લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયએ તેમના સંબોધનમાં જાહેરાત કરી હતી કે દેશના દરેક પરિવારને ‘ફાસ્ટ’ બ્રોડબેન્ડ કનેક્શનની માગણીનો અધિકાર મળશે. પરંતુ, અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને નેટ મેળવવા માટે સેંકડો પાઉન્ડ ચૂકવવવા પડશે. નવા ડિજિટલ ઈકોનોમી બિલને લીધે અત્યાર સુધી જે એક મિલિયન લોકોની પ્રોપર્ટી સુધી હાઈ-સ્પીડ કનેક્શન પહોંચાડવાનું મુશ્કેલ ગણાતું હતું ત્યાં આખરે બ્રોડબેન્ડ ટેક્નોલોજી પહોંચવાની આશા ઉભી થઈ છે.
દરેક ઘરને કથિત ‘સુપરફાસ્ટ’ બ્રોડબેન્ડ પહોંચાડવાના કન્ઝર્વેટીવ પાર્ટીના ચૂંટણી મેનિફેસ્ટોમાં ૨૫ મેગાબાઈટ પર સેકન્ડ (mbps)ની સ્પીડનું કનેક્શન આપવાના વચનના પાલનના બદલે આ બિલથી માત્ર ૧૦ mbps સ્પીડની ગેરન્ટી અપાઈ છે. અંતરિયાળ વિસ્તારોમાં લોકોએ બ્રોડબેન્ડ કનેક્શનના ઈન્સ્ટોલેશન માટે ‘વાજબી’ આર્થિક યોગદાન આપવું પડશે. આ ખર્ચ સેંકડો અથવા હજારો પાઉન્ડનો હોઈ શકે. આ બિલ દ્વારા બ્રોડબેન્ડ સર્વિસ કાર્યરત ન હોય તો તમામ ગ્રાહકોને ‘આપોઆપ વળતર’નો અધિકાર અપાશે અને ગ્રાહકો પ્રોવાઈડરને બદલી શકે તેવી સરળ વ્યવસ્થા માટે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરોને ફરજ પડાશે.
બીજી તરફ, આવતા વર્ષના અંત સુધીમાં ૯૫ ટકા મકાનોને બ્રોડબેન્ડની સુવિધા પૂરી પાડવા માટે એક બિલિયન પાઉન્ડની સબસિડી મેળવવા માગતી બ્રિટિશ ટેલિફોન્સે લીગલ ગેરન્ટીના વિચારનો વિરોધ કર્યો છે.


