લંડન
નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજના પ્રમુખ પ્રવિણ અમીને જણાવ્યું હતું કે, છેલ્લા 20 દિવસથી સુનિયોજિત હિસા દ્વારા હિન્દુ સમાજને લક્ષ્યાક બનાવવામાં આવી રહ્યો છે. હિન્દુ સમાજને ભયભીત કરવા માટે સુનિયોજિત હુમલા કરવામાં આવી રહ્યાં છે. બેલગ્રેવ અને લેટીમર વિસ્તારમાં રહેતા દિવ અને દમણના હિન્દુઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. હિંસા માટે હિન્દુઓને જવાબદાર ગણાવતા ફેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરાય છે.અમે હિન્દુઓને પુરતી સુરક્ષા આપવા પોલીસ સમક્ષ માગ કરી છે.
પત્રકાર નિર્મલા ભોજાણી કહે છે કે હું લેસ્ટરમાં 34 વર્ષથી રહું છું અને દરેક સમુદાયના લોકો ભાઇચારાથી રહે છે. પોલીસે બર્મિંગહામના કેટલાક સહિત 47 લોકોની ધરપકડ કરી છે તેનો અર્થ એ થયો કે લેસ્ટરમાં હિંસા માટે બહારથી આવેલા લોકો જવાબદાર છે. કેટલાક વિભાજનકારી પરિબળોએ શહેરમાં અશાંતિ ફેલાવી છે ત્યારે આપણે હિન્દુઓએ શહેરની શાંતિ વધુ ન ડહોળાય તે માટે સાવચેત રહેવું પડશે. લેસ્ટરમાં શાંતિ માટે આવો આપણે એકજૂથ થઇએ.
ક્રિકેટમાં હાર-જીતનો સ્વીકાર ખેલદિલીથી કરવો જોઇએ – વિનોદ કોટેચા
ફેડરેશન ઓફ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન્સના પૂર્વ વડા વિનોદ કોટેચા કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી ક્રિકેટ મેચ વિખવાદનું કારણ બનવી જોઇએ નહીં. બે ટીમ રમતી હોવાથી કોઇ એક જ વિજેતા બને છે ત્યારે ક્રિકેટમાં હાર – જીતનો સ્વીકાર ખેલદિલીથી કરવો જોઇએ.
તાત્કાલિક પગલાં લેવા પીએમ લિઝ ટ્રસ સમક્ષ માગ
પ્રોફેસર મનોજ લાડવાએ પીએમ લિઝ ટ્રસને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે, લેસ્ટરમાં હિન્દુ સમુદાય ભયમાં છે ત્યારે વધુ વિચલિત કરનારા સમાચાર આવે તે પહેલાં તાત્કાલિક પગલાં ભરો. આ કોઇ નાની સૂની ઘટના નથી. આપણા અંતરિયાળ શહેરોમાં આ ચરૂ ઘણા લાંબા સમયથી ઉકળી રહ્યો છે. સંજય જગતિયા કહે છે કે આગામી સપ્તાહમાં હજારો હિન્દુઓ નવ દિવસ સુધી એકઠાં મળીને નવરાત્રીની ઉજવણી કરશે.જો આવી જ સ્થિતિ રહેશે તો હિન્દુ સમુદાયના લોકો ઉજવણી માટે બહાર જતાં ડરશે. જો સ્થિતિને નિયંત્રણમાં નહીં લેવાય તો અન્ય શહેરોમાં પણ સ્થિતિ વણસી શકે છે. હિન્દુ સાહિત્યના દિલિપ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રીમાં કોઇપણ અનિચ્છનિય ઘટના હિન્દુઓ માટે મોટી મુશ્કેલી સર્જશે. તેથી સરકારે હિન્દુ સમુદાયને સંરક્ષણ આપવું જોઇએ.
15 વર્ષીય કન્યાના અપહરણના ફેક ન્યૂઝ ફેલાવાયા
બીએચવીના અધ્યક્ષ વિનોદ પોપટે જણાવ્યું હતું કે, 3 હિન્દુ યુવકો દ્વારા 15 વર્ષીય કન્યાનું અપહરણ કરાયું હોવાના ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પર ફેલાવનારાની અમે આકરી ટીકા કરીએ છીએ. પોલીસ તપાસમાં આ અહેવાલો તદ્દન ખોટા સાબિત થયાં છે. આ પ્રકારના ફેક ન્યૂઝ તેને ફેલાવનારાઓના બદઇરાદા જાહેર કરે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એક ચોક્કસ સમુદાયને બદનામ કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે. હિન્દુ અને મુસ્લિમ વિસ્તારોના નામે વિસ્તારોને વિભાજિત કરવામાં આવી રહ્યાં છે.


