લોકડાઉન્સે બ્રિટિશ અર્થતંત્રની કમર તોડીઃ ૩૧૧ વર્ષ પછી સૌથી મોટો ઘટાડો

Wednesday 17th February 2021 04:08 EST
 

લંડનઃ કોરોના વાઈરસ મહામારીએ અને પરિણામસ્વરુપ લોકડાઉન્સે બ્રિટિશ અર્થતંત્રની કમર તોડી નાખી છે. કોરોનાને અંકુશમાં લેવા માટે બ્રિટન સરકારે મૂકેલા પ્રતિબંધોને કારણે વર્ષ ૨૦૨૦માં ભારે મંદી સર્જાતા અર્થતંત્રની વૃદ્ધિ માઈનસ ૯.૯ ટકા જોવાં મળી છે જે ૧૭૦૯ એટલે કે ૩૦૦ કરતા વધુ વર્ષ પછીનો સૌથી મોટો ઘટાડો છે.

કોરોનાની માઠી અસર સમગ્ર વિશ્વની અર્થતંત્રો પડી છે અને યુકે પણ બાકાત રહ્યું નથી. વર્ષ ૨૦૨૦માં બ્રિટિશ અર્થતંત્રમાં ગત ૩૦૦ કરતાં વધુ વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. કોરોના મહામારીને કારણે લોકડાઉન્સથી બજારો, શોપ્સ, રેસ્ટોરાં, બાર્સ અને પબ્સ બંધ રહેવાથી ટુરિઝમ ઈન્ડસ્ટ્રી અને મેન્યુફેકચરિંગ સેક્ટરને ભારે ફટકો પડતા અર્થતંત્રમાં વિક્રમી ઘટાડો નોંધાયો હતો. મહામારીના વર્ષમાં અર્થતંત્રમાં ૯.૯ ટકાનો ઘટાડો થયો છે, જે ૨૦૦૯ની નાણાકીય કટોકટીમાં થયેલા ઘટાડાથી પણ બમણો  હોવાનું ઓફિસ ફોર ધ નેશનલ સ્ટેટેસ્ટિક્સના રિપોર્ટમાં જણાવાયું છે.

ડિસેમ્બર મધ્યથી અમલમાં મૂકાયેલાં ત્રીજાં લોકડાઉનના કારણે શાળાઓ, રેસ્ટોરાં અને આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ છે. નોર્ધર્ન આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં પણ કોરોના મહામારીને પગલે કડક પ્રતિબંધો અમલમાં છે. ચાન્સેલર રિશિ સુનાકે જણાવ્યું હતું કે આજના આંકડા દર્શાવે છે કે મહામારીને કારણે અર્થતંત્રને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું આંકડાથી સ્પષ્ટ થાય છે. ચાન્સેલર ત્રણ માર્ચે હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરાનારા બજેટમાં મહામારી પછી અર્થતંત્રને વેગ મળે અને નોકરીઓનું રક્ષણ કરી શકાય તે અંગેના પગલાઓની જાહેરાત કરે તેવી શક્યતા છે.

યુકેની ઇકોનોમીમાં સર્વિસ સેક્ટરનો સૌથી વધુ ૮૦ ટકા હિસ્સો છે પણ કોરોનાને કારણે તેમાં ૮.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરી પછી એકોમોડેશન, ફૂડ અને બિવરેજિસ તેમજ બિઝનેસ સેક્ટરમાં આઉટપુટ ઓછામાં ઓછું રહ્યું હતું અને તેમાં ૫૫ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૮.૬ ટકા અને કન્સ્ટ્રક્શનમાં ૧૨.૫ ટકાનો જંગી ઘટાડો થયો હતો. અન્ય અર્થતંત્રોની સરખામણીએ બ્રિટિશ અર્થતંત્રને ભારે ફટકો પડયો છે. ગયા વર્ષે ફ્રાન્સની ઇકોનોમી ઘટીને માઇનસ ૮.૩ ટકા અને જર્મનીની ૫ ટકા જ્યારે અમેરિકાની ૩.૫ ટકા રહી હતી.

અગાઉ ૧૭૦૯માં ગ્રેટ ફ્રોસ્ટ વખતે એટલે કે ઠંડીનાં કાતિલ મોજાને કારણે ઇકોનોમી ફ્રીઝ થઈ હતી અને વૃદ્ધિદર માઇનસમાં ગયો હતો. તે સમયમાં બ્રિટિશ ઇકોનોમી મુખ્યત્વે કૃષિ આધારિત હતી અને કૃષિપેદાશોનું ઉત્પાદન તળિયે પહોંચ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter