લોકપ્રિયતામાં ટોરી પાર્ટી મજબૂતઃ કોર્બીન અને લેબર પાર્ટી વધુ નબળાં

Wednesday 09th October 2019 03:25 EDT
 
 

લંડનઃ બ્રેક્ઝિટ નજીક આવી રહેલ છે ત્યારે નવી સામાન્ય ચૂંટણીની સંભાવના વધી છે. આ ચૂંટણી વિશે યુગવના તાજા અભિપ્રાય મતદાનમાં કન્ઝર્વેટિવ પાર્ટી ૩૪ ટકા મત સાથે સૌથી આગળ છે. જ્યારે અત્યાર સુધી બીજા સ્થાને રહેલી લેબર પાર્ટીને ત્રીજા સ્થાને (૨૧ ટકા) ધકેલી લિબરલ ડેમોક્રેટ્સ ૨૩ ટકા સાથે બીજા સ્થાને આવેલ છે. આમ, ટોરી અને લેબર પાર્ટી વચ્ચે ૧૧ ટકાનું અંતર જણાયું છે. નાઈજેલ ફરાજ અને તેમની બ્રેક્ઝિટ પાર્ટી ૧૨ ટકા સાથે ચોથા તેમજ પાંચ ટકા મત સાથે ગ્રીન પાર્ટી પાંચમાં સ્થાને છે. આ પોલ ૩૦ સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબર દરમિયાન કરાયો હતો.

યુગવના દ્વારા તાજા અભિપ્રાય મતદાનમાં લેબર પાર્ટી અને જેરેમી કોર્બીનને ભારે પછડાટ જોવાં મળી છે. જો સ્વિન્સનના અધ્યક્ષપદ હેઠળ લિબરલ ડેમોક્રેટ્સ હરણફાળ સાથે ૨૩ ટકા સાથે બીજા સ્થાને પહોંચ્યા છે. જોકે, ટોરી પાર્ટીએ ૩૪ ટકા સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ગત સપ્તાહે બ્રાઈટનમાં સફળ વાર્ષિક અધિવેશન પછી ભારે ઉત્સાહમાં આવેલી લેબર પાર્ટી માટે આ પોલના તારણો નિરાશાજનક બની રહેશે. પાર્ટીમાં બ્રેક્ઝિટ મુદ્દે વિખવાદ અને આગામી ચૂંટણીમાં આ મુદ્દે તટસ્થ રહેવાના ઠરાવથી મતદારોમાં તેની લોકપ્રિયતાને નુકસાન થયું હોવાનું મનાય છે. સપ્ટેમ્બરના આરંભે લેબર પાર્ટીને તેના સર્વોચ્ચ ૨૫ ટકા પ્રાપ્ત થયા હતા પરંતુ, તે પછી ઘટાડો થતો રહ્યો છે.

ટોરી પાર્ટી તબક્કાવાર આગળ વધી રહી છે. યુગવ દ્વારા ૧૦ સપ્ટેમ્બરે તેને ૩૨ ટકા ટકા અપાયા પછી તેમાં સુધારો નોંધાયો છે.જોકે, સપ્ટેમ્બરના આરંભે તેને પ્રાપ્ત ૩૫ ટકા કરતા આ પોલમાં એક ટકાની ઘટ થઈ છે. જોકે, લિબ ડેમોક્રેટ્સ નેતા જો સ્વિન્સને તેમની પાર્ટી આર્ટિકલ ૫૦ પાછો ખેંચવા અને બ્રેક્ઝિટ રદ કરવા પ્રતિબદ્ધ હોવાનું જાહેર કર્યાં પછી તેમના પક્ષની લોકપ્રિયતા વધી છે. સપ્ટેમ્બરના આરંભે ૧૬ ટકા જ મેળવ્યા પછી તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter