લોકોએ લોકડાઉનના ગભરાટથી ખરીદી વધારી

Wednesday 23rd September 2020 02:28 EDT
 
સ્ટોર્સની અભરાઈઓ પરથી ટોઈલેટ રોલ્સ, લોટ અને ફ્રોઝન આઈટમ્સ ઝડપથી ખાલી થઈ રહી છે. ખાલી અભરાઈઓ જોઈ ખરીદારોને આઘાત. 
 

લંડનઃ દેશભરમાં કોરોના વાઈરસના કેસીસ વધી રહ્યા છે અને ફરી લોકડાઉન લદાઈ શકે તેવી આશંકાએ લોકોએ ગભરાટ સાથે આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી વધારી દીધી છે. આના પરિણામે, સુપરમાર્કેટ્સ દ્વારા સલામતી વધારી દેવાઈ છે અને ડિલિવરી સ્લોટ્સ પણ વધારી દીધા છે. જોકે, સ્ટોર્સનું કહેવું છે કે ગયા છ મહિના અગાઉની સરખમણીએ માગને પહોંચી વળવા તેઓ વધુ સજ્જ છે.

નવા લોકડાઉનની આશંકાએ માર્ચ મહિનામાં જે રીતે ગભરાટપૂર્ણ ખરીદીનો માહોલ સર્જાયો હતો તે પાછો ફરી શકે છે તેમ લોકો વિચારી રહ્યા છે. એક ખરીદારે જણાવ્યું હતું કે આ ફરીથી થઈ રહ્યું છે. કેટલાક સ્ટોર્સની અભરાઈઓ પરથી ટોઈલેટ રોલ્સ, લોટ અને ફ્રોઝન આઈટમ્સ ઝડપથી ખાલી થઈ રહી છે. બ્રિટનના સૌથી મોટા ચેઈન સ્ટોર્સે ખાતરી આપી છે કે તેમની પાસે પૂરતો સ્ટોક અને ડિલિવરી સ્લોટ્સ પણ છે પરંતુ, વીકએન્ડ દરમિયાન ખાલી અભરાઈઓ જોઈ ખરીદારોને આઘાત લાગ્યો હતો. ચિંતિત ખરીદારોએ તેમના સ્થાનિક સ્ટોર્સમાં આવશ્યક ચીજવસ્તુઓ વિનાની ખાલી અભરાઈઓની તસવીરો ટ્વીટર પર રજૂ કરી હતી.

મોરિસન્સે સ્ટોરમાં આવનારા અને જનારા ખરીદારોની સંખ્યા મર્યાદિત કરવા વધુ માર્શલ્સ કામે લગાવ્યા છે. ટેસ્કોની સાપ્તાહિક ઓર્ડરિંગ કેપેસિટી ૬૦૦,૦૦૦થી વધારી ૧.૫ મિલિયન કરી દેવાયા છતાં બુધવાર સુધી સંપૂર્ણ બુકિંગ થઈ ગયું હતુ. અસ્ડાએ પણ તેના ઓનલાઈન ડિલિવરી સ્લોટ્સ ૪૫૦,૦૦૦થી વધારી ૭૦૦,૦૦૦ કર્યા હતા. ઓકાડોમાં ત્રણ દિવસનું વેઈટિંગ ચાલે છે જ્યારે સેઈન્સબરી પણ ભારે માગનો સામનો કરી રહેલ છે. બર્મિંગહામના એક સુપરમાર્કેટ વર્કરના જણાવ્યા અનુસાર કેટલાક લોકો ફરીથી ગભરાટભરી ખરીદી કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter