લંડનઃ બ્રિટિશરો વધુ પ્રમાણમાં કોરોના ટેસ્ટિંગ કરાવે અને પોઝિટિવ હોય તો પોતાને ઘરમાં એકાંતવાસમાં રહે તેને પ્રોત્સાહન આપવા એક વખત ૫૦૦ પાઉન્ડની કોવિડ સહાય આપવાની દરખાસ્ત હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા વિચારાઈ રહી છે. જોકે, આ યોજનામાં દર સપ્તાહે ૪૫૩ મિલિયન પાઉન્ડનો જંગી ખર્ચ થવાનો હોઈ તેની ભારે ટીકા પણ કરાઈ છે. યોજનાના હિમાયતીઓ કહે છે કે વાઈરસના લક્ષણો ધરાવતા લોકો પણ એકાંતવાસમાં ગયા વિના કામ કરી શકે તે માટે કોરોના ટેસ્ટિંગ કરાવતા નથી. કોરોનાના લક્ષણો ધરાવતા પૈકી ફક્ત ૧૭ ટકા જ લોકો જ ટેસ્ટ કરાવતા હોવાનું તારણ છે.
કોરોના વાઇરસ પોઝિટિવ આવવાને કારણે ઘરમાં ક્વોરેન્ટાઈનમાં રહેતા લોકોને નાણાકીય સહાય આપવાનું બ્રિટિશ સરકાર વિચારી રહી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. જોકે, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર (DHSC) દ્વારા વિચારાયેલા આ પ્રસ્તાવને આખરી મંજૂરી મળી નથી પરંતુ, લીક થયેલા ડ્રાફ્ટ ગવર્મેન્ટ પોલિસી પેપરમાં ૫૦૦ પાઉન્ડ(૬૮૫ ડોલર)ની સહાય આપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ ૫૦૦ પાઉન્ડની સહાય ઈંગ્લેન્ડના તમામ રહેવાસીઓને તેમની વય, રોજગારીના દરજ્જા કે ઘરમાંથી કામ કરવાની ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના આપવાની વિચારણા છે. હેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ આવી દરખાસ્ત વિચારણા હેઠળ હોવાનું નકાર્યું નથી. બીજી તરફ, નાણા મંત્રાલયના સૂત્રોએ આ સહાયની શક્યતાને તદ્દન નકારી કાઢી છે.
આ પ્રસ્તાવને કારણે બ્રિટિશ સરકારને દર મહિને બે બિલિયન પાઉન્ડનો ખર્ચ થશે. લોકોને ભય સતાવે છે કે તેઓ સેલ્ફ આઇસોલેટેડ થશે તો આવક ગુમાવવાનો વારો આવશે તેમ આ પ્રસ્તાવમાં જણાવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કવોરાઇન્ટાઇન થવાના ડરથી ઘણા લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવાથી દૂર રહે છે અને કોરોનાના લક્ષણો ધરાવતા લોકો પૈકી ફક્ત ૧૭ ટકા જ લોકો ટેસ્ટ કરાવી રહ્યાં છે.
DHSCના અન્ય સર્વેમાં જણાયું છે કે ચારમાંથી એક વ્યક્તિ જ સેલ્ફ આઈસોલેશન નિયમનું પાલન કરે છે અને ૧૫ ટકા લોકો સામાન્ય વ્યક્તિની માફક જ કામ કરે છે. હાલમાં જે ઓછી આવક ધરાવે છે અને ઘરમાં રહી કામ કરી શકતા નથી તેમજ સાતમાંથી એક બેનિફિટ મેળવે છે તેવા લોકો પ૦૦ પાઉન્ડની ટેસ્ટ એન્ડ ટ્રેસ સપોર્ટ પેમેન્ટ (TTSP) સહાય માટે લાયક ગણાય છે. જોકે, આના કારણે નાના બિઝનેસ માલિકો, સ્વરોજગારી વર્કર્સ, વેપારીઓ અને જેમના બાળકોને એકાંતવાસની સલાહ અપાઈ છે તેવા પેરન્ટ્સ સહિત સંખ્યાબંધ લોકોને લાભ મળતો નથી.


