લંડનઃ બ્રિટનના સૌથી સીનિયર પોલીસ ઓફિસર સર બર્નાર્ડ હોગાન-હોવને બાળ યૌનશોષણ તપાસ મુદ્દે પોતાની વર્તણૂકનો ખુલાસો કરવા ૨૩ ફેબ્રુઆરીએ હોમ એફેર્સ સિલેક્ટ કમિટી સમક્ષ બોલાવાયા છે. બાળ યૌનશોષણના ૪૦ વર્ષ અગાઉના દાવા મુદ્દે આર્મીના પૂર્વ વડા ફિલ્ડ માર્શલ લોર્ડ બ્રામેલની તપાસ બાબતે સર બર્નાર્ડ સામે તીવ્ર ટીકા થઈ હતી. ગંભીર આરોપો છતાં લોર્ડના પૂર્વ સાથીઓની પૂછપરછ કરાઈ ન હતી. આખરે, પૂરાવાના અભાવે તપાસ પડતી મૂકાઈ હતી. લોર્ડ બ્રામેલે સર બર્નાર્ડ સાથે સહાનુભૂતિ વ્યક્ત કરતા કહ્યું હતું કે તપાસ મુદ્દે તેમની માફી મગાશે કે નહિ તેની જાણ કરાઈ નથી.
મેટ્રોપાલીટન પોલીસ કમિશનર સર બર્નાર્ડ પોતાનો હોદ્દો બચાવવાની તકલીફમાં છે ત્યારે ૯૨ વર્ષીય લોર્ડ બ્રામેલે કહ્યું હતું કે ‘હું માફી મેળવવા રડતો નથી, મારા માટે લોકો લડી રહ્યા છે. મને માફી સ્વીકારવામાં વાંધો નથી, પરંતુ તેના માટે હું દબાણ નહિ કરુ.’ અગાઉ, હોમ એફેર્સ કમિટીએ સર બર્નાર્ડને બોલાવ્યા હતા, પરંતુ તેઓ અન્યત્ર હાજરીના કારણે આવ્યા ન હતા. લોર્ડ બ્રામેલે કહ્યું હતું કે ‘સ્કોટલેન્ડ યાર્ડ જાહેર જીવનના લોકો સામે યૌનશોષણના ઓપરેશન મિડલેન્ડ તપાસના ફિયાસ્કામાંથી કેવી રીતે બહાર આવશે તે જોવામાં મને રસ છે.’
તપાસકર્તા ડિટેક્ટિવ્ઝે લોર્ડ સામે ૧૯૭૦ના દાયકામાં બાળકો પર બળાત્કાર અને અત્યાચારના આક્ષેપો તપાસ્યા હતા, પરંતુ ૧૧ મહિના સુધી સાક્ષીઓના ઈન્ટરવ્યુ લીધા નહિ તેમજ પાયાની વિગતો ચકાસવામાં પાંચ મહિનાથી વધુ સમય લીધો હતો.


