લોકસભાની ચૂંટણીમાં તમામ એનઆરઆઇને મતદાન કરવા મોદી સરકારની અપીલ

2010 પહેલાં એનઆરઆઇને મતદાન કરવાનો અધિકાર નહોતો અપાતો

Tuesday 26th March 2024 09:52 EDT
 
 

લંડનઃ ભારતમાં 18મી લોકસભાની ચૂંટણી પહેલાં ભારત સરકારે વિદેશોમાં વસતા તમામ એનઆરઆઇને મતદાનની અપીલ કરી છે. લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે 7 તબક્કામાં યોજાશે. એક્સ પર મૂકેલી પોસ્ટમાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ જણાવ્યું હતું કે, અમે તમામ એનઆરઆઇને મતદાનની અપીલ કરીએ છીએ. પીઆઇબીએ મતદાન કેવી રીતે કરી શકાય તેની માહિતી પણ આપી હતી.

જે ભારતીયો રોજગાર, ઉચ્ચ શિક્ષણ અથવા અન્ય કારણોસર વિદેશમાં વસવાટ કરે છે અને તેમણે જે તે દેશની નાગરિકતા સ્વીકારી નથી તેમને મતદાનનો અધિકાર મળે છે. તેઓ તેમના ભારતીય પાસપોર્ટના સરનામા પ્રમાણે મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2010 પહેલાં એનઆરઆઇને મતદાન કરવાનો અધિકાર નહોતો અપાતો.

એનઆરઆઇ કેવી રીતે મતદાન કરી શકે..

મતદાન કરવા માટે એનઆરઆઇએ વોટર પોર્ટલ https://voters.eci.gov.in/ પર જઇ જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ 6એ ભરવાનું રહેશે. ત્યારબાદ બૂથ લેવલના અધિકારી પાસપોર્ટ પરના સરનામાની મુલાકાત લઇને આપેલા પુરાવાની ખરાઇ ચકાસશે. જરૂર પડે તો મતદાર મતદાર યાદીમાં સુધારણા માટે ફોર્મ 8 ભરી શકે છે. એનઆરઆઇ મતદાન મથક પર પોતાનો અસલ પાસપોર્ટ રજૂ કરીને પણ મતદાન કરી શકે છે. એનઆરઆઇ મતદારોએ ફોર્મ 6એમાં પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝને ફોટોગ્રાફ અને પાસપોર્ટના ફોટો અને સરનામાના પાના અફિક્સ કરવાના રહેશે. અરજકર્તા રૂબરૂમાં અથવા તો ટપાલ દ્વારા મોકલી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter