લોકડાઉન માર્ચના આરંભથી હળવું થઈ શકેઃ શાળાઓ ખુલવાની અવઢવ

Wednesday 20th January 2021 10:05 EST
 
 

લંડનઃ સપ્ટેમ્બર સુધીમાં લગભગ તમામ વયસ્ક લોકોનું વેક્સિનેશન કરી દેવાનું લક્ષ્યાંક જૂન મહિનામાં જ પૂર્ણ કરી દેવાની આશા વચ્ચે ઈંગ્લેન્ડમાં લાદવામાં આવેલું કઠોર ત્રીજુ લોકડાઉન માર્ચ મહિનાના આરંભથી હળવું કરવામાં આવે તેવા અણસાર છે. જોકે, શાળાઓ ઈસ્ટર પછી એટલે કે ૪ એપ્રિલ પછી પણ બંધ રહે તેમ જણાય છે. યુકેમાં કોરોના વાઈરસના કેસીસમાં દેખીતો ઘટાડો થતો જોવાય છે છતાં, લાખો બાળકોએ વધુ ત્રણ મહિના ઘરમાંથી શિક્ષણ લેવું પડશે તેવી શક્યતા છે.

વેક્સિન્સ મિનિસ્ટર નધિમ ઝાહાવીએ માર્ચ મહિનાની શરુઆતમાં જ લોકડાઉન હળવું કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મુખ્ય ચાર જૂથને સુરક્ષિત બનાવી દેવાયાની સાથે ફેબ્રુઆરીની મધ્ય પછીના બે અથવા ત્રણ સપ્તાહમાં જ નિયંત્રણો તબક્કાવાર પાછા ખેંચી લેવાશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે વેક્સિનનો પહેલો ડોઝ અપાયાના ૧૨ સપ્તાહમાં જ બીજો ડોઝ અપાશે. અગાઉ, ફોરેન સેક્રેટરીએ બીજો ડોઝ ક્યારે અપાશે તેની સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.

શાળાઓ ઈસ્ટર પછી પણ નહિ ખુલે?

શાળાઓ ફેબ્રુઆરીની હાફ ટર્મની જણાવેલી તારીખ પછી પણ બંધ રહેશે તેમ જણાય છે. વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું છે કે લોકડાઉન હળવું કરાય તે પછી પણ સમગ્ર સમાજ એકસાથે ખુલી જાય તે શક્ય નથી. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે લોકડાઉન નિયમો હળવા થવા સાથે વિદ્યાર્થીઓ શાળાએ જતા થશે તેમ સ્પષ્ટ કહેવાનો ઈનકાર કર્યા પછી શાળાઓ માર્ચમાં કોલવામાં આવે તેના વિશે શંકાઓ ઉદ્ભવી છે.

આમ, શાળાઓ ઈસ્ટર પછી એટલે કે ૪ એપ્રિલ પછી પણ બંધ રહે તેવા અણસાર છે. યુકેમાં કોરોના વાઈરસના કેસીસમાં દેખીતો ઘટાડો થતો જોવાય છે છતાં, બાળકોએ વધુ ત્રણ મહિના ઘરમાંથી શિક્ષણ લેવું પડશે તેવી શક્યતા છે. એક એકેડેમીના બોસના જણાવ્યા મુજબ તો શાળાઓ ઈસ્ટર હોલીડેઝ પહેલા ખુલે નહિ તેમ વર્તમાન અભિપ્રાય છે. ઓએસિસ એકેડેમી ટ્રસ્ટના સ્ટીવ ચાલ્કેએ પેરન્ટ્સને ચેતવણી આપી છે કે બાળકો સેકન્ડ હાફ ટર્મ પણ ગુમાવે તે શક્ય છે. શિક્ષણક્ષેત્રના આંતરિક સૂત્રો પણ કહે છે કે શાળા ખોલવાની તારીખ ફેબ્રુઆરીમાં તો નહિ જ હોય અને માર્ચને પણ વટાવી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter