લોર્ડ બસવેશ્વરાની 895મી જન્મજયંતીએ સ્મરણાંજલિ

Wednesday 29th April 2026 06:41 EDT
 
 

લંડનઃ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ચન્દ્રુ ઐયરે પ્રણેતા સમાજ સુધારક લોર્ડ બસવેશ્વરાની 895મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ બ્રિટિશ પાર્લામેન્ટ નજીક આવેલા સ્મારક પર સ્મરણાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોર્ડ બસવેશ્વરાની ફિલોસોફીનો પ્રસાર કરનારા દિવંગત ભીમન્ના ખાંડ્રે અને શમાનુર શિવશંકરપ્પા માટે મેમોરિયલ સર્વિસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ચન્દ્રુ ઐયરે લૈંગિક સમાનતા અને માનવ અધિકારોના પ્રખર હિમાયતી, સમાજસુધારાના પ્રણેતા લોર્ડ બસવેશ્વરાના શાશ્વત વારસા વિશે જણાવ્યું હતું. તેમણે કન્નડ ભાષામાં બસવેશ્વરા વચનોનો ઉલ્લેખ કરી ઓડિયન્સનું દિલ જીતી લીધું હતું. ડેપ્યુટી હાઈ કમિશનરે તેમના સંબોધનમાં લોકશાહી, લૈંગિક સમાનતા અને માનવ અધિકારોના સહભાગી મૂલ્યોના પ્રતીક તથી યુકે અને કર્ણાયક રાજ્ય વચ્ચે જીવંત સ્મારક તરીકે ઉભા રહેલા સ્મારકની સ્થાપના અને જાળવણીના વિઝન માટે લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશનને બિરદાવ્યું હતું.

ભારતના બે વડા પ્રધાનો, નરેન્દ્ર મોદી અને એચ.ડી. દેવેગોવડા તેમજ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વૈશ્વિક સન્માન ધરાવતા આ સ્મારકની મુલાકાત લીધેલી છે. બ્રિટિશ કન્નડ કોમ્યુનિટી વતી ડો. નીરજ પાટીલે કર્ણાટકના મુખ્ય પ્રધાન આ ઐતિહાસિક સ્થળે શ્રદ્ધાંજલિ આપવા આવી શકે તે માટે યુકેની સત્તાવાર મુલાકાત ગોઠવવા ડેપ્યુટી હાઈ કમિશનરને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે લોર્ડ ઉદય નાગારાજુ, પાર્લામેન્ટના પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા, હિન્દુ કાઉન્સિલ યુકેના પ્રેસિડેન્ટ કૃષ્ણાબહેન ભાન, બસવ સમિતિ ઓફ યુકેના અભિજિત સાલીમથ અને નિત્યા મલ્લિકાર્જુન સહિત વક્તાઓએ સંબોધનો કર્યા હતા અને લોર્ડ બસવેશ્વરાના શાશ્વત આદર્શો પ્રતિ કટિબદ્ધતા જાહેર કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter