લંડનઃ લિબરલ ડેમોક્રેટ ઉમરાવ લોર્ડ નવનીત ધોળકિયાને પાર્ટીના એશિયા માટેના વિશેષ ટ્રેડ, કલ્ચરલ અને પોલિટિકલ એન્વોય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લિબરલ ડેમોક્રેટ પાર્ટીના નેતા વિન્સ કેબલે બ્રિટનની એશિયન કોમ્યુનિટીઓ અને લિબરલ ડેમોક્રેટ્સ વચ્ચેના સંપર્કો મજબૂત બનાવવાના વ્યાપક મિશનના ભાગરુપે આ ભૂમિકા ઉભી કરી છે.
આ નિયુક્તિ અંગે સર વિન્સ કેબલે જણાવ્યું હતું કે, ‘લિબરલ ડેમોક્રેટ પાર્ટી અને એશિયન દેશો વચ્ચે સારા અને મજબૂત સંબંધોના નિર્માણ માટે કોઈ વ્યક્તિની જરુર પક્ષને જણાતી હતી. નવનીત ધોળકિયા બ્રિટનની તમામ એશિયન કોમ્યુનિટીઓમાં સન્માન ધરાવે છે. તેઓ અમે જેમની સાથે સમાન મૂલ્યો ધરાવીએ છીએ અને આપણા પારસ્પરિક લાભ માટે મજબૂત સંબંધો વિકસાવી શકીએ તેવા દેશોના તમામ સ્તરે ફળદાયી સંબંધોને ઉત્તેજન આપવા યોગ્ય વ્યક્તિ છે.’
લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે, ‘આ કાર્ય હાથ લેવા વિન્સ કેબલ દ્વારા મને જણાવાયું તે મારા માટે ગૌરવની બાબત છે. બ્રિટન અને તમામ એશિયન દેશો વચ્ચે મૈત્રીને મજબૂત બનાવવામાં હું મદદરુપ બની શકું તો મારા જીવનની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ થશે. માત્ર યુકે અને સમગ્ર એશિયાના યુવાનો માટે જ નહિ, આપણે સાથે મળીને અશાંત વિશ્વનું ભવિષ્ય ઉજળું બનાવવા ઘણું કરી શકીએ છીએ.’


