લંડનઃ બ્રિટિશ ભારતીય લોર્ડ નવનિત ધોળકિયાને લોર્ડ પોપ્પાડોમ તરીકે અપમાનજનક સંબોધન કરનાર કન્ઝર્વેટિવ પાર્ટીના બેરોનેસ કેથેરાઇન મેયેરને 3 સપ્તાહ માટે સસ્પેન્ડ કરવા અને વર્તણુંકની તાલીમ આપવાની ભલામણ હાઉસ ઓફ લોર્ડ્સની કન્ડક્ટ કમિટી દ્વારા કરાઇ છે. કમિટીએ જણાવ્યું હતું કે, બેરોનેસે લોર્ડ ધોળકિયા અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
2024ના પ્રારંભે સંસદીય સમિતિના સાથી સભ્યો સાથે રવાન્ડાની મુલાકાતે ગયા ત્યારે બેરોનેસ મેયેરે લોર્ડ નવનિત ધોળકિયા અંગે અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ મૂકાયો હતો. લોર્ડ નવનિત ધોળકિયા હાઉસ ઓફ લોર્ડ્સમાં લિબ ડેમ પાર્ટીના ડેપ્યુટી લીડર છે. બેરોનેસના વ્યવહાર પર રજૂ કરાયેલા રિપોર્ટમાં સતામણી અને રેસિયલ ટિપ્પણી અંગેની ફરિયાદને માન્ય રાખવામાં આવી હતી.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, બેરોનેસ મેયેર દ્વારા કરાયેલા કોડ ઓફ કન્ડક્ટના ઉલ્લંઘનનામહત્વ અને તેમની વર્તણુંક અંગેની ફરિયાદની અસરોને જોતાં તેમને ટૂંકાગાળા માટે સસ્પેન્ડ કરવા વિચારણા ચાલી રહી છે. તેથી અમે બેરોનેસ મેયેરને હાઉસ ઓફ લોર્ડ્સમાંથી 3 સપ્તાહ માટે સસ્પેન્ડ કરવા ભલામણ કરીએ છીએ. તે ઉપરાંત બેરોનેસને વ્યવહાર અંગે તાલીમ આપવાની પણ ભલામણ કરાઇ છે.


