લોકશાહીનો ઉત્સવઃ 5 મેએ સ્થાનિક કાઉન્સિલોની ચૂંટણી

Wednesday 27th April 2022 07:11 EDT
 

લંડનઃ લોકશાહી પ્રથાને અનુસરી ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સની સ્થાનીય કાઉન્સિલ્સ માટે ગુરુવાર 5 મેના દિવસે ચૂંટણી યોજાઈ રહી છે. લંડન અને દેશના અન્ય શહેરોમાં યોજાનારી સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીઓ સ્થાનિક સેવાઓ માટે ભારે મહત્ત્વની છે.

લોકશાહીની જાળવણી માટે નાગરિકોએ મતદાન કરવું આવશ્યક છે. નાગરિકો માટે આ લોકશાહીની તક અને ફરજ પણ છે. નાગરિકોએ પોતાની પસંદગીના પક્ષ અથવા ઉમેદવારને મત આપી મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

5 મેએ મતદાન મથકોમાં સવારના 7.00થી રાત્રિના 22.00 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. ઈંગ્લેન્ડની અડધાથી વધુ જેટલી કાઉન્સિલમાં આખી રાત મતગણતરી ચાલુ રહેશે જ્યારે બાકીની કાઉન્સિલમાં શુક્રવાર સવારથી મતગણતરી કરાશે. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં મતગણતરી 6 મે, શુક્રવારે શરૂ કરાશે અને મોટા ભાગના પરિણામો શુક્રવારની સાંજ સુધીમાં જાહેર કરી દેવાશે.

ઈંગ્લેન્ડમાં લીડ્ઝ, માન્ચેસ્ટર, બર્મિંગહામ સહિત 146 કાઉન્સિલ અને 32 લંડન બરોઝ તેમજ સાઉથ યોર્કશાયરમાં રીજિયોનલ મેયર અને 1000 પેરિશ કાઉન્સિલ, સ્કોટલેન્ડની 32 કાઉન્સિલ અને વેલ્સની 22 કાઉન્સિલ માટે ચૂંટણી યોજાઈ છે. આ ઉપરાંત, નોર્ધર્ન આયર્લેન્ડમાં સરકાર રચવા એસેમ્બલીના 90 સભ્ય માટે ચૂંટણી યોજાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter