લોર્ડ કરણ બિલિમોરિયા CBIના પ્રથમ BAME પ્રમુખ

Wednesday 24th June 2020 01:21 EDT
 
લોર્ડ કરણ બિલિમોરિયા
 

લંડનઃ ભારતમાં જન્મેલા ગુજરાતી મૂળના ૫૮ વર્ષીય ઉદ્યોગપતિ લોર્ડ કરણ બિલિમોરિયાને ભારે બહુમતીથી કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રીઝ (CBI)ના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ૧૪ વર્ષથી હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન શોભાવતા લોર્ડ બિલિમોરિયા અશ્વેત, એશિયન અને એથનિક માઈનોરિટી (BAME) કોમ્યુનિટીમાંથી CBIના પ્રથમ પ્રમુખ બન્યા છે. તેઓ વિદાય લઈ રહેલા પ્રેસિડેન્ટ જ્હોન એલનનું સ્થાન સંભાળશે. એલનને વાઈસ પ્રેસિડેન્ટ પદે નિયુક્ત કરાયા છે.

લોર્ડ કરણ બિલિમોરિયાએ ૧૯૮૯માં બર્ટન-અપોન-ટ્રેન્ટ ખાતે કોબ્રા બિયરની સ્થાપના કરી હતી અને હાલ તેના ચેરમેન છે. તેઓ યુકે-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સ્થાપક ચેરમેન પણ છે. થેમ્સ વેલી યુનિવર્સિટી (હવે યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડન)ના પૂર્વ ચાન્સેલર બિલિમોરિયાની નિયુક્તિ કરાઈ ત્યારે તેઓ યુકેમાં સૌથી નાની વયના ચાન્સેલર હતા. તેઓ ૨૦૧૪માં યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના સાતમા ચાન્સેલર તરીકે નીમાયા હતા. તેઓ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ એડવાઈઝરી બોર્ડના અધ્યક્ષ પણ છે.

લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે,‘ યુકે બિઝનેસ માટે અત્યંત મહત્ત્વના સમય દરમિયાન CBIના પ્રમુખ બનતા હું ખુબ જ સન્માનિત થયો છું. ચાર રાષ્ટ્રોનો આપણો દેશ ખુબ જ મહત્વાકાંક્ષી આર્થિક રિકવરી પ્લાનના માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે સમાવેશી અને ટકાઉ વૃદ્ધિ સાથે  આપણે વધુ સારું નિર્માણ કરીએ તેમાં મારાથી જે મદદ કરવાની થશે તે હું કરીશ.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘પ્રમુખપદના મારા કાર્યકાળમાં મારી ચાર પ્રાથમિકતાઓમાં પ્રથમ CBI એન્ટ્રેપ્રીન્યોર્સ અને લઘુ-મધ્યમ ઉદ્યોગો (SMEs)ની મદદ માટે મોખરે રહે તે જોવાનું હશે. આ ઉપરાંત, બ્રિટનને વેપારનું પાવરહાઉસ બનાવવાનું છે જે, ભાવિ સમૃદ્ધિ માટે આવશ્યક છે. મારી ત્રીજી પ્રાથમિકતા  સોફટવેર ઓફરને આગળ વધારવામાં મારા ઉચ્ચ શૈક્ષણિક અનુભવનો ઉપયોગ કરવાની રહેશે અને છેલ્લે પરંતુ આખરી નહિ, તેવી પ્રાથમિકતા કાર્યસ્થળોએ સર્વસમાવેશી વાતાવરણ વધારવાની છે. વૈવિધ્યતાના લીધે વધુ સારા નિર્ણયો લેવાય છે. આ ઉપરાંત, મારું ધ્યેય દેશના બોર્ડરુમ્સમાં અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતીઓનું પ્રતિનિધિત્વ વધારવાનું રહેશે.’

CBIના ડાયરેક્ટર જનરલ ડેમ કેરોલીન ફેરબાઈર્ને જણાવ્યું હતું કે,‘ લોર્ડ બિલિમોરિયા CBIના પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા તેનો આનંદ છે. તેમનો અનુભવ, વૈશ્વિક દૃષ્ટિ અને દૃઢતા અને CBI યુકેની બિઝનેસ કોમ્યુનિટી માટે મૂલ્યવાન બની રહેશે. CBI ને જ્હોનના વર્ષોના અનુભવ અને આપણા અર્થતંત્રના વિવિધ સેક્ટર્સની સમજથી ઘણો લાભ મળ્યો છે. તેઓ વાઈસ પ્રેસિડેન્ટપદે રહેવાના છે ત્યારે કોવિડ-૧૯ પછી બિઝનેસીસના પુનર્નિર્માણના પડકારને ઝીલવામાં તેમની સલાહનો લાભ મળતો રહેશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter