લોકડાઉનમાં ૬૨ ટકા બ્રિટિશરોએ વીડિયો ગેમ્સ રમવાની મોજ માણી

Wednesday 12th May 2021 07:02 EDT
 
 

લંડનઃ મહામારીના નિયંત્રણો દરમિયાન લોકોએ મનોરંજનના નવા પ્રકારો શોધી લીધા હતા.મીડિયા રેગ્યુલેટર ઓફકોમના આંકડા મુજબ ગયા વર્ષે કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન ૬૨ ટકા પુખ્ત બ્રિટિશરોએ નીડિયો ગેમ્સ રમવાનો આનંદ લીધો હતો. યુકે ગેમ્સ ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે તમામ વયજૂથના બ્રિટિશરોએ ગયા વર્ષે ગેમિંગ પાછળ ૭ બિલિયન પાઉન્ડ ખર્ચ્યા હતા. યુકેમાં ૨૦૨૦ના લોકડાઉનના આરંભે ૧૧ ટકા ઘરમાં ઈન્ટરનેટની સુવિધા ન હતી જે આ વર્ષના માર્ચ સુધીમાં ઘટીને ૬ ટકા ઘરની થઈ છે.

મોટા ભાગના બ્રિટિશરોએ મહામારીના લોકડાઉન્સ દરમિયાન વીડિયો ગેમ્સ પર હાથ અજમાવ્યો હતો. મીડિયા રેગ્યુલેટર ઓફકોમના સંશોધન અનુસાર યુકેના ૬૨ ટકા પુખ્ત લોકો ૨૦૨૦માં ‘એનિમલ ક્રોસિંગ’ સહિત કોઈ પ્રકારની વીડિયો ગેમ્સ રમ્યા હતા. યુવા વર્ગમાં ગેમ્સ રમવાનું ગણનાપાત્ર ચલણ છે પરંતુ, લોકડાઉનમાં તમામ વયજૂથના લોકોએ મોબાઈલ ફોન્સમાં વીડિયો ગેમ્સ રમવાની મઝા માણી હતી.

યુકે ગેમ્સ ઈન્ડસ્ટ્રીના આંકડા મુજબ બ્રિટિશરોએ ગયા વર્ષે ગેમિંગ પાછળ ૭ બિલિયન પાઉન્ડ ખર્ચી નાખ્યા હતા. મેઈનસ્ટ્રીમ મીડિયા દ્વારા ગેમિંગ પર ઓછું ધ્યાન અપાતું હોવાં છતાં, બ્રિટિશ મીડિયાના રેકોર્ડેડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી જેવા અન્ય હિસ્સાની સરખામણીએ ગેમિંગ ઈન્ડસ્ટ્રી વધુ મૂલ્યવાન છે.

યુકેમાં મીડિયાના ઉપયોગ વિશે વાર્ષિક રિપોર્ટમાં મૂકાયેલા આ સંશોધનના તારણો કહે છે કે વીડિયો ગેમ્સ રમવામાં પુરુષો અને સ્ત્રીઓ સરખા રહ્યા હતા પરંતુ, પ્રકાર અલગ હતો. સ્ત્રીઓ મોટા ભાગે સ્માર્ટફોન્સ પર વીડિયો ગેમ્સ રમતી હતી જ્યારે પુરુષો ગેમ્સ કોન્સોલ્સ અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ પસંદ કરતા હતા. બાળકોની વાત કરીએ તો ૫ -૧૫ના વયજૂથમાં ૧૦માંથી સાત બાળકો ઓનલાઈન ગેમ્સ રમ્યા હતા અને છોકરાઓ તેમના મિત્રો સાથે સંપર્કના સ્વરુપે તેનો ઉપયોગ કરતા હતા.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter