લંડન
કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ વધુ ઘેરી બનતાં હોમ રિપઝેશનની સંખ્યામાં મોટો વધારો થયો છે. નવા સરકારી આંકડા અનુસાર પરિવારોને ગમે ત્યારે આ ટાઇમબોંબ ફાટે તેવી ચેતવણી આપવામાં આવી છે. જસ્ટિસ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર મકાન માલિકો તેમજ ભાડુઆતો માટે હોમ રિપઝેશન, કોર્ટ ક્લેમ અને વોરંટની સંખ્યામાં છેલ્લા 3 મહિનામાં નોંધપાત્ર વધારો થયો છે. મોર્ગેજ રિપઝેશનમાં 91 ટકા, જપ્ત કરાયેલી પ્રોપર્ટીની સંખ્યામાં 103 ટકા, લેન્ડલોર્ડ રિપઝશેનની સંખ્યામાં 106 ટકા અને કોર્ટ ઓર્ડરની સંખ્યામાં 200 ટકાનો વધારો થયો છે.
મકાનમાલિકોને તેમના મકાન ગુમાવતા અટકાવવા માટે વડાપ્રધાન રિશી સુનાકને વિશેષ ફંડ ઊભું કરવાની અપીલ કરાઇ છે. લિબરલ ડેમોક્રેટે વડાપ્રધાનને 3 બિલિયન પાઉન્ડનું મોર્ગેજ પ્રોટેક્શન ફંડ ઊભું કરવા અને જેમના મોર્ગેજ બિલમાં 10 ટકાનો વધારો થયો છે તેવા પરિવારોને મહિને 300 પાઉન્ડની સહાય કરવા અપીલ કરી છે.
લિબરલ ડેમોક્રેટના ટ્રેઝરીના પ્રવક્તા સારા ઓલનેએ જણાવ્યું છે કે આ ચોંકાવનારા આંકડા તો હિમશિલાની ટોચ સમાન છે. લિઝ ટ્રસના મિની બજેટે સમગ્ર દેશના પરિવારોને મોર્ગેજના ટાઇમ બોમ્બ પર બેસાડી દીધાં છે. વ્યાજદરમાં વધારાના કારણે તગડો નફો રળી રહેલી મોટી બેન્કો માટેના ટેક્સ બ્રેક સ્થગિત કરીને મોર્ગેજ પ્રોટેક્શન ફંડ ઊભું કરી શકાય.
સરકારી આંકડા બતાવે છે કે જુલાઇથી સપ્ટેમ્બરમાં કાઉન્ટી કોર્ટ બેલિફો દ્વારા 744 મોર્ગેજ રિપઝેનની કાર્યવાહી કરાઇ હતી. છેલ્લા વર્ષની સરખામણીમાં આ વર્ષે મોર્ગેજ રિપઝેશન વધીને 2491 પર પહોંચી ગયાં છે.

