લંડનઃ કોવિડ મહામારી લોકડાઉન પછી સામાન્ય જીવન તરફ આગળ વધવાના રોડમેપના ભાગરુપે સરકારે થીએટર્સ, કેસિનોઝ અને કોન્સર્ટ વેન્યુઝને ૧૫ ઓગસ્ટ શનિવારથી ફરી ખોલવાની પરવાનગી આપી છે. આ સાથે ૩૦ વ્યક્તિ સાથેના વેડિંગ રિસેપ્શનની પણ છૂટ અપાઈ છે. ટેટુ સ્ટુડિયોઝ, સ્પાઝ, બ્યૂટી સલૂન્સ અને બાર્બર્સ હવે આઈબ્રો થ્રેડિંગ અને ફેસિયલ સહિતની નિકટના સંપર્કની સર્વિસ આપી શકશે. વડા પ્રધાન જ્હોન્સને ચેતવણી આપી છે કે આ ફેરફારો ‘શરતી’ છે અને ઈન્ફેક્શનના દર ઊંચા જવા માંડશે તો ફેરફારો પર બ્રેક લગાવતા તેઓ અચકાશે નહિ. આમ તો, લોકડાઉન નિયંત્રણો પહેલી ઓગસ્ટથી હળવાં કરવાના હતા પરંતુ, કોરોના વાઈરસ કેસીસમાં ઉછાળો આવતા બે સપ્તાહ મુલતવી રખાયાં હતાં. દેશના જે વિસ્તારોમાં સ્થાનિક નિયંત્રણો રખાયાં છે ત્યાં લોકડાઉન યથાવત રહેશે.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડમાં ટેટુ સ્ટુડિયોઝ, સ્પાઝ, બ્યૂટી સલૂન્સ અને બાર્બર્સને વધુ સેવાકીય છૂટછાટો સાથે ઈનડોર થીએટર્સ, બોલિંગ એલીઝ, સ્કેટિંગ રિંક્સ, ઈનડોર સોફ્ટ પ્લે એરિયાઝ, કેસિનોઝ અને કોન્સર્ટ વેન્યુઝને ૧૫ ઓગસ્ટથી ફરી ખોલવા દેવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ટેટુ સ્ટુડિયોઝ, સ્પાઝ, બ્યૂટી સલૂન્સ અને બાર્બર્સને આઈલેશ ટ્રીટમેન્ટ્સ, થ્રેડિંગ અને ફેસિયલ સહિત ગ્રાહકોને નજીકથી આપી શકાય તેવી સેવા આપવાની છૂટ મળી છે.
• ઈનડોર થીએટર્સ, મ્યુઝિક અને પરફોર્મન્સના સ્થળોઃ થીએટર્સ જેવાં પરફોર્મન્સનાં સ્થળો સરકાર દ્વારા નવી મૂકાયેલી આર્ટ ગાઈડલાઈન્સ અને સામાજિક અંતર સાથેના ઓડિયન્સ સાથે ફરીથી ખુલ્લાં મૂકાશે. ઈનડોર સ્થળો ઓછી ક્ષમતા સાથે કામ કરશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ટિકિટ્સનું મર્યાદિત વેચાણ થઈ શકશે. બે પરફોર્મન્સ વચ્ચે અન્ય ઓડિયન્સ અંદર આવે તે પહેલા ડીપ ક્લિનિંગ હાથ ધરવું પડશે. સ્ટેજ પરના કલાકારોએ પણ સામાજિક અંતરના નિયમો પાળવાના રહેશે.
• લાઈવ સ્પોર્ટ પાઈર્લટ ઈવેન્ટ્સઃ મોટી સંખ્યામાં દર્શકો સલામતપણે આવી શકે તેના પરીક્ષણ માટે નાની સંખ્યામાં ઈવેન્ટ્સ યોજાશે. ૧ ઓક્ટોબરથી સોશિયલ ડિસ્ટન્સિંગ પગલાં સાથે રમતના ચાહકો માટે સ્પર્ધાત્મક રમતોના સ્થળો ખોલવાના હેતુસર આવા પાઈલટ ઈવેન્ટ્સ યોજાવાના છે. ૧૫-૧૬ ઓગસ્ટે શેફિલ્ડના ક્રુસિબલ થીએટરમાં વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપની ફાઈનલ સાથે આ યોજનાનો આરંભ થયો છે.
• કોવિડ-સુરક્ષિત સ્થળોએ વેડિંગ રિસેપ્શન્સઃ શનિવારથી ૩૦ મહેમાન સુધીની હાજરી સાથે લગ્નના સત્કાર સમારંભ યોજી શકાશે. આવા સમારંભનો સમય બને તેટલો ઓછો રાખવાનો છે અને કોવિડમુક્ત સ્થળોએ ગાઈડલાઈન્સના પાલન સાથે જ યોજી શકાશે. ભોજન બેસીને જ લેવાનું રહેશે.
• ટેટુ સ્ટુડિયોઝ, સ્પાઝ અને બાર્બર્સઃ શનિવારથી ટેટુ સ્ટુડિયોઝ, સ્પાઝ, બ્યૂટી સલૂન્સ અને હેરડ્રેસર્સ મેક-અપ, આઈબ્રો થ્રેડિંગ, આઈલેશ ટ્રીટમેન્ટ્સ, ફેસિયલ તેમજ બોટોક્સ ઈન્જેક્શન્સ અને દાઢીના ટ્રીમિંગ સહિત ગ્રાહકોને નજીકથી આપી શકાય તેવી વધારાની સેવા ઓફર કરી શકશે.જોકે, આવાં વર્કપ્લેસ વારંવારના હાથ ધોવાના અને નિયમિત સફાઈના પગલાં સાથે કોવિડ સુરક્ષિત હોવાં જોઈશે. આ સેવાઓની પરવાનગીથી નાના અને સ્વતંત્ર બિઝનેસીસને આવક મળશે, નોકરીઓ સુરક્ષિત રહેશે અને અર્થતંત્રને વેગ મળશે તેમ બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ જણાવ્યું હતું.
• કેસિનોઝ, સ્કેટિંગ રિંક્સ, બોલિંગ એલીઝ અને ઈનડોર પ્લેઃ લોકડાઉન લદાયા પછી પહેલી વખત કેસિનોઝ, સ્કેટિંગ રિંક્સ, બોલિંગ એલીઝ અને બાળકો માટે ઈનડોર પ્લે સેન્ટર્સ કસ્ટમર્સને આવકારશે. જોકે, નાઈટ ક્લબ્સ અને ડાન્સ હોલ્સ હાલ પૂરતા બંધ રહેશે.
• બિઝનેસ ઈવેન્ટ્સ અને કોન્ફરન્સીસઃ જો ઈન્ફેક્શનના દર વર્તમાન સ્તરે રહેશે તો ૧ ઓક્ટોબરથી બિઝનેસ ઈવેન્ટ્સ અને કોન્ફરન્સીસ યોજવાની પરવાનગી અપાઈ શકે છે. આવા ઈવેન્ટ્સ પણ હાલ પાઈલટ ધોરણે યોજાશે જેથી, સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોની જાળવણી માટેના સારાં પગલાં વિચારી શકાય.


