લેસ્ટરશાયરમાં વીકએન્ડમાં નવા ૨૦૦ કોરોના કેસ

લેસ્ટર - બર્મિંગહામના સમાચાર

Tuesday 15th September 2020 13:23 EDT
 

સોમવારથી દેશભરમાં ‘રુલ ઓફ સિક્સ’ લાગુ કરાયા સાથે લેસ્ટરના લોકડાઉનની સમીક્ષા કરવામાં આવી હતી. લેસ્ટર સિટી અને કાઉન્ટીમાં વીકએન્ડ દરમિયાન કોરોના વાઈરસના નવા ૨૦૦ કેસ કન્ફર્મ થયા હતા. રવિવાર ૧૩ સપ્ટેમ્બર સુધીમાં શહેરનો કોરોના આંક ૯૯ના વધારા સાથે લોકડાઉનના આરંભથી કુલ ૬,૧૪૨નો થયો છે. ચાર્નવૂડમાં સૌથી વધુ ૨૧ (કુલ ૯૯૩) કેસ, બ્લાબી ડિસ્ટ્રિક્ટમાં નવા ૨૦ (કુલ ૬૬૨) કેસ, ઓડબી એન્ડ વિગસ્ટન (કુલ ૬૨૫) કેસ, હિન્કલી એન્ડ બોસ્વર્થ (કુલ ૬૩૪) કેસ જોવા મળ્યા હતા.

કાઉન્સિલ માળખું બદલાશે તો ટેક્સ ઘટી શકે

લોકલ ગવર્મેન્ટના વર્તમાન માળખામાં ફેરફારની યોજના આગળ વધી રહી છે. જો તે અમલી બનશે તો દેશભરના હજારો પરિવારો માટે કાઉન્સિલ ટેક્સમાં બોનસ સમાન પૂરવાર થશે. આ યોજના હેઠળ કાઉન્ટી, ડિસ્ટ્રિક્ટ અને બરો કાઉન્સિલ રદ કરી નવી કાઉન્સિલની રચના કરાશે. આ વ્યવસ્થામાં હિન્કલી એન્ડ બોસ્વર્થ કાઉન્ટીમાં હાલ જે ટેક્સ છે તેવા નીચા દરે કાઉન્સિલ ટેક્સ દર લાગુ કરાશે. લેસ્ટરશાયર કાઉન્ટી કાઉન્સિલની ટોરી સંચાલિત કેબિનેટ આગામી સપ્તાહની મીટિંગમાં આ મુદ્દે ચર્ચા કરશે. તેમણે ઈસ્ટ મિડલેન્ડ્સ સુપર કાઉન્સિલની રચના માટે કેન્દ્ર સરકારને પત્ર પણ પાઠવ્યો છે. આ સુપર કાઉન્સિલમાં નોટિંગહામશાયર, લેસ્ટરશાયર અને ડર્બીશાયરની તમામ કાઉન્સિલને સમાવી લેવાશે. આ જ માળખું વેસ્ટ મિડલેન્ડ્સ માટે પણ ઉભુ કરાયેલું છે. સુપર કાઉન્સિલની રચનાથી વિસ્તારને વાર્ષિક ૩૦ મિલિયન પાઉન્ડ જેટલી બચત થવા ઉપરાંત, સર્વિસીસમાં પણ ૧૦૦ ટકા લાભ મળશે.

લેસ્ટર લોકડાઉન નિયંત્રણ હળવાં

હેલ્થ અને સોશિયલ કેર ડિપાર્ટમેન્ટ દ્વારા લેસ્ટરના લોકડાઉન નિયંત્રણોની સમીક્ષા કરવામાં આવી છે. સંખ્યાબંધ નિયંત્રણો હળવાં કરાયાં છે પરંતુ, લોકો ઘર અને ગાર્ડન્સમાં મુલાકાતો યોજી ન શકે તે પ્રતિબંધ યથાવત છે. ૧૫ સપ્ટેમ્બર મંગળવારથી દેશમાં મોટા ભાગે ખોલાયા છે તે રીતે કેટલાક બિઝનેસીસ ફરી ખોલી શકાશે. આગામી સપ્તાહથી કેસિનો, સ્કેટિંગ રિન્ક્સ, બોલિંગ એલીઝ, પ્રદર્શન હોલ્સ, કોન્ફરન્સ સેન્ટર્સ તેમજ સોફ્ટ પ્લે એરિયા સહિત ઈનડોર પ્લે એરિયાઝ ખુલી શકશે. સોશિયલ ડિસ્ટન્સ સાથે ઈનડોર પરફોર્મન્સીસને છૂટ મળી છે. આ ઉપરાંત, આઈબ્રો થ્રેડિંગ અને મેક-અપ જેવી નજીકથી કરવી પડતી બ્યૂટી ટ્રીટમેન્ટ્સ પરના નિયંત્રણો ઉઠાવી લેવાયાં છે. જોકે, દેશભરમાં અમલી ખાનગી ઘરો અને ગાર્ડ્ન્સમાં પરિવારોની આંતરિક મુલાકાતો પ્રતિબંધિત રહેશે. આ સાથે નવો રુલ ઓફ સિક્સ પણ લાગુ પડશે. સરકારે જણાવ્યું છે કે આ નિયંત્રણો બાબતે ૨૪ સપ્ટેમ્બર સુધીમાં આગામી સમીક્ષા કરી શકાશે.

બર્મિંગહામમાં ૧૫૦૦ લોકો સિટિઝનશિપ ટેસ્ટમાં નિષ્ફળ

ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન કાયદા હેઠળ પ્રાપત માહિતી અનુસાર ગયા વર્ષે બર્મિંગહામમાં ૧૫૦૦ લોકો સિટિઝનશિપ ટેસ્ટમાં નિષ્ફળ નીવડ્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૫,૧૧૯ ટેસ્ટ લેવાયા હતા. બ્રિટિશ નાગરિકત્વ માટેની પરીક્ષામાં બર્મિંગહામમાં ત્રણમાંથી લગભગ એક વ્યક્તિ ગયા વર્ષે નિષ્ફળ રહી હતી. ૨૦૧૮-૧૯માં લેવાયેલા કુલ ૫,૧૦૫ ટેસ્ટમાંથી ૧,૩૭૭ (૨૭ ટકા) લોકો નાપાસ થયા હતા તેની સરખામણીએ ૨૦૧૯-૨૦માં કુલ ૫,૧૧૯ ટેસ્ટ લેવાયા હતા જેમાંથી, ૧,૫૪૨ (૩૦ ટકા) લોકો નાપાસ થયા હતા. આમ નાપાસ થવાની ટકાવારી વધી છે. બ્રિટિશ નાગરિકત્વ મેળવવા અથવા બ્રિટનમાં સ્થાયી થવા માટેના માપદંડોમાં એક ‘લાઈફ ઈન ધ યુકે’ ટેસ્ટમાં પાસ થવું મહત્ત્વપૂર્ણ છે.  બ્રિટિશ સંસ્કૃતિ અને ઈતિહાસ સંબંધિત ૨૪ પ્રશ્નના ઉત્તર માટે ૪૫ મિનિટ ફાળવાય છે અને ઓછામાં ઓછાં ૭૫ ટકા માર્ક્સ જરુરી હોય છે. પકરીક્ષા ગમે તેટલી વખત આપી શકાય છે પરંતુ, દરેક ટ્રાયલે ૫૦ પાઉન્ડની ફી ભરવી પડે છે. આ ઉપરાંત, દેશમાં ચોક્કસ સમયનો વસવાટ, ઈંગ્લિશ ભાષાની પરીક્ષામાં પાસ થવું તેમજ ક્રિમિનલ સજા ન થઈ હોય તે પણ જરુરી રહે છે. સમગ્ર યુકેમાં ૨૦૧૯-૨૦માં લેવાયેલા કુલ ૧૬૦,૧૨૪ લોકોએ પરીક્ષા આપી હતી તેમાંથી ૧૯ ટકા અથવા ૩૦,૮૩૩ લોકો નાપાસ થયા હતા.

બર્મિંગહામની ૨૩૪ એસ્ટેટ્સ બિનવારસી

બર્મિંગહામમાં રહેવાસીઓના મોત થયા હોય અને તેમની સંપત્તિ પર કોઈએ દાવો કર્યો ન હોય તેવી ૨૩૪ એસ્ટેટ બિનવારસી હોવાનું બહાર આવ્યું છે. દેશમાં બિનવારસી એસ્ટેટ્સની સંખ્યામાં બર્મિંગહામ સિટી પ્રથમ ક્રમે છે. વારસાઈ પેઢી એન્જલિયા રિસર્ચ દ્વારા આઠ સપ્ટેમ્બરે જાહેર કરાયેલા તારણો અનુસાર ૨૦૨૦ના ત્રીજા ત્રિમાસિક ગાળા સુધીમાં ૨૩૪ એસ્ટેટ્સ પર કોઈ દાવો કરાયો નથી. કંપનીએ સરકાર દ્વારા પ્રસિદ્ધ બોના વેકેન્શિઆ (Bona Vacantia) લિસ્ટનો ઉપયોગ કર્યો હતો. બર્મિંગહામના હજારો લોકો કદાચ આવી સંપત્તિના વારસ હોઈ શકે છે પરંતુ, જાણકારીના અભાવે દાવાઓ ન થતાં હોવાનું શક્ય છે. એન્જલિયા રિસર્ચ દ્વારા લોકોને પોતાના વંશવૃક્ષની ચકાસણી કરવા વિનંતી કરવામાં આવી હતી. ટ્રેઝરી લિસ્ટમાં અબ્રાહમ, એલ્ગર, અલી, બાબ, બાલિન્જર, બાર્લો, બેન્જામિન, બેનેટ, બિગ્સ, બ્રીઅર્લી, બોયલ, બર્જેસ, બ્રાઉન, બ્રૂક્સ કાર્ટરાઈટ, ક્લાર્ક, કોનેલી, કેસિડી, ચેટર્ટન, ચેન, કોનરોય સહિતના નામોનો સમાવેશ કરાયેલો છે.

 ૮૫ વર્ષીય બાળ યૌનશોષણખોરને જેલ

વર્સેસ્ટરના ૮૫ વર્ષીય બાળ યૌન દુષ્કર્મી કેનેથ ડાયકેને ૧૯૯૦ના દાયકામાં સ્ટેફોર્ડશાયરના ઉટ્ટોક્સટરમાં છ વર્ષ સુધી બાળકો સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં સજા કરાઈ છે. સ્ટોફોર્ડ ક્રાઉન કોર્ટે ૧૧ સપ્ટેમ્બરે ડાયકેને ૧૨ વર્ષ અને છ મહિનાની જેલની સજા ફરમાવી હતી. તેને આજીવન સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં મૂકાયો હતો. ડાયકેએ ૧૯૯૨થી ૧૯૯૮ના ગાળામાં ૧૪ વર્ષથી ઓછી વયના બાળકો સાથે અનૈતિક વ્યવહાર તેમજ બળાત્કારના પ્રયાસોની કબૂલાતો કરી હતી.

લેસ્ટરશાયરની ૪૦થી વધુ શાળામાં કોરોના કેસ

લેસ્ટર સિટી અને લેસ્ટરશાયરની ૪૦થી વધુ શાળા અને કોલેજોમાં ઓટમ ટર્મ શરુ થયાં પછી વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં કોવિડ-૧૯ના સંક્રમણના કેસ બહાર આવ્યા છે. લેસ્ટરશાયર કાઉન્ટી કાઉન્સિલના શિક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉનાળાની રજાઓ પછી ખોલાયેલી ૨૫ કાઉન્ટી સ્કૂલ્સમાં કોવિડ-૧૯ કેસ જણાયા હતા. લેસ્ટરમાં ઓછામાં ઓછી ૧૯ સ્કૂલ્સમાં વાઈરસ સંક્રમણ થયું હતું. સંક્રમિત સ્ટાફ અને વિદ્યાર્થીઓને ૧૫ દિવસ માટે એકાંતવાસમાં મોકલી દેવાયા હતા. જોકે, સંક્રમિતોની સંખ્યા ઓછી હોવાથી પેરન્ટ્સને ચિંતા નહિ કરવા જણાવાયું હતું. લેસ્ટર સિટી અને કાઉન્ટીની ૪૦૦ જેટલી શાળાઓના ૧૫૦,૦૦૦ જેટલા બાળકો નવી ટર્મથી શાળામાં ફરી જોડાયાં છે.

મૃત વ્યક્તિના નામે £૩૦,૦૦૦ના બેનિફિટ્સ લીધાં

વર્ષો પહેલાના મૃત વ્યક્તિઓની સંભાળ લેનારા (કેરર)નો સ્વાંગ રચી લેસ્ટરના ફેરફેક્સ ક્લોઝમાં રહેલી ૪૯ વર્ષની ઈવેટા સ્ટોજકોવાએ ૩૦,૯૫૭ પાઉન્ડના બેનિફિટ્સ મેળવવાની છેતરપિંડી આચરી હતી. સ્ટોજકોવાએ જાન્યુઆરી ૨૦૦૯થી જાન્યુઆરી ૨૦૧૫ના ગાળામાં આચરેલી છેતરપિંડીના ચાર ગુનાની કબૂલાત કરી હતી. લેસ્ટર ક્રાઉન કોર્ટે તેને ૯ મહિનાની જેલની સજા ફરમાવી હતી જેને ૧૮ મહિના માટે સસ્પેન્ડ રખાઈ હતી. તેને ૨૫૦ પાઉન્ડની પ્રોસીક્યુશન કોસ્ટ ચૂકવવાનો પણ આદેશ કરાયો હતો. મૂળ સ્લોવેકિયાની સ્ટોજકોવા ઓગસ્ટ ૨૦૦૮માં યુકે આવી હતી. આ ગુનામાં તેના સાથીદારને અગાઉ જ અન્ય ગુનામાં દેશનિકાલ કરાયો છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter