લોર્ડ કરન બિલીમોરિયા ઓક્સફર્ડ યુનિ.ના વિઝિટિંગ ફેલો નિયુક્ત થયા

Wednesday 03rd March 2021 04:35 EST
 
 

લંડનઃ  કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI)ના પ્રમુખ લોર્ડ કરન બિલીમોરિયાને ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિઝિટિંગ ફેલો તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટી સેન્ટર ફોર કોર્પોરેટ રેપ્યુટેશન ખાતે કાર્યરત રહેશે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાઈદ બિઝનેસ સ્કૂલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી સેન્ટર ફોર કોર્પોરેટ રેપ્યુટેશન રિસર્ચ સેન્ટર આવેલું છે જે સંસ્થાઓ-સંગઠનોની પ્રતિષ્ઠા કેવી રીતે રચાય છે, કેવી રીતે જાળવણી, વૃદ્ધિ, વિનાશ અને પુનર્સ્થાપિત થાય છે તે સમજવાનો હેતુ ધરાવે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી સેન્ટર ફોર કોર્પોરેટ રેપ્યુટેશનના ડાયરેક્ટર રુપર્ટ યંગરે જણાવ્યું હતું કે,‘ લોર્ડ કરન બિલીમોરિયાની CBIમાં નેતાગીરી તેમજ સફળ એન્ટ્રેપ્રીન્યોર તરીકે તેમની પ્રતિષ્ઠા ભારે મૂલ્યવાન સ્રોત બની રહેશે અને અમે તેમનું રુબરુ સ્વાગત કરવા તત્પર છીએ.’

લોર્ડ બિલીમોરિયા ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેઓ ૨૦૧૭માં કેલોગ કોલેજના બાયનુમ ટુડોર ફેલો તરીકે નિયુક્ત કરાયા હતા. કેલોગ કોલેજ દ્વારા બાયનુમ ટુડોર ફેલોશિપ સર્વોચ્ચ સન્માન છે. તેમણે ૨૦૧૮માં પોતાનું બાયનુમ ટુડોર લેક્ચર ‘Building a global beer brand from scratch: Boldness in business (બિલ્ડિંગ એ ગ્લોબલ બિયર બ્રાન્ડ ફ્રોમ સ્ક્રેચઃ બોલ્ડનેસ ઈન બિઝનેસ)’ આપ્યું હતું. પ્રિન્સ ઓફ વેલ્સ, પ્રિન્સ ચાર્લ્સને પણ તાજેતરમાં બાયનુમ ટુડોર ફેલોશિપ એનાયત કરાઈ છે.

લોર્ડ બિલીમોરિયાએ જણાવ્યું હતું કે,‘યુનિવર્સિટી ઓફ ઓકસફર્ડ ખાતે વિઝિટિંગ ફેલો નિયુક્ત કરાવાથી હું સન્માનિત થયો છું. ઓક્સફર્ડ યુનિવર્સિટી સેન્ટર ફોર કોર્પોરેટ રેપ્યુટેશન ખાતેનું કાર્ય હેતુપૂર્વકનું છે અને બિઝનેસમાં સામાજિક બહાલીના મૂલ્યની વૈશ્વિક અસર રહે છે. હું આ કાર્યમાં યોગદાન આપવા અને હિમાયત કરવામાં મારાતી શ્રેષ્ઠ થઈ શકે તે કરવા આતુર છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter