લો કર લો બાત.... યુકેનો બનાવટી પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ ફક્ત 5000 પાઉન્ડમાં

અપરાધિક કંપનીઓ દ્વારા ક્લિક એન્ડ કલેક્ટ સુવિધાના માધ્યમથી કૌભાંડ આચરાતું હોવાનો દાવો

Tuesday 07th January 2025 09:46 EST
 
 

લંડનઃ એક અખબારી તપાસમાં યુકેના બનાવટી પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સનો વેપલો ધડલ્લે ચાલતો હોવાનું સામે આવ્યું છે. ધ સન અખબાર દ્વારા આ અંગે એનસીએના અધિકારીઓને સાવચેત પણ કરાયાં છે કે કેવી રીતે કેટલીક અપરાધિક બ્રિટિશ કંપનીઓ બનાવટી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવી રહી છે. ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ બ્રિટન આવતાં પહેલાં આ પ્રકારના બનાવટી પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ ખરીદી રહ્યાં છે. તેના દ્વારા તેમને બ્રિટનમાં ગેરકાયદેસર રીતે નોકરી મેળવવા અને પોલીસ તપાસમાંથી બચી જવામાં મદદ મળે છે. અખબારે ચેતવણી ઉચ્ચારી છે કે ક્લિક એન્ડ કલેક્ટ સુવિધા ઉપલબ્ધ કરાવીને અપરાધિક બ્રિટિશ કંપનીઓ ફક્ત 5000 પાઉન્ડમાં બનાવટી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવી રહી છે.

એક કંપનીની જાહેરાતમાં તો સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે તમે કોઇપણ પ્રકારની પરીક્ષા વિના ડ્રાઇવિંગ લાયસન્સ માટે થિયરી અને પ્રેકટિકલ સર્ટિફિકેટ હાંસલ કરી શકો છો. ગ્રેટર માન્ચેસ્ટરના સ્વીન્ટોનથી ઓપરેટ કરતી એક અન્ય કંપની ફક્ત 5000 પાઉન્ડમાં યુકેનો પાસપોર્ટ અપાવવાની ગેરેંટી આપી રહી છે. આ પ્રકારની જાહેરાતો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળી રહી છે.

આ પ્રકારના દસ્તાવેજોનો ઉપયોગ યુકેમાં રહેવા માટેની બોગસ એપ્લિકેશન કરવામાં અને નોકરીઓ હાંસલ કરવામાં થઇ શકે છે કારણ કે મોટાભાગના નોકરીદાતાઓ આ પ્રકારના બનાવટી દસ્તાવેજોની ઓળખ કરી શક્તાં નથી.

એનસીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બનાવટી ઓળખપત્રો ઓર્ગેનાઇઝ્ડ ઇમિગ્રેશન ક્રાઇમમાં મદદ કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter