લંડનઃ લોકોને ઠગવા માટે બનાવટી વોટ્સએપ મેસેજનું કૌભાંડ ફૂલીફાલી રહ્યું છે. કોઈ વ્યક્તિના પુત્ર કે પુત્રી હોવાનો ઢોંગ કરી ‘Hi Mum, Hi Dad’ના બનાવટી મેસેજીસ મોકલનારા કૌભાંડીઓએ બ્રિટિશરો પાસેથી માત્ર છ મહિનામાં એક મિલિયન પાઉન્ડથી વધુ રકમ સેરવી લીધી છે. હવે તેઓ પરિવારના સભ્ય હોવાના બનાવટી દાવા સાથે અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ્સનો પણ ઉપયોગ કરી રહ્યા છે.
આ ઠગારાઓ સામાન્યપણે પુત્ર કે પુત્રી હોવાનો ઢોંગ કરી પેરન્ટ્સ પાસેથી નાણા પડાવવામાં માહેર હોય છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પેરન્ટ્સ બહુ જલ્દી આ માયાજાળમાં ફસાઈ જાય છે. હવે તેઓ નાણા પડાવવા માટે પોતાના શિકારને SMS અથવા ટેક્સ્ટ સંદેશાઓ મોકલી નાણા પડાવી રહ્યા છે. તાજેતરના મહિનાઓમાં વોટ્સએપ પર આવા સંદેશાઓ ફરતા થયા છે અને માત્ર 6 મહિનામાં બ્રિટિશરો પાસેથી 1.5 મિલિયન પાઉન્ડ ખંખેરી લેવાયા છે જે બાબતે 3 ફેબ્રુઆરીથી 21 જૂનના ગાળામાં એક્શન ફ્રોડ સમક્ષ 1235 રિપોર્ટ્સ કરવામાં આવ્યા છે.
એક ઠગારાએ પુત્ર હોવાના વેશમાં પોતાનો ફોન ટોઈલેટમાં પડી ગયો હોઈ નવા ફોન માટે નાણા જોઈએની રજૂઆત સાથે 53 વર્ષીય નર્સ ટોની પાર્કર પાસેથી 2,450 પાઉન્ડ પડાવ્યા હતા. ગયા મહિને 66 વર્ષીય પેન્શનર એન્જેલા બ્રિસ્કોએ લગભગ 10,000 પાઉન્ડ ગુમાવ્યા હતા. જોકે, તેઓ બેન્ક મારફત અડધી રકમ મેળવવામાં સફળ રહ્યાં હતાં. પોતાના સંતાનો નાણાકીય મુશ્કેલીમાં હોવાનું મગજમાં ઠસાવી ફ્રોડ કરનારા હજારો પેરન્ટ્સમાં સ્કાય સ્પોર્ટ્સના કોમેન્ટેટર જેક્વી ઓટલીના માતાનો પણ સમાવેશ થાય છે.
સામાન્ય રીતે આ કૌભાંડ વોટ્સએપ પર ‘હાય મોમ’ એથવા ‘હાય ડેડ’ના સંદેશાથી શરૂ થાય છે. પેરન્ટ્સ તેમના દીકરા કે દીકરીનો મેસેજ આવ્યો છે તેમ માની સામે પ્રતિભાવ આપે છે અને તે પછી નાણા મોકલવાની જાળ પથરાય છે. હવે અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર પણ આવા સંદેશા ફરતા થયા છે. ઘણી વખત વિશ્વાસ બેસાડવા પોતાનું બેન્ક એકાઉન્ટ હેક થયું હોવાની ફરિયાદ સાથે નજીકના અન્ય મિત્ર કે પરિવારજનને બેન્ક ટ્રાન્સફરથી નાણા મોકલવા વિનંતી કરાય છે જે પાછળથી તો છેતરપીંડી કરનારા પાસે જ પહોંચે છે. જો નાણા અનેક વખત ટ્રાન્સફર થઈ કૌભાંડી પાસે પહોંચતા હોય તો બેન્કોને તેના મૂળ સુધી પહોંચવામાં મુશ્કેલી નડે છે.


