લંડનઃ ઈંગ્લેન્ડમાં બુધવાર, ૬ જાન્યુઆરીથી નેશનલ લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે કયા બિનઆવશ્યક બિઝનેસીસ બંધ કરાશે તે મહત્ત્વની બાબત છે. આ નિયમો હેઠળ કોમ્યુનિટી સેન્ટર્સ અને હોલ્સ પણ બંધ રાખવા પડશે. કોરોના વાઈરસના મ્યુટન્ટ પ્રકારથી સંક્રમણ વધી રહ્યું હોવાના પગલે વર્ષ ૨૦૨૧ના પ્રારંભે જ લોકોએ લોકડાઉનનો સામનો કરવાનો થયો છે.
ક્લોધિંગ અને હોમવેર સ્ટોર્સ, વાહનોના શોરુમ્સ (રેન્ટલ સિવાય), બેટિંગ શોપ્સ, ટેઈલર્સ, ટોબેકો અને વેપ શોપ્સ, ઈલેકટ્રોનિક માલસામાન અને મોબાઈલ ફોન્સની દુકાનો, ઓક્શન હાઉસીસ (પશુધન અથવા કૃષિસાધનોની હરાજી સિવાય) અને બિનઆવશ્યક ચીજવસ્તુઓ વેચતાં માર્કેટ સ્ટોલ્સ બંધ કરવાના રહેશે. જોકે, તેમની ડિલિવરી સર્વિસ ચાલુ રહેશે.
કાફેઝ, રેસ્ટોરાં. પબ્સ, બાર્સ અને સોશિયલ ક્લબ્સ ( ફૂડ અને નોન-આલ્કોહોલિક ડ્રિન્ક્સની ડિલિવરી અને ટેઈકઅવે માટે ખુલ્લાં રાખી શકાશે) જેવાં હોસ્પિટાલિટી સ્થળો બંધ રહેશે. આ ઉપરાંત, હોટેલ્સ, હોસ્ટેલ્સ, ગેસ્ટ હાઉસીસ અને કેમ્પ સાઈટ્સ જેવાં એકોમોડેશન્સ સ્થળો પણ બંધ રહેશે. લેઈઝર સેન્ટર્સ અને જીમ, સ્વિમિંગ પૂલ્સ, સ્પોર્ટ્સ કોર્ટ્સ, ફિટનેસ અને ડાન્સ સ્ટુડિયોઝ, રાઈડિંગ એરીના અને રાઈડિંગ સેન્ટર્સ, ક્લાઈમ્બિંગ વોલ્સ અને ગોલ્ફ કોર્સીસ જેવાં આનંદપ્રમોદના સ્થળો અને સ્પોર્ટ્સ ફેસિલિટીઝ બંધ રહેશે.
થિયેટર્સ, કોન્સર્ટ હોલ્સ, સિનેમાગૃહો, મ્યુઝિયમ્સ અને ગેલેરીઝ, કેસિનોઝ, એમ્યુઝમેન્ટ આર્કેડ્સ, બિન્ગો હોલ્સ, બેલિંગ એલીઝ, સ્કેટિંગ રિન્ક્સ, ગો-કાર્ટિંગ સ્થળો, ઈનડોર પ્લે અને સોફ્ટ પ્લે સેન્ટર્સ અને એરિયાઝ ( ઈનફ્લેટેબલ પાર્ક્સ અને ટ્રેમ્પોલિનિંગ સેન્ટર્સ સહિત), સર્કસીસ, મેળાના મેદાનો, ફનફેર્સ, વોટર પાર્ક્સ અને થીમ પાર્ક્સ જેવાં મનોરંજનના સ્થળો પણ બંધ રહેશે.
ઝૂ, સફારી પાર્ક્સ, એક્વેરિયમ્સ અને વાઈલ્ડલાઈફ રીઝર્વ્સ જેવાં પ્રાણી આકર્ષણના સ્થળો, બોટનિકલ ગાર્ડન્સ, સ્ટેટલી હોમ્સ અને લેન્ડમાર્ક્સ જેવાં ઈનડોર આકર્ષણના સ્થળો પણ બંધ રાખવાના રહેશે. જોકે, કસરત કરવા આઉટડોર ગ્રાઉન્ડ્સ ખુલ્લાં રાખી શકાશે.
હેર, બ્યૂટી, ટેનિંગ અને નેઈલ સલૂન્સ જેવી પર્સનલ કેરની ફેસિલિટીઝ, ટેટૂ પાર્લર્સ, સ્પા, મસાજ પાર્લર્સ, બોડી અને સ્કીન પિયર્સિંગ સર્વિસીસ પણ બંધ રાખવી પડશે. ખાનગી ઘરમાં પણ આ સેવા આપી નહિ શકાય.