લોકલ કાઉન્સિલો દ્વારા પરિવારોને અપાતી સહાયમાં તોતિંગ ઘટાડો

ઇંગ્લેન્ડની 25 ટકા કાઉન્સિલમાં માથાદીઠ સહાય ગગડીને 98 પેન્સ પર પહોંચી

Wednesday 07th December 2022 05:41 EST
 
 

લંડન

લોકો કાળઝાળ મોંઘવારીનો સામનો કરી રહ્યાં છે ત્યારે લોકલ કાઉન્સિલો દ્વારા પરિવારોને અપાતી મદદમાં તોતિંગ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. 25 ટકા કાઉન્સિલોએ કલ્યાણ યોજનાઓ બંધ કરી દીધી છે. હવે માથાદીઠ મદદ ફક્ત 98 પેન્સ પર આવી ગઇ છે. ભંડોળના અભાવે જરૂરીયાતમંદ પરિવારો સુધી કલ્યાણ યોજનાઓના લાભ પહોંચી રહ્યાં નથી. ઇંગ્લેન્ડમાં કપડાં અથવા તો ફર્નિચર, વોશિંગ મશીન માટે અપાતી સહાય માથાદીઠ 98 પેન્સ પર આવી ગઇ છે. એક કાઉન્સિલમાં તો ફક્ત 2 પેન્સની સહાય અપાઇ રહી છે. તેની સરખામણીમાં સ્કોટલેન્ડમાં સ્થાનિક કાઉન્સિલો દ્વારા 2021-22માં માથાદીઠ 9.42 પાઉન્ડની સહાયની ફાળવણી કરાઇ હતી. વેલ્સમાં 8.76 પાઉન્ડ અને નોર્ધન આયર્લેન્ડમાં 14.90 પાઉન્ડની સહાય આપવામાં આવી હતી.

ઇંગ્લેન્ડની કુલ 35 પૈકીની 25 ટકા કાઉન્સિલમાં વસતા 1 કરોડ 40 લાખ લોકોને તાકિદની કોઇ સહાય અપાતી નથી. હાઉસહોલ્ડ સપોર્ટ ફંડમાં લોકોને બહુ ઓછી મદદ પૂરી પડાઇ રહી છે તે મોટી ચિંતાનો વિષય છે. 2013માં લોકલ વેલ્ફેર આસિસ્ટન્સ સ્કીમોનો પ્રારંભ કરાયો હતો પરંતુ અત્યારે જ્યારે લોકોને તેની સૌથી વધુ જરૂર છે ત્યારે જ આ યોજનાઓ નિષ્ફળ જઇ રહી છે.

ટોરી સાંસદ પોલ મેનાર્ડે ગરીબો માટેની યોજનાઓ પર પુનઃવિચારની માગ કરતાં જણાવ્યું છે કે આ યોજનાઓના લાભ મેળવવા ઘણા જટિલ બની રહ્યાં છે. લોકલ વેલ્ફેર આસિસ્ટન્સ યોજનાઓ કેવી રીતે કામ કરી રહી છે તેની સરકારે સમીક્ષા કરવી જોઇએ.

લેબર પાર્ટીના નેતા જોનાથાન એશવર્થે જણાવ્યું હતું કે, કાઉન્સિલો પાસે યોજનાઓમાં કાપ મૂકવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો નથી. તેમના બજેટ ખોરવાઇ રહ્યાં છે. તેના કારણે ઘણા પરિવારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter