લોકડાઉન પાર્ટીઝઃ બોરિસની બાલિશતા

Thursday 03rd February 2022 04:26 EST
 
 

લંડનઃ કોરોના લોકડાઉનના ગાળામાં લોકડાઉન દરમિયાન યોજાએલી પાર્ટીઓ સંબંધિત કેબિનેટ ઓફિસના વરિષ્ઠ અધિકારી સ્યુ ગ્રે દ્વારા કરાયેલી ઈન્ક્વાયરીનો ૧૨ પાનાનો મર્યાદિત રિપોર્ટ બોરિસ સરકારે જાહેર કર્યો છે. આ મર્યાદિત રિપોર્ટમાં પણ સરકારની નેતાગીરીની ગંભીર નિષ્ફળતા સ્પષ્ટ કરાયા ઉપરાંત પાર્ટીઓને કોઈ રીતે વાજબી ઠરાવી ન શકાય તેમ જણાવાયું છે. રિપોર્ટ જાહેર કરાયા પછી વડા પ્રધાન જ્હોન્સને હાઉસ ઓફ કોમન્સ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી માફી માગવા સાથે ડાઉનિંગ સ્ટ્રીટની કામગીરીમાં ધરમૂળ સુધારા કરવાની ખાતરી પણ ઉચ્ચારવી પડી છે. 

જોકે, વડા પ્રધાન જ્હોન્સને હોદ્દા પરથી રાજીનામું આપવાનો સદંતર ઈનકાર કર્યો હતો. પોલીસ દ્વારા પાર્ટીગેટની ક્રિમિનલ તપાસ પછી ગ્રે રિપોર્ટમાં અપડેટ જાહેર કરવામાં આવનાર છે.
મહામારીના ગાળામાં સરકાર નાગરિકોને તેમના જીવન સંબંધિત નિયંત્રણો સ્વીકારવા જણાવી રહી હોય ત્યારે મેળાવડાના આયોજનો બાબતે વર્તનને કદી વાજબી ઠરાવી શકાય નહિ તેમ સ્યુ ગ્રેના ૧૨ પેજના અપડેટ રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે. નંબર ૧૦ અને કેબિનેટ ઓફિસના વિવિધ વિભાગો દ્વારા નેતાગીરી અને વિવેકબુદ્ધિની નિષ્ફળતા દર્શાવાયાનું પણ રિપોર્ટમાં જણાવાયું હતું.
૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનનો ઉપયોગ વડા પ્રધાન તેમજ નંબર ૧૦ અને નંબર ૧૧ના પ્રાઈવેટ નિવાસી પૂરતો મર્યાદિત હોવો જોઈએ પરંતુ, લોકડાઉનના ગાળામાં કોવિડ સુરક્ષિત વર્ક ગ્રૂપ મીટીંગ્સ તરીકે વર્કપ્લેસની સવલત તરીકે કરાતો હતો. જોકે, પરવાનગી વિના ગાર્ડનનો ઉપયોગ પાર્ટીઝ માટે કરાયો હતો તે યોગ્ય નથી.
ટોરી પાર્ટીએ પોલીસ પાર્ટીગેટ તપાસ પૂર્ણ થઈ ગયા પછી અપડેટ રિપોર્ટ જાહેર કરવાની ખાતરી ઉચ્ચારી છે. ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ અને કેબિનેટ ઓફિસમાં ધરમૂળ ફેરફાર કરવાના અપાયેલા વચનોથી જ્હોન્સન પર ખતરાના વાદળ હાલ પૂરતા વિખેરાઈ ગયા હોવાનું જણાય છે. સ્યુ ગ્રે રિપોર્ટમાં નેતાગીરી અને વિવેકબુદ્ધિની નિષ્ફળતાઓને ગ્રે રિપોર્ટમાં વખોડી કઢાયાના પગલે ટોરી સાંસદોએ વડા પ્રધાનની ભારે ઝાટકણી કાઢી હતી. જોકે, પાર્ટીગેટ કૌભાંડ બાબતે નંબર ૧૦માં ધરખમ ફેરફાર કરવાની ખાતરીથી ટોરી સાંસદો હાલ શાંત થયા છે અને જ્હોન્સન સામેનું જોખમ હાલ પૂરતું ટળ્યું છે.

સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા ૮ ઈવેન્ટની તપાસ
સ્કોટલેન્ડ યાર્ડ હવે જે મેળાવડા યોજાયાનું કહેવાય છે તેવી આઠ તારીખોની તપાસ કરી રહ્યું છે. આમાંથી ‘બ્રિન્ગ યોર ઓન બૂઝ’ ગાર્ડન પાર્ટી અને તેમની બર્થ ડે પાર્ટી સહિત ચાર ઈવેન્ટમાં વડા પ્રધાન હાજર રહ્યા હોવાનું જણાવાય છે. બાકીના બે ઈવેન્ટ કયા હતા તેના વિશે કશું કહેવાતું નથી. ગ્રે રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે કે મેટ્રોપોલીટન પોલીસ નંબ૨ ૧૦ અને અન્ય સરકારી વિભાગમાં યોજાયેલી ૧૨ પાર્ટીના કાર્યક્રમોમાંથી ૧૦ ઈવેન્ટનું ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન કરી રહેલ છે. પોલીસ દ્વારા વડા પ્રધાન જ્હોન્સન અને તેમના પત્ની કેરીની પૂછપરછ પણ કરાશે. કેરી જ્હોન્સન દ્વારા વડા પ્રધાનના જન્મદિને પાર્ટીનું આયોજન કરાયું હતું તે સહિત પાર્ટીગેટના ૩૦૦ ફોટોગ્રાફ્સની તપાસ પણ પોલીસે કરી છે. સ્યુ ગ્રેએ ૩૦૦ પાર્ટીગેટ ફોટોગ્રાફ્સ અને લેખિત પૂરાવાના ૫૦૦ પેજીસ સ્કોટલેન્ડ યાર્ડને પૂરાં પાડ્યાં છે. બોરિસ અને કેરી જ્હોન્સને નવેમ્બર ૨૦૨૦માં ડોમિનિક કમિંગ્સની હકાલપટ્ટી પછી કોઈ વિક્ટરી પાર્ટી યોજાયાનો ઈનકાર કર્યો છે. જોકે, સ્યુ ગ્રેના રિપોર્ટમાં આ પાર્ટીનો ઉલ્લેખ કરાયો છે.

સ્યુ ગ્રે રિપોર્ટના ચાવીરુપ મુદ્દા
ઉચ્ચ સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રે દ્વારા જ્હોન્સન સરકારને અપાયેલા રિપોર્ટના મર્યાદિત અંશો રજૂ કરાયા છે. જેમાં સરકારની નિષ્ફળતાનો મુદ્દો મુખ્ય છે. રિપોર્ટના કેટલાક ચાવીરુપ મુદ્દાઃ
• ૨૦૨૦ અને ૨૦૨૧ના ૧૬ ઈવેન્ટ્સની તપાસ કરાઇ હતી અને તેમાંથી ૧૨ ઈવેન્ટ્સની તપાસ મેટ્રોપોલીટન પોલીસ કરે છે • ઘણા મેળાવડા યોજવાને અથવા જે રીતે યોજાયા તે માટે પરવાનગી અપાવી જોઈતી ન હતી • કેટલાક મેળાવડાઓ તો સરકાર પાસેથી ઉચ્ચ ધોરણોની અપેક્ષા રખાતી હોય તેનું પાલન કરવામાં સદતંર ગંભીર નિષ્ફળતા દર્શાવે છે એટલું જ નહિ, સમગ્ર પ્રજા પાસેથી અપેક્ષિત માપદંડોના પાલનની નિષ્ફળતા છે • આ નિષ્ફળતાઓ નંબર ૧૦ અને કેબિનેટ ઓફિસના અલગ અલગ વિભાગો દ્વારા નેતૃત્વ અને વિવેકબુદ્ધિની નિષ્ફળતા છે • ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનનો ઉપયોગ પણ સત્તાવાર મંજૂરી વિના જ અથવા નજરઅંદાજીથી મેળાવડા માટે કરાયો હતો. આ યોગ્ય નથી • કેટલાક કર્મચારી કામકાજના સ્થળે જે અનુચિત વર્તણૂકોના સાક્ષી બની રહ્યા હતા તેઓ ચિંતા પ્રદર્શિત કરવા ઈચ્છતા હતા પરંતુ, તેઓ આમ કરી શક્યા ન હતા • કામના સ્થળે આલ્કોહોલનું વધુ પડતું સેવન ‘અયોગ્ય’ છે અને દરેક સરકારી વિભાગ આ મુદ્દે ‘સ્પષ્ટ અને મજબૂત’ નીતિ જાહેર કરે તે માટે પગલાં લેવાની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter