લોકડાઉનથી નિરાશ છે લેસ્ટરના લોકો

શેફાલી સક્સેના અને રુપાંજના દત્તા Tuesday 07th July 2020 15:15 EDT
 
 

લેસ્ટરઃ સમગ્ર દેશ ૨૩ માર્ચ પછી ઉઠાવાયેલા નિયંત્રણોના પગલે બિનઆવશ્યક શોપ્સ, રેસ્ટોરાં, પબ્સ, હોટેલ્સ અને હેરડ્રેસર્સ ફરી ખુલતાં ‘સુપર સેટરડે’ની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે લેસ્ટરવાસીઓને તેનો પ્રથમ વીકએન્ડ લોકલ લોકડાઉનમાં વીતાવવો પડ્યો હતો. ગત બે સપ્તાહમાં કોરોના વાઈરસના નવા ૯૪૪ કેસ નોંધાયા પછી હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ૨૯ જૂને લેસ્ટરમાં લોકડાઉન લાદવાની કોમન્સમાં જાહેરાત કરી હતી જેની સમીક્ષા આવતા સપ્તાહે - ૧૮ જુલાઈએ કરાશે.
લેસ્ટરમાં નોન-એસેન્સિયલ શોપ્સ બંધ છે તેમજ કોવિડ-૧૯ના કેસમાં ઉછાળા પછી લદાયેલા નિયંત્રણોના ભાગરૂપે મોટા ભાગના બાળકો માટે શાળાઓ બંધ કરાઈ છે. રોગચાળાના આરંભ પછી પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા ૩,૨૧૬ કેસની ઓળખ પછી રોગને અંકુશમાં લેવા અધિકારીઓએ વધુ સમયની માગણી કરી હતી. ફૂડ પ્રોડક્શન સાઈટ્સ, ક્લોધિંગ ફેક્ટરીઝ અને મોટા પરિવારોમાં રોગચાળો જોવા મળ્યો છે. PHEને કેર હોમ્સ, હોસ્પિટલ સેટિંગ્સ અથવા ઈન્ડસ્ટ્રિયલ પ્રોસેસીસમાં રોગચાળો જોવા મળ્યો નથી. વાસ્તવમાં, મિડલેન્ડ્સના અન્ય વિસ્તારો કરતા લેસ્ટર શહેરમાં ‘યુવાન અને પ્રૌઢ વયના લોકો’ કોવિડ-૧૯ માટે વધુ ટેસ્ટ પોઝિટિવ જણાયા હતા. બીજી તરફ, સ્થાનિક લોકોએ સંક્રમણના ઉછાળા માટે ભાષાકીય અવરોધો જવાબદાર હોવાના મતનો ઉગ્ર વિરોધ કર્યો છે.

૩૭.૧૩ ટકા વસ્તી બ્રિટિશ એશિયન

૨૦૧૧ના સેન્સસ મુજબ લેસ્ટરની વસ્તીમાં ૩૭.૧૩ ટકા હિસ્સો બ્રિટિશ એશિયનોનો છે જેમાં ભારતીયો ૨૮.૦૩ ટકા, પાકિસ્તાની ૨.૪૫ ટકા અને બાંગલાદેશી ૧.૧૦ ટકા છે. લેસ્ટરની ૬.૨૪ ટકા વસ્તી અશ્વેતોની છે. બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ એમ કહ્યાનું મનાય છે કે સિટીને લોકડાઉનમાં રહેવાની ફરજ પડી હોવાથી સરકારે લેસ્ટરમાં નાના ૫,૯૦૦ બિઝનેસીસને ટેકો પૂરો પાડ્યો છે. શર્માએ કહ્યું હતું કે બાકીના ઈંગ્લેન્ડમાં ચોથી જુલાઈએ નિયંત્રણો હટાવાયા પછી પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ચાલુ રહેવાથી શહેરની નિરાશા તેઓ સમજે છે. બે સપ્તાહ પછી લોકડાઉનની સમીક્ષા થશે તેમ જણાવ્યા પછી તેમણે શહેરને ફરી ક્યારે ખોલાશે તે સ્પષ્ટ કર્યું ન હતું.

કેસમાં ઉછાળાનું કારણ શું?

સિટી કાઉન્સિલર રતિલાલ ગોવિંદ કહે છે કે તેમના મતે પ્રથમ ભાષા તરીકે ઈંગ્લિશ નહિ બોલનારા લોકોમાં કોમ્યુનિકેશનનો અભાવ હતો, જે કેસની સંખ્યા વધવા પાછળનું એક કારણ હોઈ શકે છે. જોકે, ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’એ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું કે આ રોગચાળા પાછળ ભાષાકીય અવરોધ કરતાં પણ ગરીબી અને ડાયાબિટીસ ગંભીર પરિબળો હોઈ શકે છે.

ડાયાબિટીસ મુખ્ય કારણઃ વાઝ

બ્રિટિશ પાર્લામેન્ટમાં સૌથી લાંબો સમય કાર્યરત ભારતીય મૂળના કિથ વાઝે ૩૨ વર્ષ સુધી લેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું કે લેસ્ટર માટે લોકડાઉન લંબાવવાના સરકારના નિર્ણયથી તેઓ ભારે નિરાશ છે. તેમણે કહ્યું હતું કે, ‘સમગ્ર યુરોપમાં કોઈ પણ શહેર કરતાં લેસ્ટરમાં ભારતીય મૂળના લોકોની સૌથી વધુ ટકાવારી છે. લેસ્ટરમાં દરેકને શનિવાર - ચોથી જુલાઈએ લોકડાઉન હટવાની અપેક્ષા હતી. સ્થાનિક લોકો માટે આ નિર્ણય સંપૂર્ણ આઘાતજનક હતો. સરકારે સમજવું જોઈએ કે આ બે સપ્તાહ લોકડાઉન લંબાવવાની વાત નથી, તે પછી શું થશે તે જાણવું આવશ્યક છે.’
જોકે, તેઓ ભાષાનો અવરોધ હોવાનું માનતા નથી પરંતુ, માને છે કે આ હેતુ માટે સંદેશાઓને પૂરતું સ્થાનિક સ્વરૂપ અપાયું ન હતું. તેમણે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રીય સંદેશાઓ મુખ્ય હોય પરંતુ, તેની સ્થાનિક આવૃત્તિઓ હોવી જોઈએ જે બરાબર રીતે થયું નહિ. કોમ્યુનિટીના કેટલાક સભ્યો પણ સમજી ન શકે તે રીતે માહિતી પૂરી પડાઈ તે સ્પષ્ટ છે. જો લેસ્ટર અને અન્ય શહેરોમાંથી કોરોના નાબૂદ કરવો હોય તો લોકડાઉન પૂરતું નથી. સારસંભાળ અને ટેસ્ટિંગ પણ હોવાં જોઈએ. જીપીની એપોઈન્ટમેન્ટ મુશ્કેલ છે ત્યારે સ્થાનિક લોકો તેમના જ ડોક્ટરો મારફત પરીક્ષણ કરાવી શકતા નથી.’
કિથ વાઝ ખુદ ટાઈપ-૨ ડાયાબિટીસથી પીડાય છે ત્યારે તેમની ચેરિટી સિલ્વર સ્ટાર ડાયાબિટીસ દ્વારા લોકોને ડાયાબિટીસનું પરીક્ષણ કરાવવા અભિયાન ચલાવાય છે. વાઝ કહે છે કે, ‘લેસ્ટરમાં સાઉથ એશિયન મૂળની વસ્તીનું બહોળું પ્રમાણ છે અને યુકેમાં ડાયાબિટીસથી પીડાતા લોકોની સૌથી વધુ સંખ્યા ધરાવતા શહેરોમાં લેસ્ટર એક છે. આપણે ડાયાબિટીસના પરીક્ષણો પણ વધારવા જોઈએ કારણ કે કોરોના વાઈરસથી થતાં કોમ્પ્લિકેશન્સ માટે લાંબા સમયની આરોગ્ય સમસ્યાઓમાં ડાયાબિટીસ પણ જવાબદાર હોવાનું પ્રસ્થાપિત થયું છે.’
યુકેમાં આશરે ૩ મિલિયન લોકો ડાયાબિટીસથી અસરગ્રસ્ત છે જેમાંથી પાંચ લાખ લોકો અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) કોમ્યુનિટીઝના છે. ડાયાબિટીસના કારણે NHSને તેના વાર્ષિક બજેટના ૧૦ ટકાનો બોજો સહન કરવો પડે છે. ડાયાબિટીસ જેવી કો-મોર્બિડિટીઝના કારણે BAME વસ્તીને કોરોના વાઈરસનું ઊંચુ જોખમ રહે છે.

‘ભાષાકીય અવરોધનો મુદ્દો જ નથી’

ડોક્ટરી પ્રેક્ટિસ નહિ કરતા લેસ્ટરનિવાસી ડો. ગૌતમ બોડીવાલાએ લેસ્ટરમાં કોરોના કેસીસમાં ઉછાળા માટે ભાષાકીય અવરોધ વિશે ખોટા અર્થઘટનો સાથે ઓનલાઈન સ્ટોરીઝ પર ટીપ્પણી કરતા કહ્યું હતું કે, ‘મને આ સાચું લાગતું નથી. કઈ ભાષામાં કોમ્યુનિકેશન થયું નથી તેનો પ્રશ્ન નથી. યુકે સરકારે વિવિધ ભાષાઓમાં પત્રિકાઓ પ્રસિદ્ધ કરાવી હતી. મારા માનવા પ્રમાણે બીજો ઉછાળો યુવાન પેઢીમાંથી આવ્યો છે જેઓ ઈંગ્લિશ ભાષાથી સુપરિચિત છે. આ ભાષાનો તો પ્રશ્ન નથી જ.’
લેસ્ટરના સફળ ભારતીય વેડિંગ પ્લાનર અને કેર્જીસ વેડિંગ્સ એન્ડ ઈવેન્ટ્સના સ્થાપક મીરા મજીઠિયાએ કહ્યું હતું કે, ‘કોમ્યુનિટીઓ મંદિરો હોય કે કોમ્યુનિટી સેન્ટર્સ દ્વારા આટલી બધી જાગૃતિ ઉભી કરે છે. હું માનું છું કે લોકો પોતે જ નિર્ણયો કરે છે અને નિયમોની અવહેલના કરે છે. યુકે સરકારની ગાઈડલાઈન્સ છે જેને બહુમતી વર્ગ અનુસરે છે પરંતુ, નાની લઘુમતી કદાચ નિયમોની અવગણના કરે છે અને સામાન્યપણે જ દિવસ વીતાવે છે. લેસ્ટરમાં મુખ્યત્વે યુવાન લોકોમાં ઊંચો સંક્રમણ દર છે અને તેમની ઈંગ્લિશ ભાષા ઘણી સારી છે આથી, ભાષાના અવરોધને દોષ આપવો યોગ્ય નથી.’

રેસ્ટોરાં ખોલવાની તૈયારી નકામી

લેસ્ટરમાં ઈન્ડિગો રેસ્ટોરાંના માલિક જગદીશભાઈ ઘેલાણીએ પણ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સમક્ષ આ મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે, ‘દેખીતી રીતે યુકેમાં તમામ પરિવારોમાં એક વ્યક્તિ તો એવી હોય છે જે ઈંગ્લિશ ભાષા સારી રીતે સમજે છે આથી, ભાષાનો અવરોધ હોવાનું હું માનતો નથી. જોકે, લેસ્ટરમાં તાજેતરમાં કેસીસના ઉછાળા અને તેના પગલે નિયંત્રણો બાબતે એટલું કહી શકાય કે બીજું કે ત્રીજું મોજું પણ આવી શકે છે અને આ વર્ષના અંત સુધીમાં પરિસ્થિતિ સામાન્ય થાય તેવી શક્યતા ઓછી છે.’
જગદીશભાઈએ જણાવ્યું હતું કે, ‘અમે ટેઈકઅવે ખુલ્લું રાખવું કે નહિ તેમજ સ્ટોક અને બગડી જનારી ચીજવસ્તુઓ બાબતે શું કરવું તેની ચર્ચા અમારી ટીમ અને સ્ટાફ સાથે કરી હતી. જ્યાં શક્ય હતું ત્યાં અમે ચેરિટી અને કોમ્યુનિટીમાં ફૂડ દાન તરીકે આપ્યું હતું. અમારે ઘણું પેપરવર્ક કરવું પડ્યું છે, સ્ટાફ અને સપ્લાયર્સને માહિતી આપવા પત્રો લખવા, ટીમને ફર્લો પર રાખવાની તૈયારી કરવી પડી છે. પરિવાર અને સ્ટાફના સ્વાસ્થ્ય અને સલામતીની ચિંતા કરવા સાથોસાથ સરકારી કામકાજ પણ સમજવા પડ્યા છે.’
 વાઈરસ વિશ્વમાં પ્રસરી રહ્યો છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની યુકે સરકારની ગાઈડલાઈન્સ સંદર્ભે ઘેલાણીએ પોતાની યોજના તૈયાર કરી છે. તેઓ કહે છે, ‘ટેઈકઅવે માટે ખુલવા માટે અમે સ્ક્રીન્સ, PPE અને સ્ટાફની ટ્રેનિંગ પાછળ ભારે રોકાણ કર્યું છે. અમે ડાઈન-ઈન ખોલવા વિચારીએ છીએ છીએ ત્યારે અમારી ટીમ ઝીરો-ટચ મેનુઝ, નિયમિત સુરક્ષા કવાયતો, મર્યાદિત ગ્રૂપ, સોશિયલ ડિસ્ટન્સિંગ લેઆઉટ અને અલફ્રેસ્કો (ખુલ્લી હવામાં) ભોજન સહિત નવા ધોરણોની રૂપરેખા તૈયાર કરે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter