લંડનઃ સત્તાવાર આંકડાઓ ત્રીજા લોકડાઉનના ગાળામાં કોરોના વાઈરસના કેસીસ ઘટી રહ્યાં હોવાનું જણાવે છે પરંતુ, ઈમ્પિરિયલ કોલેજનો અભ્યાસ જણાવે છે કે લોકડાઉનના પ્રથમ ૧૦ દિવસમાં પોઝિટિવ ટેસ્ટિંગ કેસમાં કોઈ ફેરફાર જણાતો નથી. ઈમ્પિરિયલ કોલેજ દ્વારા ૬-૧૫ જાન્યુઆરીના ગાળામાં ૧૪૨,૦૦૦ લોકોનું રેન્ડમ સ્વેબિંગ કરાયું હતું. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે નેશનલ R રેટ ૧.૦૪ છે એટલે કે મહામારીનું કદ વધી રહ્યું છે.
સરકાર દ્વારા કરાવાયેલા અભ્યાસોમાં લોકડાઉન પગલાંના કારણે સંક્રમણો ઘટ્યાં હોવાનો દાવો કરાય છે પરંતુ, ઈમ્પિરિયલ કોલેજના અભ્યાસમાં કોરોના વાઈરસ કેસીસ ઘટ્યા નહિ હોવાનું સ્પષ્ટ કરાયું છે. જાન્યુઆરી ૬થી ૧૫ના અભ્યાસગાળામાં ૧૪૨,૦૦૦ લોકોનું રેન્ડમ સ્વેબિંગ કરાયું હતું. કેસ ઘટ્યાનું દર્શાવવાના બદલે આ ૧૦ દિવસના ગાળામાં ઈંગ્લેન્ડના ૧.૫૮ ટકા અર્થાત લગભગ ૯૦૦,૦૦૦ લોકોને કોવિડ ૧૯નો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. નિષ્ણાતોના અંદાજ મુજબ નેશનલ R રેટ ૧.૦૪ છે એટલે કે મહામારીનું કદ વધી રહ્યું છે અને હોસ્પિટલો પરનું દબાણ વધી રહ્યું છે. જોકે, અગાઉના સપ્તાહે કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ તદ્દન વિપરીત અંદાજોમાં જણાવ્યું હતું કે લંડન અને સાઉથ ઈસ્ટમાં R રેટ ઘટીને ૦.૬ થઈ ગયો છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા પણ જણાવાયું હતું કે સૌપહેલા કેન્ટમાં દેખાયેલા ભારે ચેપી વેરિઅન્ટના ફેલાવા છતાં, ૮૦ વર્ષથી વધુના વયજૂથ સિવાય દરેક વયજૂથમાં કોવિડ કેસીસ ઘટ્યા છે. મહામારીનું કદ માપતા કિંગ્સ કોલેજ લંડનના સિમ્પટમ ટ્રેકર સહિતના અન્ય અભ્યાસોએ દાવો કર્યો છે કે લોકડાઉનના કારણે કોરોના કેસીસમાં ગણનાપાત્ર ઘટાડો થયો છે.
બીજી તરફ, સરકાર દ્વારા જ કરાયેલા ઈમ્પિરિયલ અભ્યાસે ટ્રેન્ડથી વિપરીત દાવો કર્યો છે કે મહામારી આશા રાખીએ છીએ તેમ ધીમી પડી રહી નથી અને આગામી સપ્તાહોમાં હોસ્પિટલોમાં કોરોના પેશન્ટ્સ વધતા રહેશે. અભ્યાસમાં જણાયું છે કે ૧.૫૮ ટકા લોકો અથવા તો આશરે દર ૬૫માંથી એક વ્યક્તિ કોરોના વાઈરસથી સંક્રમિત છે. ડિસેમ્બરની શરુઆતથી તેમાં વધારો થતો આવ્યો છે અને ક્રિસમસ પછી દર ૫૦માંથી એક વ્યક્તિને સંક્રમણ થયું હતું તેમાં નજીવો ઘટડા નોંધાયો છે.


