લોકડાઉન વધુ કડક બનાવવા વિચારણા?

Tuesday 12th January 2021 13:44 EST
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડમાં લોકડાઉન નિયંત્રણો વધુ કડક બનાવવા કેબિનેટ સાથીઓ સાથે ચર્ચાવિચારણા આદરી હોવાનું કહેવાય છે. જો કોવિડના કેસીસ વધતાં જ રહે તો નવાં કડક પગલાંઓમાં કરફ્યુ, કસરતો પર મર્યાદા, બહાર ફરજિયાત માસ્ક, સપોર્ટ બબલ નહિ અને નર્સરીઝ પણ બંધ કરવાનો સમાવેશ થાય છે. એક સૂચન લોકોને સપ્તાહમાં એક જ વખત ઘરની બહાર જવાની પરવાનગી આપવાનું પણ છે. બીજી તરફ, કેબિનેટ ઓફિસે નવા કાયદા આવી રહ્યાં હોવાનો ઈનકાર પણ કરવાનું ટાળ્યું છે.

લોકડાઉન હોવાં છતાં, યુકેની શેરીઓ અને માર્ગો પ્રમાણમાં ખાલી જણાતા નથી. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે પણ કરફ્યુ અને નર્સરીઝ બંધ કરવા સહિતના નવા કડક પગલાં આવી રહ્યા હોવાની અટકળ કરવાનું નકારતા વર્તમાન નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી. વ્હાઈટહોલના સૂત્રે જણાવ્યું હતું કે સંભવિત પગલાંમાં લોકો સપ્તાહમાં એક કરતા વધુ સમય ઘરમાંથી બહાર નીકળી શકે નહિ તેવો પ્રતિબંધ દાખલ કરવાનો સમાવેશ થાય છે. નિયમોના ભંગ બદલ વધુ સખત શિક્ષા કરવાનું સૂચન પણ વિચારી રહ્યું છે.

વડા પ્રધાન જ્હોન્સને યુકેમાં વધુ કડક લોકડાઉન નિયંત્રણો લાદવા બાબતે ૧૦ જાન્યુઆરીની રાત્રે કેબિનેટના સાથીઓ સાથે લંબાણ મંત્રણા કરી હતી. વર્તમાન નિયમો હેઠળ બ્રિટિશ નાગરિકો અન્ય એક વ્યક્તિ અથવા તેમના પરિવાર કે સપોર્ટ બબલ સાથે કસરતો કરી શકે છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે લોકો પોતાના મિત્રો સાથે કોફી પીવા પાર્કમાં જવા કસરતનું બહાનું કાઢે છે. આ નિયમને કડક બનાવી શકાય તેમ છે. મ્યુટન્ટ કોવિડ વેરિએન્ટ દેશમાં ઝડપથી પ્રસરી રહ્યો છે તેને કાબુમાં લેવા લોકોએ ઘરમાં જ રહેવું જોઈએ તેવી જ્હોન્સનની અપીલ છતાં, વીકએન્ડમાં હજારો લોકો બીચ અને પાર્ક્સમાં જોવા મળતા ચિંતા સર્જાઈ છે.

ત્રણ મીટરનું સોશિયલ ડિસ્ટન્સ?

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પર સોશિયલ ડિસ્ટન્સિંગ વધારીને ૩ મીટર (લગભગ ૧૦ ફૂટ) કરવાનું દબાણ વધી રહ્યું છે. ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટી સહિત Sageના સલાહકાર વિજ્ઞાનીઓના મતાનુસાર આ પગલું લેવાથી લોકોમાં સંપર્ક ઘટી જશે. લોકડાઉનમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરતા ન હોવાથી અંતર વધારવાની તરફેણ કરાઈ છે. જોકે, આ પગલાંના વિરોધીઓની દલીલ છે કે સંખ્યાબંધ કંપનીઓએ બે મીટર (લગભગ ૬-૭ ફૂટ) ની સંપર્ક નિશાનીઓ પાછળ મિલિયન્સ પાઉન્ડ ખર્ચ્યા પછી નવું પગલું ગૂંચવાડો સર્જશે. જોકે, ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું છે કે હાલ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોમાં ફેરફારની કોઈ યોજના નથી પરંતુ, દરેક બાબત સમીક્ષા હેઠળ છે.

યુકેમાં રવિવારે કોરોના વાઈરસથી વધુ ૫૭૩ લોકોના મોત થયાં હતાં. રવિવારે ૫૪,૪૯૦ લોકો સંક્રમિત થયા હતા જે, એપ્રિલથી સૌથી જીવલેણ રવિવાર હતો અને સમગ્ર મહામારીમાં ત્રીજો સૌથી જીવલેણ રવિવાર રહ્યો હતો. રવિવારે ૫૪,૪૯૦ લોકો સંક્રમિત થયા હતા અને ૧૩મા દિવસે સંક્રમિતોનો આંકડો ૫૦,૦૦૦ના આંકથી વધુ રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter