લોકોના માનસિક આરોગ્યને સુધારવા માટે ‘બેટર હેલ્થ- એવરી માઈન્ડ મેટર્સ’ અભિયાન

Wednesday 13th October 2021 07:34 EDT
 
 

લંડનઃ ઓફિસ ફોર હેલ્થ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ડિસ્પેરિટીઝ (OHID) દ્વારા નવા ‘બેટર હેલ્થ- એવરી માઈન્ડ મેટર્સ (EMM)’ અભિયાનની શરૂઆત કરાઈ છે. સાઉથ એશિયન લોકોને તેનો લાભ લઈ પોતાના માનસિક સ્વાસ્થ્યને સપોર્ટ કરવા‘મારા માટે શું યોગ્ય છે’ તેની જાણકારી મેળવવા અનુરોધ કરાયો છે. આ અભિયાનમાં નિઃશુલ્ક, પ્રેક્ટિકલ માહિતી અને સલાહનો લાભ મેળવવા પોતાના માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખવા લોકોને સખ્તિમાન બનાવાય છે. ‘એવરી માઈન્ડ મેટર્સ’ પ્લેટફોર્મ થકી પાંચ સાદા પ્રશ્નોનો ઉત્તર આપી લોકો તેમના માટે તૈયાર કરાયેલા પ્લાન મેળવી શકે છે જેમાં, સ્ટ્રેસ અને ચિંતાતુરતાનો સામનો કરવામાં મદદ, તેમના મૂડ-મિજાજને સુધારવા, સારી નિદ્રા મેળવવા તેમજ પોતે નિયંત્રણ ધરાવી શકે તેવી વ્યક્તિગત માહિતી પૂરી પાડવામાં આવે છે.

OHID દ્વારા કરાવાયેલા નવા અભ્યાસ મુજબ લગભગ અડધા (૪૯ ટકા) વયસ્કો અને ઈંગ્લેન્ડમાં સાઉથ એશિયનોના લગભગ બે તૃતીઆંશ (૫૯ ટકા) લોકોએ કોવિડ-૧૯ મહામારીથી તેમના માનસિક સ્વાસ્થ્યને નકારાત્મક અસર પહોંચી હોવાનું જણાવ્યું હતું. ઈંગ્લેન્ડમાં તમામ વયસ્કોના લગભગ ત્રીજા ભાગથી વધુ (૧૫.૧ મિલિયન) લોકોએ તેમનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા શું કરવું તેની જાણ નહિ હોવાનું કહ્યું હતું. પાકિસ્તાની અને બાંગલાદેશી વયસ્કો સૌથી વધુ મુશ્કેલી અનુભવે છે જેમાં, ૬૦ ટકા લોકોએ મહામારીથી તેમના માનસિક સ્વાસ્થ્યને નકારાત્મક અસર પહોંચી હોવાનું જણાવ્યું હતું. તેમના પછી, ૫૭ ટકા સાથે ભારતીય વયસ્કો આવે છે.

સાઉથ એશિયનોમાં ૫૯ ટકા પાકિસ્તાની અને બાંગલાદેશી તથા ૫૪ ટકા ભારતીયોએ ચિંતા અને એંગ્ઝ્યાઈટીથી પીડાતા હોવાનું જણાવ્યું છે જ્યારે સામાન્ય પબ્લિકમાં ૪૫ ટકાને આવી ફરિયાદ છે. સારી બાબત એ છે કે સામાન્ય પબ્લિક (૪૭ ટકા)ની સરખામણીએ ૭૪ ટકા પાકિસ્તાની અને બાંગલાદેશી તથા ૭૦ ટકા ભારતીય સહિત સાઉથ એશિયન્સ પોતાના માનસિક સ્વાસ્થ્યની બાબતોમાં સપોર્ટ અને સલાહ મેળવવા આગળ આવે તેવી વધુ શક્યતા રહે છે.

સમગ્ર દેશમાં આરોગ્ય અસમાનતાઓનો સામનો કરવાના હેતુસર ઓફિસ ફોર હેલ્થ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ડિસ્પેરિટીઝ દ્વારા પહેલી ઓક્ટોબરથી આ પ્રથમ કેમ્પેઈન  શરૂ કરાયું છે. મિનિસ્ટર ફોર કેર એન્ડ મેન્ટલ હેલ્થ ગિલિયન કીગાને જણાવ્યું છે કે,‘ મહામારીમાં પ્રજાએ ભારે ધીરજ-સ્થિતિસ્થાપકતા દર્શાવી છે પરંતુ, તેનાથી ચેતવણી પણ મળી છે કે આપણે માત્ર શારીરિક નહિ, માનસિક આરોગ્ય તરફ કાળજી રાખવાની આવશ્યકતા રહે છે.’

સૌ પહેલા ઓક્ટોબર ૨૦૧૯માં કેમ્પેઈન લોન્ચ કરાયા પછી અત્યાર સુધી ૩.૪ મિલિયનથી વધુ વ્યક્તિગત માઈન્ડ પ્લાન્સ તૈયાર કરાયા છે. આ કેમ્પેઈનને CALM, ધ મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન, મેન્ટલ હેલ્થ ઈનોવેશન્સ, ટારાકી, ધ હીરા ફાઉન્ડેશન અને શેરિંગ વોઈસીસ સહિત અગ્રણી મેન્ટલ હેલ્થ ચેરિટીઝ અને કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સના સંગઠન થકી સમર્થન અપાયું છે.

ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડો. ચિરાગ ગોરસિયાએ કહ્યું છે કે,‘ મહામારીથી સાઉથ એશિયનોના માનસિક આરોગ્યને ખરાબ અસર પહોંચી છે પરંતુ, આપણા માનસિક સ્વાસ્થ્યને સુધારવા આપણે બધા તદ્દન સરળ પગલાં લઈ શકીએ છીએ. ચાલવા જવું, વાંચન કરવું, ગાર્ડનિંગ જેવાં શોખ અથવા મનની શાંતિ માટે ધ્યાન અને યોગ સહિત સરળ અને ઓછાં ખર્ચાળ સાધનો થકી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ શકાય છે.’

કોમ્યુનિટીમાં માનસિક આરોગ્યના પ્રશ્નો ધરાવતા લોકોને સપોર્ટ કરતી સંસ્થા ધ હીરા ફાઉન્ડેશનના પવનદીપ જોહલ કહે છે કે,‘ ઘણી વખત આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ આપણી કોમ્યુનિટીના કેટલાક સભ્યો માટે મદદ માગવાનું પડકારરુપ બનાવે છે ત્યારે સાઉથ એશિયનો પોતાના માનસિક સ્વાસ્થ્યની બાબતોમાં સપોર્ટ અને સલાહ મેળવવા આગળ આવે તેવી વધુ શક્યતા રહે છે તે બાબત પ્રોત્સાહક બની રહે છે. મહામારીમાં આપણે સહુએ કોઈક પ્રકારના તણાવ, ચિંતાતુરતા અથવા હતાશા અનુભવ્યાં છે ત્યારે લોકો પોતાના માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખી શકે તેવાં માર્ગો શોધવામાં મદદરુપ બની શકાય તે મહત્ત્વપૂર્ણ છે.’

તમારી સમસ્યાના ઉકેલ માટે શુ યોગ્ય છે તે જાણવા ‘Every Mind Matters’ ની તપાસ કરવા વિનંતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter