લોકડાઉનમાં વધુ છૂટછાટઃ ફેમિલી મેળાવડા અને મિત્રો સાથે પાર્ટી શક્ય બનશે

Wednesday 27th May 2020 00:07 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કોરોના વાઈરસ લોકડાઉનમાં વધુ છૂટછાટ જાહેર કરી રહ્યા છે. ગણતરીના દિવસોમાં દુકાનો ખોલી શકાશે તેમજ બ્રિટિશરો આગામી મહિનાથી મિત્રો અને પરિવારજનો સાથે નાની ગાર્ડન પાર્ટીઝ અને બાર્બેક્યુઝનો આનંદ માણી શકે તેને લીલી ઝંડી અપાઈ રહી છે. ૧૦ વ્યક્તિ સાથે નાના સોશિયલ આઉટડોર મેળાવડાને આગામી મહિનાથી છૂટ મળી શકે છે. પહેલી જૂનથી આઉટડોર માર્કેટ્સ અને કાર શોરુમ્સ ફરી ખુલ્લા મુકાનાર છે. હજારો સ્વતંત્ર દુકાનો અને ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ ૧૫ જૂનથી ખુલવા લાગશે પરંતુ, સરકારે તેમને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ચેતવણી આપી છે. ફરી ખુલનારી તમામ શોપ્સે નવા નિયમોનું પાલન કરવાનું રહેશે. જોકે, અવરજવરના નિયંત્રણોથી તમામ લોકોને મુક્તિ ન હોવાથી પબ્સ અને રેસ્ટોરાં સહિત હોસ્પિટાલિટી બિઝનેસીસ હજુ બંધ રહેશે.

યુકેનો મૃત્યુઆંક વધીને ૩૭,૦૪૮

યુકેમાં કોરોના વાઈરસથી થતાં મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. બ્રિટને ૨૬ મે મંગળવારે વધુ ૧૩૪ મોતની જાહેરાત કરવા સાથે કોરોના વાઈરસથી કુલ મૃત્યુઆંક વધીને ૩૭,૦૪૮ થયો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્રી ડો. જેસન ઓકેએ જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં ટોચે પહોંચ્યા પછી મૃત્યુઆંક સતત ઘટતો રહ્યો છે અને દૈનિક ૨૦૦થી નીચે રહ્યો છે. હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ વધુ ૨૦૦૪ લોકો કોરોનાથી ચેપગ્રસ્ત થવા સાથે ફેબ્રુઆરીમાં રોગચાળો ફાટી નીકળ્યા પછી કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૨૬૫,૨૨૭ની થઈ છે. નોંધપાત્ર બાબત એ પણ છે કે માર્ચ પછી નોર્ધન આયર્લેન્ડમાં મંગળવારે કોઈ મૃત્યુ નોંધાયું નથી. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ૫૬,૪૦,૦૦૦ લોકો વાઈરસથી ચેપગ્રસ્ત થયા છે અને કુલ મૃત્યુઆંક ૩,૪૯,૦૦૦ને વટાવી ગયો છે.

ડેથ સર્ટિફિકેટ્સની એક ગણતરી અનુસાર મે ૧૫ સુધીમાં વાઈરસથી ૪૬,૦૦૦થી વધુ મોત થયા છે જે હેલ્થ ડિપાર્ટમેન્ટના સત્તાવાર આંકડા (૩૩,૯૯૮)થી ૩૬ ટકા વધુ છે. જો આ ગણતરી સોમવારના ૩૬,૯૧૪ મૃતાંકને લાગુ કરાય તો સાચો મૃત્યુઆંક ૪૯,૦૦૦ની આસપાસ હોવાનું કહી શકાય.

હાઈ સ્ટ્રીટ બિઝનેસ ૧૫ જૂનથી ખોલાશે

વડા પ્રધાન જ્હોન્સને કોરોના મહામારીથી ભારે દબાણમાં આવી ગયેલાં હાઈ સ્ટ્રીટ બિઝનેસને ૧૫ જૂનથી ફરીથી ખોલવાને મંજૂરી આપી દીધી છે. ૨૩ માર્ચથી કોરોના વાઈરસ લોકડાઉન લાગુ થયા પછી સંઘરાયેલો સ્ટોક ખાલી કરવા રીટેઈલર્સ કિંમતોમાં ભારે કાપ મૂકે તેવી શક્યતા પણ જણાય છે. નિષ્ણાતો માને છે કે અંદાજે ૧૫ બિલિયન પાઉન્ડના મૂલ્યનો સ્ટોક વેચાવાનો બાકી છે આથી, જાન્યુઆરી સુધી ઓછી કિંમતે પણ વેચાણ ચાલુ રહેશે. ઘરમાં રહી અકળાયેલા ખરીદારો પણ શોપિંગ કરવા નીકળી પડશે. જોકે, બ્રિટિશ રીટેઈલ કોન્સોર્ટિયમ અનુસાર ગ્રાહકોએ નવી વ્યવસ્થાઓનો પડકાર સહન કરવો પડશે. પડદા પાછળ ચેકઆઉટ્સ, બંધ કરાયેલા ટોઈલેટ્સ અને ચેન્જિંગ રુમ્સ, એક સાથે ચોક્કસ સંખ્યામાં કસ્ટમરને સ્ટોર્સમાં જવાની છૂટ તેમજ બેસવાની કોઈ વ્યવસ્થા પણ નહિ હોય. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ગ્રાહકોએ કતારમાં નિશ્ચિત કરાયેલા માર્કિંગમાં ઉભા રહેવાનું થશે અને શક્ય હોય ત્યાં સુધી ગ્રાહકને એકલા જ ખરીદી માટે આવવા જણાવાશે.

વડા પ્રધાને સ્વતંત્ર બિઝનેસીસ અને ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ સહિત બિનજરૂરી માલસામાનની દુકાનોને પણ ૧૫ જૂનથી ખોલવાની છૂટ અપાઈ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ ગાઈડલાઈનનું કડક પાલન કરવાની ચેતવણી સાથે પહેલી જૂનથી આઉટડોર માર્કેટ્સ અને કાર શોરુમ્સ ફરી ખોલવા દેવાશે. માર્ચ મહિનાથી બંધ કરી દેવાયેલા બિઝનેસીસ ભારે નાણાકીય નુકસાન સહન કરી રહ્યા છે. બીજી તરફ, ટ્રેઝરીએ બિઝનેસીસને ચાલુ રાખવા અને તેમના સ્ટાફને વેતન ચુકવવા સેંકડો બિલિયન્સ પાઉન્ડનો ખર્ચ કરવો પડ્યો છે.

‘સોશિયલ બબલ’ મુદ્દે સરકારનું ખુલ્લું મન

લોકડાઉનમાં સામાજિક મેળમિલાપ પ્રતિબંધિત અને મર્યાદિત હોવાથી કંટાળેલા બ્રિટિશરો માટે આનંદના સમાચાર એ છે કે આગામી મહિનાથી તેઓ ‘સોશિયલ બબલ’ની યોજના હેઠળ મિત્રો અને પરિવાર સાથે સમર બાર્બેક્યુ માણી શકશે. અહેવાલો મુજબ લોકડાઉનના આરંભથી જ પ્રતિબંધિત કરાયેલી ગાર્ડન પાર્ટીઓ પણ શરૂ કરી શકાશે. કેબિનેટ બેઠકમાં વડા પ્રધાન સમક્ષ આ દરખાસ્તો મૂકાઈ હતી. સરકાર ‘સોશિયલ બબલ’ મુદ્દે ખુલ્લું મન ધરાવે છે. વડા પ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકાર સામાજિક એકાંતવાસ અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પ્રત્યે સજાગ છે. સાયન્ટિફિક એડવાઈઝરી ગ્રૂપ ફોર ઈમર્જન્સી (SAGE) દ્વારા એવી સલાહ અપી છે કે બહારના વિસ્તારોમાં કોવિડ-૧૯થી ચેપનું જોખમ ઘણું ઓછું રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ન્યૂ ઝીલેન્ડમાં ‘સોશિયલ બબલ’ સ્કીમ હેઠળ ૧૦ વ્યક્તિ સુધીના જૂથોને ઘરની બહાર મળવાની પરવાનગી અપાય છે.

બે મીટરનું અંતર ઘટાડવા અનુરોધ

પબમાલિકોએ સરકારને સોશિયલ ડિસ્ટન્સિંગના વર્તમાન બે મીટરના નિયમને બદલી એક મીટરના અંતર રાખવાનો અનુરોધ કર્યો છે, જેથી તેઓ બિઝનેસ ફરી ખોલી શકે. પબ્સ લોકડાઉનના આરંભ ૨૩ માર્ચથી બંધ છે. જૂન મહિનાથી પબ્સને પણ ખોલવાની સરકારને આશા હતી પરંતુ, હવે તે જુલાઈ સુધી ખોલી શકાશે નહિ. કેટલાક પબમાલિકોએ જણાવ્યું છે કે તેમની શોપ્સ નાની હોવાથી બે મીટરનું અંતર જાળવવું તેમના માટે વ્યવહારુ નથી અને તેથી બંધ રહેવાની ફરજ પડશે. બ્રુઅરીઝના માલિકોએ જણાવ્યું છે કે સામાજિક અંતર ઘટાડીને એક મીટર કરવામાં આવે તો ૧૨૦ ટકા પબ્સ ખોલી શકાશે. ગાર્ડન્સ સાથેની પબ્સ વહેલી ખોલી શકાય તેવા અણસાર છે.

 

કઈ દુકાનો ખુલશે અને કઈ બંધ રહેશે?    

હાલમાં ખુલ્લાં છેઃ • સુપરમાર્કેટસ • ફાર્મસીઝ • ગાર્ડન સેન્ટર્સ •  ટેકઅવે/ડિલિવરી ફૂડ આઉટલેટ્સ

૧ જૂનથી ખુલશેઃ • આઉટડોર માર્કેટ્સ • કાર શોરુમ્સ

૧૫ જૂનથી ખુલશેઃ ઈનડોર માર્કેટ્સ • ક્લોધિંગ અને શુ શોપ્સ • ટોય સ્ટોર્સ બૂક શોપ્સ • ફર્નિચર શોપ્સ • ઈલેક્ટ્રોનિક સ્ટોર્સ • ફોટોગ્રાફી સ્ટુડિયોઝ • ટેઈલર્સ • ઓક્શન હાઉસીસ

હાલ આ તો બંધ રહેશેઃ • રેસ્ટોરાં, બાર અને પબ્સ • કાફેઝ અને કેન્ટીન્સ • હોલીડે એકોમોડેશન્સ- હોટેલ્સ, હોસ્ટેલ્સ, B&Bs, હોલીડે રેન્ટલ્સ, કેમ્પસાઈટ્સ અને બોર્ડિંગ હાઉસીસ • હેરડ્રેસર્સ, બાર્બર્સ, બ્યૂટી અને નેઈલ સલૂન્સ • પ્લેગ્રાઉન્ડ્સ, આઉટડોર જિમ્સ અને આઉટડોર સ્વિમિંગ પૂલ્સ • પીઅર્સિંગ અને ટેટુ પાર્લર્સ • કેરેવાન પાર્ક્સ (કોમર્શિયલ) • લાઈબ્રેરીઝ • કોમ્યુનિટી સેન્ટર્સ • ધર્મ-પૂજાસ્થાનો • મ્યુઝિયમ્સ અને ગેલેરીઝ • નાઈટક્લબ્સ • સિનેમાગૃહો, થીએટર્સ અને કોન્સર્ટ હોલ્સ • બિન્ગો હોલ્સ, કેસિનોઝ અને બેટિંગ શોપ્સ • સ્પા અને મસાજ પાર્લર્સ • સ્કેટિંગ રિન્ક્સ • ઈનડોર ફિટનેસ સ્ટુડિયોઝ, જિમ્સ, સ્વિમિંગ પૂલ્સ અથવા અન્ય આનંદપ્રમોદના ઈનડોર સેન્ટર્સ • ઈનડોર આર્કેડ્સ, બોલિંગ એલીઝ, સોફ્ટ પ્લે સેન્ટર્સ અને તેના જેવી સુવિધાઓ • ફનફેર- આનંદમેળાઓ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter