લંડનઃ ટ્યુશન ફી અને લોનના વ્યાજ દરમાં વધારાનો બેવડો માર સહન નહીં કરી શકતા વિદ્યાર્થીઓના માથે લગભગ £ ૫૦,૦૦૦નું દેવું થઈ જતાં તેઓ યુનિવર્સિટી છોડી રહ્યા છે. ફીમાં વધારાને લીધે તેમને બેંક ઓફ ઈંગ્લેન્ડના બેઝ રેટ કરતા ૧૮ ગણો વ્યાજદર ચૂકવવો પડશે. સ્ટુડન્ટને એક વર્ષમાં ટ્યુશન ફી તરીકે £ ૯,૦૦૦ થતા હતા તે ૨૦૧૮થી વધીને £ ૯,૫૦૦ થશે. આ ઉપરાંત, તેમાં લિવિંગ કોસ્ટની રકમ પણ વધશે.
આ ઉનાળામાં ત્રણ વર્ષનો કોર્સ પૂરો કરીને ગ્રેજ્યુએટ થનારે લોનપેટે £૪૮,૬૩૩ ચૂકવવાના થશે. તેમાં અભ્યાસકાળ દરમિયાન લોન પર વ્યાજના £૪,૯૮૦નો સમાવેશ થાય છે. આ પ્રમાણે ફોરેન લેંગ્વેજમાં ચાર વર્ષનો કોર્સ કરનારે વ્યાજના £૮,૪૫૫ સાથે £૬૬,૬૫૯ ચૂકવવા પડશે.
હાલ, લોન પર વ્યાજદર ૪.૬ ટકાનો છે. તેની સરખામણીમાં બેંક ઓફ ઈંગ્લેન્ડનો બેઝ રેટ માત્ર ૦.૨૫ ટકા જ છે.
ગ્રેજ્યુએટ થયા પછી યુવાનો £ ૨૧,૦૦૦થી ઓછું કમાતા હશે તો તેમને ફુગાવાના દર જેટલું વ્યાજ ચૂકવવું પડશે. એક અંદાજ મુજબ, જેમનો પગાર £૩૦,૦૦૦ હશે અને દર વર્ષે તેમાં સારો વધારો થતો હશે તો પણ લોનની પૂરેપૂરી રકમ ચૂકવતા ૨૮ વર્ષ લાગશે. સરકારે જણાવ્યું છે કે ચૂકવાયા વિનાની લોન ૩૦ વર્ષ બાદ માંડી વાળવામાં આવશે.


