લંડનઃ બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીય ૯૪ વર્ષના થયાં છે. આ નિમિત્તે બકિંગહામ પેલેસે ક્વીનના બાળપણની અંગત ફિલ્મ જારી કરી હતી. મહારાણીને જન્મદિનના અભિનંદન આપવામાં ડ્યુક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપ, પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ, કેટ મિડલટનની સાથે સમગ્ર દેશ જોડાયો હતો. કેપ્ટન ટોમ મૂરે પણ પોતાના આદર્શ ક્વીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. કોરોના વાઈરસ મહામારીના કારણે ક્વીન તેમનો જન્મદિન પરિવારથી દૂર રહીને ઉજવી રહ્યા છે. બ્રિટનમાં લોકડાઉન અને મહામારીમાં હજારો લોકોના મોત થવાથી ક્વીનના બર્થડેના દિવસે તોપોની સલામીનો કાર્યક્રમ રદ કરાયો હતો.
ક્વીન એલિઝાબેથ દ્વિતીય બર્કશાયરના વિન્ડસર કેસલમાં ઓછાં સ્ટાફ સાથે તેમના જીવનસાથી પ્રિન્સ ફિલિપ સાથે રહે છે. રોયલ કલેક્શન ટ્રસ્ટમાંથી હૃદયસ્પર્શી ફિલ્મ્સ દ્વારા સાથે ઉછરી રહેલી બે બહેનો તેમજ યુવાન પ્રિન્સેસ એલિઝાબેથ તરીકે ક્વીનના જીવનમાં દુર્લભ ડોકિયું કરાયું છે. ક્લેરેન્સ હાઉસે ક્વીન સાથે પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પત્ની કેમિલાની ચાર તસવીરો જાહેર કરી હતી તો કેન્સિંગ્ટન પેલેસે ક્વીન સાથે કેટ અને વિલિયમની તસવીરો જાહેર કરી હતી.
સામાન્યપણે કિંગ્સ ટ્રૂપ રોયલ હોર્સ આર્ટિલરી દ્વારા હાઈડ પાર્ક અથવા ગ્રીન પાર્ક ખાતે ૨૧ તોપની સલામી અપવામાં આવે છે. આ પછી ઓનરેબલ આર્ટિલરી કંપની દ્વારા ટાવર ઓફ લંડન ખાતે ૬૨ તોપની સલામી અપાય છે. જોકે, વર્તમાન સમયમાં મિલિટરી ફાયરપાવરનું ઉજવણીદર્શક પ્રદર્શન યોગ્ય નહિ રહે તેવો નિર્ણય ક્વીને જ કર્યો હતો.