લંડનઃ વેમ્બલી સ્ટેડિયમમાં કોમ્યુનિટી રીસેપ્શનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિહાળવાની માગણીના અભૂતપૂર્વ ધસારાને ધ્યાનમાં રાખી UKWelcomesModi દ્વારા મર્યાદિત સંખ્યામાં વધારાની ટિકિટ્સ જારી કરવામાં આવનાર છે. આ સ્વાગત સમારંભને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે.
વડા પ્રધાન મોદી આગામી મહિને યુનાઈટેડ કિંગ્ડમની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ કોઈ પણ ચૂંટાયેલા વિદેશી નેતા માટે બ્રિટિશ ભૂમિ પર આયોજિત સૌથી મોટા કોમ્યુનિટી રીસેપ્શન UKWelcomesModiમાં ઉપસ્થિત રહેવાના છે. ૪૫૦થી વધુ વિવિધ કોમ્યુનિટી સંસ્થાઓ UKWelcomesModi સાથે સ્વાગત સહયોગી તરીકે જોડાઈ છે. આ સંસ્થાઓ સાથે ૧.૬ મિલિયનના બ્રિટિશ ઈન્ડિયન ડાયસ્પોરાનો મોટો હિસ્સો પણ વડા પ્રધાન મોદીના સ્વાગતમાં સામેલ થશે. આ એક પ્રકારનો સાંસ્કૃતિક કાર્યક્રમ જ બની રહેશે, જેમાં વડા પ્રધાન મોદીનું યુકેમાં સૌપ્રથમ સંભાષણ વિશેષ મહત્ત્વનું બની રહેશે.
પ્રોગ્રામ કમિટીના કીર્તિ માથુરે જણાવ્યું હતું કે,‘અમારી પાસે સાંસ્કૃતિક કાર્યક્રમની આકર્ષક વિશેષતાઓ તૈયાર છે, જેમાં યુકે અને ભારતની શ્રેષ્ઠ પ્રતિભાઓ અત્યાર સુધી જોવા મળી ન હોય તેવી બંને દેશોની સંગીત, નૃત્ય, નાટક અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતી કૃતિઓ દર્શાવશે.’
UKWelcomesModi કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર જનતા માટે આખરી તક છે અને રજિસ્ટ્રેશન પેજ છેલ્લી વખત ગુરુવાર, ૨૨ ઓક્ટોબર ૨૦૧૫ના દિવસે સવારે ૧૦.૦૦ કલાકે કાર્યરત બનશે. રજિસ્ટ્રેશન કરાવવા માટેની સમયમર્યાદા બુધવાર, ૨૮ ઓક્ટોબરની મધરાત સુધીની રહેશે.
સોશિયલ મીડિયા પર વડા પ્રધાન મોદી માટે સ્વાગત સંદેશા ફરતા થયા છે, જેમાં સમગ્ર દેશના યુવાનો અને વૃદ્ધો સહિત તમામ લોકો દ્વારા અભૂતપૂર્વ રસ અને વિધેયાત્મકતા સ્પષ્ટ થાય છે. વડા પ્રધાન મોદીની યુકે મુલાકાત સંદર્ભે ‘મોદી એક્સપ્રેસ’ બસ કાફલાનું લોન્ચિંગ પણ કરાયું છે. આ બસ અત્યારે મહત્ત્વના લેન્ડમાર્ક્સ અને કોમ્યુનિટી સંસ્થાઓની મુલાકાત સાથે યુકેના એક મહિનાના પ્રવાસે છે. આયોજન સમિતિના મયુરી પરમારે જણાવ્યું હતું કે,‘આપણે ભારતમાં ચાય પે ચર્ચા જોઈ હતી, હવે યુકેમાં બસ પે ચર્ચા જોવાં મળશે.’