બેન્ક ફ્રોડ કેસમાં પાંચ વર્ષની તપાસ બાદ પાંચ વ્યક્તિ સામે કેસ નોંધાયો છે. લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે, આ અપરાધ જૂન 2018થી ડિસેમ્બર 2020 વચ્ચે આચરાયો હતો. આ પાંચેય આરોપી સેફ એકાઉન્ટના નામે પીડિતો સાથે ફ્રોડ આચરતા હતા. જેમાં અપરાધી પીડિતનો સંપર્ક કરી તેની બેન્કના અધિકારી તરીકે પોતાને રજૂ કરતા અને તેના નાણા બેન્ક ખાતામાં સલામત ન હોવાનું જણાવી સેફ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા સૂચના આપતા હતા. આ સેફ એકાઉન્ટનું સંચાલન અપરાધીઓ દ્વારા જ કરાતું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, લેસ્ટરના વોલ્સે આયલેન્ડના ઇસ્ટવેલ વોકના 30 વર્ષીય મોહમ્મદ બિલાલ ખાન અને હુમાયરા ફકીરભાઇ, સ્પિની હિલ્સના 31 વર્ષીય ફૈઝલ ફકીરભાઇ, ગ્લેન પર્વના 44 વર્ષીય એમ્બર વ્હાઇટ, નાઇટ ક્લોઝના 37 વર્ષીય લુઇસ બ્લેક પર ફ્રોડના કાવતરાના આરોપ મૂકાયા છે. હવે પછી આ પાંચેયને લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાશે.