લોર્ડ કરણ બિલિમોરિયા CBIના પ્રેસિડેન્ટ બનવાના ઉમેદવાર

Wednesday 05th June 2019 04:20 EDT
 
 

લંડનઃ કોબ્રા બિયરના સ્થાપક, ઉદ્યોગસાહસિક અને સેકન્ડ રેફરન્ડમને સમર્થન આપતા મૂળ ભારતીય લોર્ડ કરણ બિલિમોરિયા કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI)ના વર્તમાન પ્રેસિડેન્ટ જ્હોન એલનના અનુગામી બનવાના અગ્રણી ઉમેદવાર છે. કોબ્રા ગ્રૂપે જણાવ્યું હતું કે કરણ બિલિમોરિયા ૧૮ જૂને યોજાનારી CBIના નવા વાઈસ પ્રેસિડેન્ટ માટેની ચૂંટણીમાં ઉમેદવારી કરશે. લોર્ડ બિલિમોરિયા બ્રિટનના સૌથી મોટા એમ્પ્લોયર્સ જૂથના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત થવાની ધારણા છે. ટેસ્કોના ચેરમેન જ્હોન એલનની પ્રમુખ તરીકેની બે વર્ષની મુદતનો આગામી ઉનાળામાં અંત આવશે ત્યારે લોર્ડ બિલિમોરિયા તેમનું સ્થાન મેળવવાના અધિકારી બનશે.

જો આ અહેવાલને સમર્થન અપાશે તો લોર્ડ બિલિમોરિયાની નિયુક્તિ તેમને દેશના સૌથી શક્તિશાળી બિઝનેસ લોબીઈંગ ગ્રૂપના પ્રમાણમાં અનપેક્ષિત વડા બનાવશે. CBIના મોટા ભાગના પ્રેસિડેન્ટ્સ FTSE-100 કંપનીઓના ચેરમેનની રેન્કમાંથી પસંદ કરાય છે ત્યારે લોર્ડ કરણ તેમણે સ્થાપેલા બિઝનેસના વડા છે. CBI અને અન્ય બિઝનેસ જૂથો પ્રાઈવેટ સેક્ટરના ઉચ્ચ સ્થાનોએ વંશીય અને લૈંગિક વૈવિધ્યતા સુધારવાના વેસ્ટમિન્સ્ટરના ભારે દબાણ હેઠળ છે ત્યારે લોર્ડ બિલિમોરિયા ૧૯૦,૦૦૦ સભ્યો સાથેના CBIનું વડપણ સંભાળનારા પ્રથમ બ્રિટિશ એશિયન બનશે.

લોર્ડ કરણ બિલિમોરિયાએ ૧૯૮૯માં તેમના સાઉથ-વેસ્ટ લંડનના ફ્લેટમાંથી કોબ્રાનું લોન્ચિંગ કર્યું હતું. આજે તેમના ઉત્પાદનો યુકેના લાયસન્સધારી ભારતીય રેસ્ટોરાંમાં પ્રથમ સ્થાને જોવાં મળે છે. યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના ચાન્સેલર લોર્ડ બિલિમોરિયા અન્ય સંસ્થાઓમાં પણ સલાહકારી ભૂમિકાઓ ધરાવે છે. સીબીઆઈના પ્રમુખો બે વર્ષની મુદત ધરાવે છે પરંતુ, તેઓ પોતાની મુદત પહેલા અથવા પછી વાઈસ પ્રેસિડેન્ટ તરીકેની ભૂમિકા પણ ભજવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter