લોકોએ બચતો વાપરીને દેશને મંદીમાં ધકેલાતો બચાવ્યો, જીડીપીમાં 0.1 ટકાની વૃદ્ધિ

મે મહિનામાં જમા થયેલી રકમ કરતાં લોકોએ 4.6 બિલિયન પાઉન્ડ વધુ ઉપાડી લીધાં

Tuesday 04th July 2023 12:16 EDT
 
 

લંડનઃ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે મે મહિનામાં બેન્ક અને બચત ખાતાઓમાં જમા રકમમાં વિક્રમજનક ઘટાડો નોંધાયો છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના જણાવ્યા અનુસાર બેન્ક અને બિલ્ડિંગ સોસાયટી ખાતાઓમાં જેટલી રકમ જમા થઇ તેના કરતાં 4.6 બિલિયન પાઉન્ડ વધુ ઉપાડી લેવાયાં છે. 26 વર્ષ પહેલાં આ પ્રકારના રેકોર્ડ રાખવાનું શરૂ કરાયું ત્યારથી અત્યાર સુધીમાં આ સૌથી ઊંચું સ્તર છે. ગ્રોસરી બિલ, મોર્ગેજ પેમેન્ટ અને મકાન ભાડાં સહિત કોસ્ટ ઓફ લિવિંગમાં થઇ રહેલા વધારાના કારણે પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

સ્ટેપચેન્જ ચેરિટીના રિચર્ડ લેન કહે છે કે અણધાર્યા ખર્ચને પહોંચી વળવા માટે લોકોની બચતોમાં વધારો થાય તે માટે સહાય અપાવી જોઇએ. બચતોમાં થઇ રહેલો ઘટાડો દર્શાવે છે કે વધુને વધુ લોકો આર્થિક સંકડામણમાં ફસાઇ રહ્યાં છે. મોંઘવારી વ્યાપક બની છે જે લોકોની બચતોને સ્વાહા કરી રહી છે. લોકો દેવાની ચુંગાલમાં પણ ફસાઇ રહ્યાં છે.

બીજીતરફ 2023ના પ્રથમ ત્રિમાસિકમાં યુકેના અર્થતંત્રે 0.1 ટકાની વૃદ્ધિ દર્શાવતા હાલ પુરતું દેશ મંદીમાં ધકેલાવાની સંભાવના ટળી છે. લોકો પોતાની બચતો વાપરીને પણ ખર્ચ કરી રહ્યાં છે તેનો આ પુરાવો છે.

નવી પ્રાઇસ કેપ અમલી બનતાં એનર્જી બિલમાં ઘટાડો થશે

નવી એનર્જી પ્રાઇસ કેપ અમલમાં આવતાં જ ડોમેસ્ટિક ગેસ અને વીજળીના બિલમાં ઘટાડો થશે. આગામી શિયાળામાં એનર્જી પ્રાઇસ કેપમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. પહેલી જૂનથી હવે ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડના પરિવારોને 2074 પાઉન્ડ પ્રતિ વર્ષની પ્રાઇસ કેપ પ્રમાણે ગેસ અને વીજળીના બિલ ચૂકવવા પડશે. તેના કારણે પરિવારના એનર્જી બિલમાં સરેરાશ 426 પાઉન્ડ પ્રતિ વર્ષનો ઘટાડો થશે. આગામી શિયાળામાં એનર્જી પ્રાઇસ કેપ 2000 પાઉન્ડ પ્રતિ વર્ષ થાય તેવી સંભાવના છે.

હવે પાંચ વર્ષની ફિક્સડ મોર્ગેજ ડીલના વ્યાજદર 6 ટકાને પાર

બે વર્ષની ફિક્સ્ડ મોર્ગેજ ડીલના વ્યાજદર પછી હવે પાંચ વર્ષની ફિક્સ્ડ મોર્ગેજ ડીલના વ્યાજદર પણ 6 ટકાને પાર કરી ગયાં છે. મોર્ગેજ લેન્ડર કંપનીઓ વ્યાજદરમાં સતત વધારો કરીને સંખ્યાબંધ સસ્તી ડીલ પાછી પણ ખેંચી રહી છે. મંગળવારે પાંચ વર્ષની ફિક્સ્ડ મોર્ગેજ ડીલના સરેરાશ દર 6.01 ટકા પર પહોંચી ગયા હતા. બે વર્ષની ફિક્સ્ડ મોર્ગેજ ડીલના વ્યાજદર અત્યારે 6.47 ટકા છે. એક વર્ષ પહેલાં આ મોર્ગેજ દર 3 ટકાની આસપાસ હતાં. મોર્ગેજ લેન્ડર કંપનીઓ ટૂંકા ગાળામાં જ સતત વ્યાજદરમાં વધારો કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter