લંડનઃ વર્તમાન લોકડાઉનના નિયંત્રણો ક્યારથી હળવાં કરવા જોઈએ તેની ભારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ‘PoliticsHome’ માટે કરાયેલા ખાસ પોલમાં ૫૪ ટકા લોકોએ દેશના મોટા ભાગના વિસ્તારોમાં કોરોના વેક્સિનેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકડાઉનના નિયમો ચાલુ રાખવાનો મત દર્શાવ્યો છે. નિયંત્રણો હળવાં કરાય તે અગાઉ વેક્સિન્સથી સંક્રમણ ઘટાડી શકાય છે કે કેમ તે બાબતે મિનિસ્ટર્સે વધુ જાણકારી મેળવી લેવી જોઈએ તેમ પણ લોકોએ જણાવ્યું છે.
રેડફિલ્ડ એન્ડ વિલ્ટન સ્ટ્રેટેજીસ દ્વારા લોકડાઉન નિયંત્રણો હળવાં કરવા મુદ્દે ૧૭ ફેબ્રુઆરીએ યુકેના ૨,૫૦૦ લોકોનો ઓનલાઈન મત મેળવાયો હતો. મતદાનમાં ૩૪ ટકાએ એમ જણાવ્યું હતું કે મિનિસ્ટર્સે ૫૦થી વધુ વયના લોકો સહિત પ્રાયોરિટી ગ્રૂપના તમામ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાય ત્યાં સુધી નિયંત્રણો ઉઠાવી લેવાં બાબતે રાહ જોવી જોઈએ. જ્યારે ૫૪ ટકા લોકોએ યુકેના મોટા ભાગના લોકોનું વેક્સિનેશન કરી લેવાય ત્યાં સુધી નિયંત્રણો રાખવા જરુરી હોવાનું જણાવ્યું હતું. ૧૮-૩૪ વયજૂથના ૫૦ ટકા, ૩૫-૫૪ વયજૂથના ૫૬ ટકા, ૫૫-૬૪ વયજૂથના ૫૮ ટકા તેમજ ૬૫ અને તેથી વધુ વયના ૫૪ ટકા લોકોએ આ વલણને ટેકો આપ્યો હતો.
રાજકારણીઓએ આ મુદ્દે સાવચેતીપૂર્ણ અભિગમ દર્શાવ્યો છે. કન્ઝર્વેટિવ મતદારોના ૫૫ ટકા, લેબર મતદારોના ૬૦ ટકા અને લેબરલ ડેમોક્રેટ્સના ૬૦ ટકા મતદારોએ કહ્યું હતું કે જીવન સામાન્ય તરફ વળે તે પહેલા તમામ વયજૂથના લોકોનું વેક્સિનેશન થઈ જવું જોઈએ. નિયંત્રણો હળવાં કરતા પહેલા વેક્સિનેશનનું વલણ ઈંગ્લેન્ડના તમામ વિસ્તારોમાં લોકપ્રિય બન્યું છે જેમાં, પૂર્વ ઈંગ્લેન્ડ (૬૧ ટકા) અને સાઉથ ઈસ્ટ (૫૮ ટકા) વિસ્તારો મોખરે છે.


