લંડનઃ લોર્ડ નવનીત ધોળકિયાએ રીહેબિલિટેશન ઓફ ઓફેન્ડર્સ (એમેન્ડમેન્ટ) બિલને બીજા વાંચનમાં સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. લોર્ડ રામ્સબોથામે રીહેબિલિટેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ ૧૯૭૪ને સુધારવામાં અથાગ પ્રયાસો કરવા બદલ લોર્ડ ધોળકિયાની પ્રસંશા કરી હતી.
લોર્ડ ધોળકિયાએ સુધારા દરખાસ્તો વિશે જણાવ્યું હતું કે જે અપરાધીઓએ ચાર કરતા વધુ વર્ષની સજા પૂર્ણ કરી હોય અને અપરાધ જગતથી છેડો ફાડ્યો હોય તેમજ આઠ કે વધુ વર્ષથી આવી પ્રવૃત્તિથી અળગા રહ્યા હોય તેમને રક્ષણ આપવાની વાત છે. પુનર્વાસ સમય પછી પૂર્વ અપરાધીઓએ નોકરી માટે અરજી વખતે તેમની સજા વિશે જાહેર કરવાનું રહેતું નથી.
Nacroના પ્રમુખ તરીકે પોતાનો રસ દર્શાવતા લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે કમનસીબે આવો ભેદભાવ વ્યાપક છે અને Nacroના સર્વે અનુસાર ૬૦ ટકા પૂર્વ અપરાધીઓને તેમના ક્રિમિનલ રેકોર્ડના કારણે નોકરીનો ઈનકાર કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે ન્યાયતંત્ર દ્વારા ગુના માટેની સજા ભોગવી લીધા પછી પૂર્વ અપરાધીઓ સામે બેદભાવનો વધારાનો ગેરકાયદે દંડ સૈદ્ધાંતિક રીતે પણ ખોટો છે. જો પૂર્વ અપરાધીને નોકરી મળે તો ફરીથી ગુનો આચરવાનું જોખમ ઘટી જાય છે.
લોર્ડ ધોળકિયાએ ચાર કે તેથી વધુ વર્ષ સજા ભોગવનાર અપરાધીઓને કાયદાની વ્યાખ્યામાં લાવતા તેમના સુધારાઓને ટેકો આપવા બદલ યુથ જસ્ટિસ બોર્ડના ચેરમેન લોર્ડ મેકનેલી અને પૂર્વ જસ્ટિસ મિનિસ્ટર કેનેથ ક્લાર્કનો આભાર પણ માન્યો હતો.


