લંડનઃ કોરોના મહામારીના ગાળામાં ગયા વર્ષે લોકડાઉન દરમિયાન એકલતામાં સાથી તરીકે પપી એટલે કે શ્વાનના ગલૂડિયાં- કુરકુરિયાની કિંમત પણ આસમાને પહોંચી હતી. રોયલ વેટરનરી કોલેજ (RVC)ના રિપોર્ટ અનુસાર ‘પેન્ડેમિક પપીઝ’ની સરેરાશ કિંમત ગયા વર્ષે ૧,૫૫૦ પાઉન્ડે પહોંચી હતી. એક વ્યક્તિએ ‘શેપાડૂડલ– shepadoodle’ માટે ૬,૫૦૦ પાઉન્ડ ખર્ચ્યા હતા. છમાંથી એક વ્યક્તિએ તો પોતાના પપીને જોયા વિના જ ડિપોઝીટની રકમો ચૂકવી હતી.
લોકડાઉનના એકલતાના સમયમાં શ્વાન લોકોના સાથી બની રહ્યા હતા. રોયલ વેટરનરી કોલેજના રિપોર્ટ અનુસાર ગયા વર્ષે પપીની સરેરાશ કિંમત ૧,૫૫૦ પાઉન્ડ જોવાં મળી હતી જે તેની અગાઉના વર્ષે ૯૫૫ પાઉન્ડ હતી. RVCના સંશોધકોએ ૫,૫૦૦થી વધુ પપીમાલિકોનો સર્વે કર્યો હતો. તેમને જણાયું હતું કે એક વ્યક્તિએ જર્મન શેફર્ડ અને સ્ટાન્ડર્ડ પૂડલના ક્રોસ બ્રીડ ‘શીપાડૂડલ– shepadoodle’ માટે ૬,૫૦૦ પાઉન્ડની કિંમત ચૂકવી હતી. ગત વર્ષ પપીઝના માલિકો માટે ‘સેલર્સ માર્કેટ’ બની રહ્યું હતું. પપી માલિક બનવાની દોડમાં છમાંથી એક વ્યક્તિએ સંભવિત સાથીને જોયા વિના જ ડિપોઝિટ ચૂકવી હતી. ઘણી વખત તેમને તંદુરસ્ત પપીના બદલે ફાર્મ ખાતે બ્રીડ કરાયેલા પપી મળવાનું જોખમ પણ રહેતું હતું. અભ્યાસના લેખક ડો. રોવેના પેકરના જણાવ્યા મુજબ મહામારીએ બેશરમ બ્રીડર્સ અને પપી ડીલર્સ માટે પરફેક્ટ વાતાવરણ ઉભું કર્યું હતું.
જર્નલ ‘એનિમલ્સ’માં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ ગયા વર્ષ લગભગ ૨૫ ટકા નવા પપીમાલિકોએ પાલતું સાથી માટે ૨૦૦૦થી ૩,૦૦૦ પાઉન્ડ વચ્ચેની કિંમત ચૂકવી હતી. તેની અગાઉના વર્ષે માત્ર ૧.૮ નવા માલિકોએ આવી કિંમત ચૂકવી હતી. લોકડાઉનના ગભરાટમાં લોકોએ ટોઈલેટ રોલ્સ ખરીદવા પડાપડી કરી હતી તે રીતે જ પપીની અછતના રિપોર્ટ્સથી ઉતાવળે ખરીદીઓ કરાઈ હતી. કુરકુરિયાને આઠ સપ્તાહની ઉંમર સુધી માતાથી અલગ નહિ કરવાની સલાહ હોવાં છતાં, પેન્ડેમિક પપીમાલિકોએ મોટા ભાગે નાના બચ્ચાં જ ખરીદ્યા હતા.