લોકડાઉનથી ‘ઝૂમ’ વધુ પ્રખ્યાતઃ નફામાં ૩,૦૦૦ ટકાનો જંગી વધારો

Tuesday 08th September 2020 15:13 EDT
 
 

લંડનઃ કોરોના મહામારીના કારણે વર્ક ફ્રોમ હોમમાં સંકળાયેલા લોકોની સંખ્યામાં ભારે વધારો થતાં લોકડાઉન પહેલા ખૂબ ઓછી જાણીતી વીડિયો કોન્ફરન્સિંગ કંપની ‘ઝૂમ’ની માર્કેટ વેલ્યુ હવે બ્રિટનની બે સૌથી મોટી બેંકો HSBC અને Llyods બેંકિંગ ગ્રૂપની સંયુક્ત વેલ્યુ કરતાં પણ ખૂબ વધી ગઈ છે. મે અને જૂન વચ્ચેના ગાળામાં ઝૂમના નફામાં ૩૦૦૦ ટકાનો ધરખમ વધારો થતાં ૩૧ ઓગસ્ટે તેના શેરના ભાવમાં ૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. તેનાથી તેના માર્કેટ વેલ્યુ ૨૦ બિલિયન પાઉન્ડના વધારા સાથે ૯૦ બિલિયન પાઉન્ડ થઈ હતી જે HSBC અને Llyods બેંકિંગ ગ્રૂપની સંયુક્ત વેલ્યુ કરતાં પણ વધુ છે. કંપનીના બિલિયોનેર સ્થાપક એરિક યુઆનની સંપત્તિ લગભગ ૧ બિલિયન પાઉન્ડ વધીને ૯.૫ બિલિયન પાઉન્ડ થઈ છે.

હાલ ૫૦ના યુઆન ૨૭ વર્ષના હતા ત્યારે તે ચીનથી અમેરિકા ગયા હતા. તે સમયે તેઓ ખૂબ ઓછું ઈંગ્લિશ બોલતા હતા. ટેલિકોમ જાયન્ટ સિસ્કોના તેમના વડાઓએ ઝૂમ જેવી પ્રોડક્ટ બનાવવાના તેમના વિચારને નકારી કાઢતા ૨૦૧૧માં તેમણે ઝૂમની સ્થાપના કરી હતી.

મહામારીને ફેલાતી અટકાવવા માટે દેશોએ કડક પગલાં લેતાં ન્યૂયોર્કમાં લિસ્ટેડ આ કંપનીના વપરાશકારોમાં જંગી વધારો નોંધાયો હતો. યુકેમાં લોકો સ્નેહીજનોને કોલ કરવા, પબ ક્વિઝ યોજવા અને રદ થયેલા કાર્યક્રમોના વર્ચ્યુઅલ વર્ઝન્સ દર્શાવવા વીડિયો હેંગઆઉ્ટસ તરફ વળતાં તેની લોકપ્રિયતામાં ભારે ઉછાળો આવ્યો હતો.

ત્રણ મહિના દરમિયાન ઝૂમની સેવા મેળવનારા બિઝનેસ કસ્ટમર્સની સંખ્યા ૪૫૮ ટકા વધીને ૬૬૩૦૦થી વધીને ૩૭૦,૨૦૦ થઈ હતી. તેના નવા ક્લાયન્ટ્સમાં ઓઈલ જાયન્ટ ExxonMobil સહિતની મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે કર્મચારીઓ ફરી ઓફિસે જતા થશે એટલે આ તેજીનો અંત આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter