લંડનઃ લોકડાઉન દરમિયાન પાર્ટીઓમાં હાજરી આપતા લોકો માટે સરકાર વધુ આકરી નવી પેનલ્ટી અમલી બનાવશે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે નવી ફ્કિસ્ડ પેનલ્ટી નોટિસ જાહેર કરી હતી જેમાં, નિયમોનો સતત ભંગ કરનારને ૬,૪૦૦ પાઉન્ડ સુધીની પેનલ્ટી કરવાની જોગવાઈ છે. પ્રીતિ પટેલે જણાવ્યું કે આ પ્રકારની બિનજવાબદાર વર્તણુંકથી જાહેર આરોગ્ય સમક્ષ ગંભીર ખતરો ઉભો થાય છે.
ડાઉનિંગ સ્ટ્રીટ પ્રેસ કોન્ફરન્સમાં પ્રીતિ પટેલે જણાવ્યું કે મોટાભાગના લોકો પરિવારોને ભેગા થવાની મનાઈ સાથેના કડક નિયમોનું પાલન કરી રહ્યા છે ત્યારે તેનો ભંગ કરનારા માટે વધુ કડક પગલાંની જરૂર છે. પ્રીતિ પટેલે ઉમેર્યું કે આવતા અઠવાડિયાથી હાઉસ પાર્ટીમાં ભાગ લેનારને ૮૦૦ પાઉન્ડનો નવો ફાઈન થશે અને તે પછીના દરેક ગુનામાં બમણો થશે અને મહત્તમ ૬,૪૦૦ પાઉન્ડ થશે. ઘરમાં ૧૫થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે તેનો ભંગ કરનારને આ દંડ લાગુ પડશે. હાજર રહેનારને જ નહીં, પરંતુ, આવી પાર્ટી બંધ કરાવવા આવતા પોલીસ ઓફિસરોને પણ આરોગ્યનું જોખમ રહે છે.
ચેર ઓફ ધ નેશનલ પોલીસ ચીફ માર્ટિન હેવીટે નવા ફાઈનને આવકાર્યા હતા અને ઉમેર્યું કે ઓફિસરો ભંગ કરનારને સીધો દંડ જ ફટકારશે, બીજી વાતોમાં સમય બગાડશે નહીં. હેવીટે જણાવ્યું કે ગેરકાયદે એકત્ર થવાની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. તેમણે તાજેતરમાં લંડનમાં બ્રીક લેનમાં બનેલી ઘટનાની વાત કરતા કહ્યું કે ત્યાં ઈન્ડોર ઈવેન્ટમાં સાંકડી જગ્યામાં ૪૦ લોકો એકત્ર થયા હતા. તેમને વિખેરતા ત્રણ ઓફિસર ઘાયલ થયા હતા અને એકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા.


