લંડનઃ ગુરુવાર, પાંચ નવેમ્બરથી ઈંગ્લેન્ડમાં સેકન્ડ લોકડાઉનના કડક નિયમોનો અમલ શરુ થવા અગાઉ બ્રિટિશરોએ આઝાદી માણી લેવા માટે બુધવારે રાત્રે ૧૦ વાગ્યા પહેલા શરાબખાનાઓ પર રીતસર દોડ લગાવી હતી. બીજી તરફ, લોકડાઉનમાં પબ્સ, બાર અને રેસ્ટોરાંઝ ચાર સપ્તાહ સુધી બંધ થઈ જવાના હોવાથી શરાબને ગટરમાં વહાવી દેવો પડે તેના કરતા વધુ કમાણી કરી લેવા વિધરસ્પૂન્સ અને સ્થાનિક પબ્સે કેટલાક શરાબની કિંમતમાં ૫૦ ટકા જેટલો ઘટાડો કરી નાખ્યો હતો. આના પરિણામે, પબ્સની બહાર શરાબપ્રેમીઓની લાંબી લાઈનો લાગી જવાથી સ્ટોક પણ ખાલી થઈ ગયો હતો.
નવા નિયંત્રણોના અમલ પહેલા રાજધાની લંડન, લીડ્ઝ, બર્મિંગહામ, ન્યૂકેસલ, હલ, રીડિંગ સહિતના વિસ્તારોમાં ખાણીપીણીના સ્થળોએ લોકો ઉમટી પડ્યા હતા. કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ ભારે પ્રમાણમાં હાજર હતી. ક્રિસમસ સમયે કેવાં નિયંત્રણો હેઠળ રહેવાનું થશે તે નિશ્ચિત ન હોવાથી લોકોએ સાન્ટા હેટ્સ અને કેરટ્સના કોસ્ચ્યુમ્સ પહેરીને આનંદ માણ્યો હતો. લંડનમાં ઘણા સ્થળોએ ટિકિટ સાથેના કાર્યક્રમો યોજાયા હતા અને મોટા ભાગના વિદ્યાર્થીઓ શેરીઓમાં ઉતરી આવ્યા હતા.
અડધી કિંમતે શરાબનું વેચાણ
વિન્ટર લોકડાઉન અગાઉ જ સ્ટોક ખાલી દેવા વિધરસ્પૂન્સ ચેઈન દ્વારા ચાર દિવસનું સેલ ચાલુ કરી માત્ર ૯૯ પેન્સની કિંમતે રિયલ એલના પિન્ટ્સનું વેચાણ કર્યું હતું. દેશમાં અન્યત્ર પણ આ રીતે વેચાણ કરાતા ડ્રિન્કર્સનો આનંદ બેવડાયો હતો. જોકે, સરકારે ટેઈકઅવે આલ્કોહોલનું વેચાણ કરતા બિઝનેસીસ મુદ્દે પીછેહઠ કરતા હવે લોકડાઉન દરમિયાન પબ્સ અને રેસ્ટોરાંમાં ટેઈકઅવે પ્રિન્ટ્સ મેળવી શકાશે પરંતુ, તે સરળ નહિ રહે. આના માટે ગ્રાહકોએ ઓનલાઈન કે, ફોન, ટેક્સ્ટ અથવા પોસ્ટ મારફત ઓર્ડર્સ બૂક કરાવવાના રહેશે. કસ્ટમર્સને પ્રીમાઈસીસમાં દાખલ થવા દેવાશે નહિ પરંતુ, અન્ય પરિવારની કોઈ વ્યક્તિ સાથે આઉટડોર પબ્લિક પ્લેસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શરાબનો આનંદ માણી શકશે.
સુપરમાર્કેટ્સ દ્વારા પણ ખરીદીના નિયમો
સેકન્ડ લોકડાઉનમાં લાંબી લાઈનો ન લાગે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે સેઈન્સબરીઝ, ટેસ્કો અને વેઈટરોઝ સહિતના સુપરમાર્કેટ્સમાં દંપતીઓ અને પરિવારોને એક સાથે ખરીદી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સેઈન્સબરીઝે કસ્ટમર્સને શક્ય હોય ત્યાં સુધી એકલા જ ખરીદી કરવા આવવાનું જણાવી દીધું છે. ટેસ્કો તેમજ વેઈટરોઝે પણ એક પરિવારમાંથી એક જ વ્યક્તિને બધા વતી ખરીદી કરવા આવવા દેવાશે તેવી નોટિસ લગાવી છે. એલ્ડી, મોરિસન્સ અને ટેસ્કો સહિતની બ્રાન્ડ્સે વયોવૃદ્ધ લોકો અને NHS વર્કર્સને ખરીદીમાં પ્રાથમિકતા આપવાની જાહેરાતો કરી છે. જોકે, બ્રિટનમાં માર્ચમાં પ્રથમ લોકડાઉન જાહેર કરાયું ત્યારથી સુપરમાર્કેટ્સ આ પદ્ધતિ અપનાવી રહ્યા છે. આ ઉપરાંત, પેનિક બાઈંગને ટાળવા માટે પણ સુપરમાર્કેટ્સ દ્વારા ટોઈલેટ રોલ્સ, આટો-લોટ અને ઈંડા સહિતની આવશ્યક ચીજોની ખરીદી માટે રેશનિંગ લાગુ કર્યું છે.
બીજી તરફ, લોકડાઉનના ગાળામાં બિનઆવશ્યક ચીજવસ્તુઓ વેચતાં સ્ટોર્સ બંધ રહેવાના હોવાથી ખરીદી કરવા લોકોએ વહેલી સવારથી પ્રિમાર્ક અને આઈકા તેમજ હાઈ સ્ટ્રીટ્સ સહિતના સ્ટોર્સ પર લાંબી લાઈનો લગાવી હતી. લોકોએ ક્રિસમસ તહેવારને ધ્યાનમાં રાખી વેળાસર પ્રેઝન્ટ્સ ખરીદવામાં રસ દર્શાવ્યો હતો.