લોર્ડ કરણ બિલિમોરિયા લંડન બિઝનેસ સ્કૂલની ઓનરરી ફેલોશિપથી સન્માનિત

હું આજીવન લંડન બિઝનેસ સ્કૂલનો રાજદૂત બની રહેવા માગુ છુઃ લોર્ડ બિલિમોરિયા

Tuesday 16th July 2024 12:04 EDT
 
 

લંડનઃ ભારતના દેહરાદૂનમાં મૂળ ધરાવતા લોર્ડ કરણ બિલિમોરિયાને લંડન બિઝનેસ સ્કૂલ દ્વારા ઓનરરી ફેલોશિપ એનાયત કરાઇ છે. લંડન બિઝનેસ સ્કૂલ વિશ્વની ટોચની બિઝનેસ સ્કૂલોમાં સામેલ છે. લંડન બિઝનેસ સ્કૂલ દ્વારા વૈશ્વિક બિઝનેસ અને સમાજમાં અસામાન્ય યોગદાન આપનાર વ્યક્તિઓને ઓનરરી ફેલોશિપથી સન્માનિત કરાય છે. અગાઉ આ સન્માન મેળવનારામાં માઇક્રોસોફ્ટના સહ સ્થાપક બિલ ગેટ્સ, બ્લૂમબર્ગના સ્થાપક અને ન્યૂયોર્ક શહેરના પૂર્વ મેયર માઇકલ બ્લૂમબર્ગ, સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ સેક્રેટરી જનરલ કોફી અન્નાનનો સમાવેશ થાય છે.

લંડન બિઝનેસ સ્કૂલના વાર્ષિક પદવીદાન સમારોહમાં લોર્ડ બિલિમોરિયાને આ સન્માન અપાયું હતું. પદવીદાન સમારોહમાં 1600 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી ડિગ્રીઓ એનાયત કરાય છે. લોર્ડ બિલિમોરિયાને જાહેર સેવાઓ અને બિઝનેસમાં લાંબાગાળાની અસર છોડવા અને બદલાવ લાવવા માટે સન્માનિત કરાયા છે. કોબ્રા બીયરના સ્થાપક અને હાઉસ ઓફ લોર્ડ્સના સક્રિય સભ્ય એવા લોર્ડ બિલિમોરિયા તેમના કામો દ્વારા સમાજને પ્રેરણા આપી રહ્યાં છે.

સન્માનનો સ્વીકાર કરતાં લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, લંડન બિઝનેસ સ્કૂલ ખાતે ઓનરરી ફેલો તરીકે નિયુક્તિનું સન્માન ગૌરવની બાબત છે. હું પણ આ જ સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો છું. સ્કૂલની સ્થાપનાની આ 60મી જયંતિ છે. આટલા દાયકામાં જ સ્કૂલે ઘણી સિદ્ધીઓ હાંસલ કરી છે. લંડન બિઝનેસ સ્કૂલ ખાતે અભ્યાસ અને ત્યારબાદ વર્ષો સુધી શૈક્ષણિક કાર્યની તક માટે હું આભારી છું. હું સ્કૂલના ગવર્નિંગ બોર્ડના ચેરમેન સહિતના હોદ્દેદારોનો આ સન્માન માટે આભારી છું. હું લંડન બિઝનેસ સ્કૂલનો આજીવન રાજદૂત બની રહેવા માગુ છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter