લંડનઃ લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીના ડેપ્યુટી લીડર લોર્ડ નવનીત ધોળકિયાને ૨૮ જૂન શુક્રવારે ડિસ્ટિંગ્વિશ ફેલો ઓફ ઈન્ડિયા ગ્લોબલનો એવોર્ડ એનાયત કરાતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી. ‘ડિકોડિંગ ઈન્ડિયન ડેમોક્રસી’ના ચોથા સમિટ દરમિયાન કોન્ફરન્સમાં યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન ખાતે તેમને આ એવોર્ડ અપાયો હતો. અગાઉ, કેમ્બ્રિજ યુનિવર્સિટી (૨૦૧૬), યુનિવર્સિટી ઓફ ડેન્વેર (૨૦૧૭) અને MIT સ્લોઆન બિઝનેસ સ્કૂલ (૨૦૧૮)માં સમિટ યોજાયા હતા.
ઈન્ડિયા ગ્લોબલ આપણે જે દેશમાં વસતા હોઈએ તયાં રચનાત્મક પરિવર્તન લાવવાના ઉદ્દેશ સાથે સમાન માનસિકતા અને પ્રવૃત્તિલક્ષી વ્યક્તિઓનું સંગઠન છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ભારતીયોને દેશના વિકાસમાં યોગદાન આપવા હાકલ કરી છે. ઈન્ડિયા ગ્લોબલ સમગ્ર વિશ્વનો ભારતીય ડાયસ્પોરા જ્ઞાનના આદાનપ્રદાન, સાંસ્કૃતિક બંધનો અને સંપર્કને કેવી રીતે વિકસાવી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઈન્ડિયા ગ્લોબલના સીનિયર ફેલો ડો. પવન તામવડાએ લોર્ડ ધોળકિયાનો પરિચય આપતા જણાવ્યું હતું કે,‘અમે આ વર્ષે તમને ડિસ્ટિંગ્વિશ ફેલો ઓફ ઈન્ડિયા ગ્લોબલ તરીકે મુખ્ય પ્રવચન આપવા આમંત્રિત કરતા આનંદ અનુભવીએ છીએ. તમે સાચા વૈશ્વિક નાગરિક અને વિચારક છો, તમારા કાર્યથી વિશ્વના લાખો લોકોને પ્રેરણા મળી છે. અમારા બોર્ડ અને ફેલો વતી તમને ડિસ્ટિંગ્વિશ ફેલો તરીકે ઈન્ડિયા ગ્લોબલમાં આવકારવા અમારા માટે ગૌરવપૂર્ણ બાબત છે.’


