લોર્ડ પેડ્ડિકની ચાર મિનિટની સ્પીચ પાછળ ખર્ચ ૮,૯૦૦ પાઉન્ડ!

Monday 30th May 2016 12:09 EDT
 
 

લંડનઃ પૂર્વ મેટ્રોપોલિટન ચીફ, લંડનના મેયરપદના ઉમેદવાર અને લિબરલ ડેમોક્રેટ લોર્ડ પેડ્ડિકે ઈરાકમાં લક્ષ્યાંકો પર બોમ્બમારો કરવા વિશેની ચર્ચામાં ચાર મિનિટનું સંબોધન કર્યું હતું, પરંતુ કરદાતાના માથે તેનો બોજ ૮,૯૦૦ પાઉન્ડ આવ્યો હતો. તેનું કારણ એ છે કે લોર્ડ પેડ્ડિક આ સમયે અમેરિકામાં વેકેશન ગાળી રહ્યા હતા અને આ ચર્ચામાં ભાગ લેવા જ પાર્લામેન્ટમાં આવ્યા હતા.

પેડ્ડિકે સપ્ટેમ્બર ૨૦૧૪માં ચર્ચામાં માત્ર ૪૪૬ શબ્દનો નમ્ર ફાળો આપવા ન્યુ યોર્કથી લંડન આવવા બ્રિટિશ એરવેઝના વિમાનના બિઝનેસ ક્લાસમાં કુલ ૭,૦૦૦ માઈલનો પ્રવાસ કર્યો હતો. ચર્ચામાં ભાગ લઈ એ જ રાત્રે ન્યુ યોર્ક પરત થયા હતા. તેમનો કુલ ખર્ચ ૮,૮૯૭.૮૪ પાઉન્ડ થયો હતો એટલે કે પ્રતિ મિનિટ ૨,૨૨૪ પાઉન્ડ અથવા શબ્દદીઠ ૨૦ પાઉન્ડ કરદાતાએ ચુકવવા પડ્યા હતા.

લોર્ડ પેડ્ડિકે કહ્યું હતું કે, ‘પાર્લામેન્ટમાં અગત્યના મુદ્દે ચર્ચામાં ભાગ લેવા મે રજામાં બે દિવસ ગુમાવ્યા હતા. આ ક્લેઈમમાં માત્ર હવાઈખર્ચ જ હતો અને મને કોઈ નાણાકીય લાભ થયો નથી.’

જર્નાલિસ્ટ માર્ટિન વિલિયમ્સના નવા પુસ્તક ‘પાર્લામેન્ટ લિમિટેડ’માં ૪૩ ઉમરાવો દ્વારા ૨૦૧૪-૧૫ના ગાળામાં પાર્લામેન્ટરી સેશન દરમ્યાન કશું બોલ્યા વિના જ ૬૨૧,૬૦૦ પાઉન્ડ ખર્ચના ક્લેઈમ કરાયાની માહિતી અપાઈ છે. આ ગાળામાં ૩૪ ઉમરાવે વોટિંગમાં ભાગ લીધા વિના ૧૩૦,૦૦૦ પાઉન્ડના, જ્યારે આઠ ઉમરાવે બોલ્યા કે મતદાન કર્યા વિના ૨૯,૦૦૦ પાઉન્ડ ખર્ચના ક્લેઈમ કર્યા હતા. ઇમરાવોને કોઈ પગાર અપાતો નતી, પરંતુ ગૃહમાં હાજરી આપવાથી તેઓ ૩૦૦ પાઉન્ડ ડેઈલી એલાવન્સ ક્લેઈમ કરી શકે છે, જેનો કરદાતાના શિરે વાર્ષિક બોજ ૧૮ મિલિયન પાઉન્ડ આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter