લંડનઃ રાષ્ટ્રીય સુરક્ષાના ‘મુશ્કેલી’ના સમયમાં સરકાર પોતાની સત્તાના ઉપયોગથી હસ્તક્ષેપ કરવામાં નિષ્ફળ રહેતાં લાખો પરિવારો ખામીયુક્ત ટમ્બલ ડ્રાયરોને લીધે જોખમનો સામનો કરી રહ્યા હોવાનું ચાર્ટર્ડ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડઝ ઈન્સ્ટિટ્યુટના અધિકારીએ જણાવ્યું હતું.
હોટપોઈન્ટ, ઈન્ડેસીટ અને ક્રેડા જેવા ઉત્પાદકોએ ડ્રાયરોમાં ગંભીર ખામી હોવાની ગયા ઓક્ટોબરમાં ગ્રાહકોને જાણ કરી હતી. ત્યારથી તેઓ ક્ષતિયુક્ત ૪.૩ મિલિયન ડ્રાયરો બદલીને તેની જગ્યાએ ખામી વિનાના ડ્રાયરો લગાવવાના પ્રયત્ન કરી રહ્યાં છે. આ ડ્રાયરોમાં વધારાના ફ્લફને લીધે ગરમીનું પ્રમાણ વધી જાય અને આગ લાગે તેવી શક્યતા છે. ઘણાં મકાનોમાં તાજેતરમાં લાગેલી આગ તથા ધડાકાની ડઝનબંધ ઘટના આવા ડ્રાયરો સાથે સંકળાયેલી હતી.
ઉત્પાદકોની મુખ્ય સંસ્થા વ્હર્લપુલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અંદાજે ૨,૮૦,૦૦૦ ડ્રાયર બદલી નખાયા છે. ડ્રાયરોના રિપેરીંગ અને રિપ્લેસમેન્ટની કામગીરીમાં ૧૩૦૦ એન્જિનિયર અને ૯૦૦થી વધુ કોલ ટેકર્સ સામેલ છે.

