લંડનઃ યુકેમાં લોકડાઉન ત્રણ સપ્તાહ લંબાવાયું છે. લોકડાઉન દરમિયાન શું કરવાની છૂટ છે અને શું નહિ કરી શકાય તેનું ચેકલિસ્ટ પોલીસે જારી કર્યું છે. ઘર બહાર નીકળવાના જે કારણો દર્શાવાયા છે જેમાં, લક્ઝરી આઈટમ્સ અને આલ્કોહોલ સહિત કેટલાક દિવસો માટે ખાદ્યપદાર્થોની ખરીદી માટે લોકોને છૂટ અપાશે પણ કિચનને રિડેકોરેટ કરવા પેઈન્ટ્સ જેવી બિનજરૂરી વસ્તુ ખરીદવા બહાર જવા છૂટ નથી.
લોકડાઉનમાં શું કરી શકાશે?
નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ અને કોલેજ ઓફ પોલિસિંગ દ્વારા જારી યાદી જણાવે છે કે લોકોને મિત્ર પાસેથી વધારાની ખોરાકી ચીજો એકત્ર કરવા જવા છૂટ મળશે. ઉપરાંત, ઘરમાં દલીલબાજી પછી ગુસ્સાને શાંત કરવા થોડા દિવસ મિત્રને ત્યાં રહેવા જવા કે અસુરક્ષિત લોકોને સપોર્ટ કરવાની પણ છૂટ અપાઈ છે. તો લોકોને શરાબ ખરીદવા, પાલતુ પ્રાણીને વેટરનરી ડોક્ટર પાસે લઈ જવા કે લાંબુ ચાલવા દરમિયાન આરામ અને ભોજન કરવાની પણ છૂટ આપી છે. ચાલવા માટે વાહન હંકારી કન્ટ્રીસાઈડ જવા છૂટ છે પરંતુ, ડ્રાઈવિંગ કરતા ચાલવામાં વધુ સમય લેવાવો જોઈએ. દોડવા, સાઈકલ ચલાવવા, યોગ કરવા, કન્ટ્રીસાઈડ કે શહેરોમાં ચાલવા જેવી સ્વીકાર્ય કસરત માટે છૂટ છે. કર્મચારી માટે ઘરે રહીને કામ કરવું શક્ય ન હોય તેવા સંજોગોમાં ચાવીરૂપ કે સામાન્ય સ્ટાફ હોય તો પણ કામ કરવા જવા પ્રવાસની છૂટ છે.
શું કરવા પરવાનગી નથી?
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કિચનના ડેકોરેશન માટે પેઈન્ટ અને બ્રશ ખરીદવા જવું તે યોગ્ય કારણ નથી. થોડા સમયની કસરત માટે લાંબો સમય ડ્રાઈવિંગ કરવા પર પ્રતિબંધ છે. પાર્ક બેન્ચ સુધી ટુંકુ ચાલવા જવું વાજબી કારણ નથી કારણ કે લોકો બેન્ચ પર લાંબો સમય બેસી રહે છે. પોલીસ કહે છે કે ઘરમાં રહીને કામ કરી શકાતું હોય તો વ્યક્તિએ પાર્કમાં બેસીને કામ કરવું નહિ. પ્રિસ્ક્રીપ્શન રિન્યુ કરાવવા વેટરનરી ડોક્ટરની સર્જરીની મુલાકાત લઈ શકાશે નહિ કેમ કે આ કામ ફોન પર કરી શકાય છે. આ ઉપરાંત, ૨૩ માર્ચે લોકડાઉન જાહેર કરાયું તે મુજબ સામાજિક મેળમિલાપ માટે મિત્રોને તેમના ઘરે મળવા જવું કે જાહેરમાં લોકોને મળવા પર પણ પ્રતિબંધ છે.