લોકલ ઈલેક્શન્સમાં ટોરી અને લેબર પાર્ટીને જોરદાર લપડાકઃ

ટોરીએ ૧૩૩૦ અને લેબર પાર્ટીએ ૮૪ બેઠક ગુમાવીઃ લિબરલ ડેમોક્રેટ્સને ૭૦૪ બેઠકનો ફાયદો

Wednesday 08th May 2019 02:32 EDT
 
 

 

લંડનઃ બ્રેક્ઝિટ ખેંચતાણથી થાકેલા મતદારોએ કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીને લોકલ ઈલેક્શન્સના પરિણામોમાં ભારે આંચકો આપ્યો છે. બીજી મે ગુરુવારે ઈંગ્લેન્ડની ૨૪૮ કાઉન્સિલની ૮૭૯૮ બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ટોરી પાર્ટીને ગત ૨૫ વર્ષમાં સૌથી ખરાબ પરિણામમાં ૧૩૩૦ બેઠક જ્યારે, લેબર પાર્ટીને ૮૪ બેઠક ગુમાવવી પડી છે. જોકે, લિબરલ ડેમોક્રેટ્સને માતબર ૭૦૪ બેઠકનો ફાયદો થયો છે. નોંધપાત્ર પીછેહઠ છતાં કન્ઝર્વેટિવ પાર્ટીએ ૩,૫૬૪ બેઠક ધરાવે છે. લેબર પાર્ટીને ૨,૦૨૧ અને લિબરલ ડેમોક્રેટ્સને ૧,૩૫૧ બેઠક મળી છે. ટોરી પાર્ટીએ ૯૩ કાઉન્સિલમાં અ્ંકુશ જાળવ્યો છે અને ૪૪ કાઉન્સિલ ગુમાવી છે. જ્યારે, લેબર પાર્ટી પાસે ૬૦ કાઉન્સિલનો અંકુશ રહ્યો છે અને છ કાઉન્સિલ ગુમાવવી પડી છે. લિબરલ ડેમોક્રેટ્સ પાસે વધુ ૧૦ કાઉન્સિલના લાભ સાથે ૧૮ કાઉન્સિલનો હવાલો રહ્યો છે જ્યારે, કોઈના અંકુશ વિનાની ૭૭ કાઉન્સિલ છે. સ્થાનિક ચૂંટણીઓમાં પાર્ટીના કંગાળ દેખાવના કારણે નેતા અને વડા પ્રધાન થેરેસા મે રાજીનામું આપે તેવી માગણીએ વધુ જોર પકડ્યું છે.

બ્રેક્ઝિટ અરાજકતા મધ્યે ૨૪૮ ઈંગ્લિશ કાઉન્ટીઝ અને ૧૧ નોર્ધર્ન આયર્લેન્ડ ઓથોરિટીઝમાં મતદાન યોજાયું હતું. મતદારોએ ટોરી પાર્ટીને બ્રેક્ઝિટની નિષ્ફળતાનો બદલો સ્થાનિક ચૂંટણીઓમાં સૌથી ખરાબ પરિણામો આપીને લીધો છે. પાર્ટીએ ૧૩૩૫ બેઠક ગુમાવી છે, જે પૂર્વ ટોરી વડા પ્રધાન જ્હોન મેજરે ૨૫ વર્ષ અગાઉ ૨૦૦૦થી વધુ બેઠકો ગુમાવ્યા પછી સૌથી મોટો આંકડો છે. આમ છતાં, કન્ઝર્વેટિવ પાર્ટીને ૩,૫૫૯, લેબર પાર્ટીને ૨,૦૨૦ અને લિબરલ ડેમોક્રેટ્સને ૭૦૪ બેઠકના ફાયદા સાથે ૧,૩૫૧ બેઠક મળી છે. Ukipએ ૮૪૫ બેઠક ગુમાવી માત્ર ૩૧ બેઠક જ મેળવી છે જ્યારે અપક્ષ અને અન્ય પક્ષોના સભ્યોની સંખ્યામાં ૮૬૨નો વધારો થયો છે. લેબર પાર્ટીને વધુ બેઠકો મળવાની અપેક્ષા હતી પરંતુ, બેઠકો અને કાઉન્સિલો ગુમાવવાનો વારો આવ્યો હતો.

મેયરપદની પાંચ ચૂંટણીમાં બેડફર્ડમાં ડેવ હોગસન (લિબ ડેમ), કોપલેન્ડમાં ડેમાઈક સ્ટાર્કી (અપક્ષ), લેસ્ટરમાં પીટર સોલ્સબી (લેબર), મેન્સફિલ્ડમાં એન્ડી અબ્રાહમ્સ (લેબર) અને મીડલબરામાં એન્ડી પ્રેસ્ટન (અપક્ષ)નો વિજય થયો છે.

મતદારોના રોષનો ભોગ બન્યાં પછી થેરેસા મે અને જેરેમી કોર્બીને બ્રેક્ઝિટ સમસ્યાનો સર્વપક્ષીય ઉકેલ લાવવા આગળ વધવાની તૈયારી દર્શાવી છે. આ ચૂંટણીમાં વિશેષતા એ રહી છે કે ઓછામાં ઓછાં ૩૯,૦૦૦ મતપત્રો બગડ્યાં હતા. પાર્લામેન્ટની નિષ્ફળતાથી રોષિત મતદારોએ મતપત્રો પર બ્રેક્ઝિટનો ઝડપી ઉકેલ લાવો સહિત વિવિધ ટીપ્પણીઓ કરી હતી. ટોરી પાર્ટીએ તેના ગઢસમાન ચેમ્સફોર્ડ અને સરે હીથ સહિતની કાઉન્સિલો ગુમાવી હતી. લેબર પાર્ટીએ પણ તેની પરંપરાગત બર્નલી, ડાર્લિંગ્ટન અને વિરાલ સહિતની કાઉન્સિલો ગુમાવી હતી, બીજી તરફ, સર વિન્સ કેબલની નેતાગીરી હેઠળ સારો દેખાવ કરીને લિબરલ ડેમોક્રેટ્સે કોટ્સવોલ્ડ અને વિન્ચેસ્ટર સહિત ૧૦થી વધુ કાઉન્સિલો પર અંકુશ સ્થાપિત કર્યો છે.

વડા પ્રધાન થેરેસા મેએ વેલ્સ કન્ઝર્વેટિવ કોન્ફરન્સમાં પ્રવચન થરુ કર્યું ત્યારે કાર્યકરોએ તેમનો હુરિયો બોલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મતદારો કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીને એક જ સંદેશો આપવા ઈચ્છે છે કે આગળ વધો અને બ્રેક્ઝિટ કાર્ય પુરું કરો. તેમણે સ્વીકાર્યું હતું કે પરિણામો ખરેખર મુશ્કેલ છે. તેમણે પોતાની બેઠક ગુમાવનાર કાઉન્સિલરોની માફી માગી કહ્યું હતું કે તેમનો કોઈ જ દોષ ન હતો. મે મહિનાના ઉત્તરાર્ધમાં જ યુરોપિયન પાર્લામેન્ટની ચૂંટણી આવી રહી છે ત્યારે નિરાશાજનક પરિણામોથી બંને મુખ્ય પક્ષની ચિંતા વધી છે. લોકલ ઈલેક્શનમાં ભાગ નહિ લેનારા નવા રાજકીય પક્ષો ચેન્જ યુકે અને બ્રેક્ઝિટ પાર્ટી યુરોપિયન પાર્લામેન્ટની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખવાના છે. નાઈજેલ ફરાજની બ્રેક્ઝિટ પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે. (૫૬૨)

---------------------------------------------

પાર્ટી             બેઠક               લાભ/નુકસાન            કાઉન્સિલ

કન્ઝર્વેટિવ         ૩૫૬૪                     -૧૩૩૦                    ૯૩ (-૪૪)

લેબર              ૨૦૨૧                      -૮૪                        ૬૦ (-)

લિબ ડેમ્સ         ૧૩૫૧                     +૭૦૪                     ૧૮ (+૧૦)

UKIP              ૩૧                       -૧૪૫                         -----

ગ્રીન                 ૨૬૫                     +૧૯૪                          -----

અન્યો               ૧૧૭૯                   +૬૬૨                          -----


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter